Mon Sep 07 2026

Logo

નવા આઇસીસી રૅન્કિંગમાં બાંગ્લાદેશને ફાયદો, આ બ્રિટિશ બૅટ્સમૅન હજીયે નંબર-વન

Dubai   2026-05-27 16:19:00
Author: Ajay Motiwala
નવા આઇસીસી રૅન્કિંગમાં બાંગ્લાદેશને ફાયદો, આ બ્રિટિશ બૅટ્સમૅન હજીયે નંબર-વન

દુબઈઃ આઇપીએલ દરમ્યાન ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ફરી એક વખત ટેસ્ટ રૅન્કિંગ જાહેર કર્યા છે જે અનુસાર ઇંગ્લૅન્ડનો જૉ રૂટ હજી પણ નંબર-વન બૅટ્સમૅન છે. દરમ્યાન બાંગ્લાદેશના મુશફિકુર રહીમ અને લિટન દાસે ઊંચી છલાંગ લગાવી છે. નવા રૅન્કિંગ (RANKING)માં પાકિસ્તાની ખેલાડીઓને ખાસ કંઈ ફાયદો નથી થયો.

હવે ટેસ્ટ મૅચો ઓછી રમાય છે અને એમાં પણ આઇપીએલ ચાલી રહી છે એટલે આંતરરાષ્ટ્રીય મૅચો જ બહુ ઓછી રમાઈ રહી છે એવામાં આઇસીસીએ અપડેટ કરેલા રૅન્કિંગ મુજબ પાકિસ્તાન-બાંગ્લાદેશ સિરીઝ પૂરી થઈ છે એ જોતાં મુશફિકુર રહીમે 10 ક્રમની છલાંગ મારી છે. તે 681 પૉઇન્ટ સાથે 16મા સ્થાને પહોંચી ગયો છે.

બાંગ્લાદેશના બૅટ્સમૅન લિટન દાસે 14 સ્થાનની છલાંગ લગાવી છે અને 650 પૉઇન્ટ સાથે 24મા નંબર પર પહોંચી ગયો છે. પાકિસ્તાનના બાબર આઝમને માત્ર એક સ્થાનનો લાભ થયો છે અને તે બાવીસમા નંબરે છે. સલમાન આગાને પણ બે ક્રમનો નજીવો ફાયદો થયો છે અને તે 27મા નંબરે છે.

તાજેતરની ટેસ્ટ શ્રેણીમાં પાકિસ્તાનના સૂપડાં સાફ થઈ ગયા હતા. બે મૅચની સિરીઝમાં બાંગ્લાદેશના ખેલાડીઓએ ખૂબ સારું પર્ફોર્મ કર્યું હતું અને પાકિસ્તાનની 0-2થી નાલેશી થઈ હતી.

ટેસ્ટ બૅટ્સમેનોના રૅન્કિંગમાં જૉ રૂટ 880ના રેટિંગ સાથે નંબર-વન પર છે, જ્યારે તેના જ દેશ ઇંગ્લૅન્ડનો હૅરી બ્રૂક (857) બીજા નંબરે અને ઑસ્ટ્રેલિયાનો ટ્રૅવિસ હેડ (853) ત્રીજા ક્રમે છે.