Wed Aug 12 2026

Logo

આકારણી વર્ષ 2027 માટેના 5.9 કરોડ કરતાં વધુ આવકવેરાના રિટર્ન ફાઈલ થયા

2026-08-01 19:10:45
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ ગત 31મી જુલાઈ સુધીમાં આકારણી વર્ષ 2026-27 માટેના અંદાજે 5.9 કરોડ કરતાં વધુ આવકવેરાપત્રકો અથવા તો ઈન્કમ ટેક્સનાં રિટર્ન ફાઈલ થયા હોવાનું આવકવેરા વિભાગે આજે એક યાદીમાં જણાવ્યું હતું. 

અત્રે નોંધનીય બાબત એ છે કે આકારણી વર્ષ 2026-27માં જેના હિસાબો ઑડિટ ન થતાં હોય તેવા કરદાતાઓ માટે પેનલ્ટી અને વ્યાજ સિવાય આઈટીઆર (ઈન્કમ ટેક્સ રિટર્ન)-1 અને બે ફાઈલ કરવાની અંતિમ તારીખ 31મી જુલાઈ હતી. ગત આકારણી વર્ષ 2025-26માં રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ 16મી સપ્ટેમ્બર, 2025 સુધી લંબાવવામાં આવી હતી અને અંદાજે 7.3 કરોડ કરતાં વધુ રિટર્ન ફાઈલ થયા હતા. 

આકારણી વર્ષ 2026-27 માટેનાં ગત 31મી જુલાઈ સુધીમાં 5.9 કરોડ કરતાં વધુ રિટર્ન ફાઈલ થયા હોવાનું આઈટી વિભાગે એક્સ પ્લેટફોર્મ પર જણાવતા ઉમેર્યું હતું કે આઈટીઆર- ફોર્મ એક (સહજ) નાના અને મધ્યમ કરદાતાઓ માટે સરળ ફોર્મ છે. સહજ ફોર્મ સ્થાનિક રહીશ વ્યક્તિગત કરદાતા જે વર્ષે રૂ. 50 લાખ સુધીની આવક ધરાવતો હોય અને જેની આવક પગાર, હાઉસ પ્રોપર્ટી અને કૃષિ આવક વર્ષે રૂ. 5000 સુધીની હોય તે ફાઈલ કરી શકે છે. 

આ ઉપરાંત વ્યક્તિગત અને હિન્દુ અવિભક્ત પરિવાર જેની વેપાર કે વ્યવસાયમાંથી આવક કે નફો ન હોય, પરંતુ મૂડીગત આવક હોય તેઓને આઈટીઆર-2 ફાઈલ કરવાનું હોય છે.