Sat May 09 2026

Logo

ગેરકાયદે ભ્રૂણ પરીક્ષણનું રૅકેટ: ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રમુખની ધરપકડ

2026-05-09 18:08:05
Author: Yogesh D Patel
Article Image

મુંબઈ: ગેરકાયદે ભ્રૂણ પરીક્ષણના રૅકેટમાં એક મોટી કાર્યવાહીમાં ગેરકાયદે ગર્ભપાત અને પરીક્ષણો કરવામાં સંડોવણી બદલ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (આઇએમએ)ના મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રમુખ ડો. રવીન્દ્ર કુટેની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અહિલ્યાનગર અને પુણેમાં ફેલાયેલા આ રૅકેટની તપાસ બાદ ડૉ. કુટેની ધરપકડ કરવામાં આવી હતી. પ્રિ-ક્ધસેપ્શન એન્ડ પ્રિ-નેટલ ડાયેગ્નોસ્ટિક ટેક્નિક્સ (પીસીજીએનડીટી) એક્ટનું ઉલ્લંઘન કરતા એજન્ટો અને ડોક્ટરોના નેટવર્કને સંડોવતા મસમોટા રૅકેટની તપાસમાં ડૉ. કુટેનું નામ સામે આવ્યું હતું. 

ડૉ. કુટેની બુધવારે રાહતાથી ધરપકડ કરવામાં આવી હતી અને તેને પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે ડૉ. કુટેએ કથિત રીતે અનેક મહિલાઓનો અનધિકૃત રીતે ગર્ભપાત કરાવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.

પોલીસે અત્યાર સુધીમાં બે ડૉક્ટર, ત્રણ એજન્ટ અને પીડિત મહિલાઓના સંબંધીઓ સહિત 12 લોકોની ધરપકડ કરી છે. એડિશનલ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ (શ્રીરામપુર) સોમનાથ વાઘચૌરેની આગેવાની હેઠળ તેમની ટીમે આ કાર્યવાહી કરી હતી. આ રૅકેટ પુણે અને અહિલ્યાનગરમાં ફેલાયેલું છે, એવું તપાસમાં સામે આવ્યું હતું.

દરમિયાન આઇએમએ મહારાષ્ટ્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ભ્રૂણ પરીક્ષણના કાયદાનું ઉલ્લંઘન કરનાર કોઇ પણ સભ્યનું પોતે રક્ષણ કરતું નથી. 

આઇએમએ મહારાષ્ટ્ર રાજ્ય પીસીપીએનડીટી એક્ટના ઉલ્લંઘનમાં સામેલ કોઇ પણ સભ્ય અથવા પદાધિકારીઓને ટેકો આપતું નથી કે રક્ષણ કરતું નથી.

ડૉ. રવીન્દ્ર કુટેના કિસ્સામાં પોલીસ અને કોર્ટ ઉપલબ્ધ પુરાવાના આધારે કાનૂની કાર્યવાહી કરશે, એમ સંગઠનના પ્રમુખ ડૉ. સંતોષ કુલકર્ણી અને સેક્રેટરી ડૉ. વિક્રાંત દેસાઇએ એક યાદીમાં જણાવ્યું હતું. આ ધરપકડની ગંભીરતાથી નોંધ લેતાં રાજ્યની શાખા દ્વારા આંતરિક કાર્યવાહી પણ હાથ ધરાઇ છે, એમ પણ તેમણે કહ્યું હતું. (પીટીઆઇ)