વોશિંગ્ટનઃ "જો મને મારી નાખવામાં આવશે, તો ઇરાને એવી કિંમત ચૂકવવી પડશે જે તેણે ક્યારેય વિચારી પણ નહીં હોય." અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કંઈક આવો જ સંદેશ આખી દુનિયાને આપ્યો છે. તેમણે દાવો કર્યો છે કે જો ઈરાન તેમની હત્યા કરવામાં સફળ થાય છે, તો તેમણે પહેલેથી જ એક આદેશ આપી રાખ્યો છે. આ આદેશ મુજબ, ઈરાન પર એટલો મોટો વળતો હુમલો કરવામાં આવે, જેવો દુનિયાએ પહેલા ક્યારેય જોયો નહીં હોય. ન્યૂયોર્ક પોસ્ટને આપેલા ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું કે તેમણે પહેલેથી જ આવો આદેશ આપી દીધો છે.
ટ્રમ્પ આવી વાત કેમ કરી રહ્યા છે?
ટ્રમ્પનો આખો સંદેશ ઈરાન માટે છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે મને મારવાનો પ્રયત્ન ન કરતા, નહીં તો આખા ઈરાને આની કિંમત ચૂકવવી પડશે. તાજેતરના દિવસોમાં ટ્રમ્પ ઘણી વખત કહી ચૂક્યા છે કે તેઓ ઈરાનની 'હિટ લિસ્ટ'માં સૌથી ઉપર છે. તુર્કીમાં નાટો (NATO) શિખર સંમેલન દરમિયાન પણ તેમણે કહ્યું હતું કે ઈરાન તેમને પોતાનો 'નંબર વન ટાર્ગેટ' માને છે. તો વળી, આ દરમિયાન ઈઝરાયેલી ગુપ્ત માહિતીમાં પણ ટ્રમ્પ વિરુદ્ધ કથિત રીતે હત્યાના નવા પ્લાનનો દાવો કરવામાં આવ્યો છે.
શું ટ્રમ્પ ખરેખર આવો આદેશ આપી શકે છે?
ડોનાલ્ડ ટ્રમ્પ ભલે મીડિયામાં ગમે તે કહે, પરંતુ સૌથી મોટો સવાલ એ જ છે કે શું તેઓ આવો કોઈ આદેશ આપી શકે છે. અમેરિકી બંધારણ હેઠળ કોઈ પણ રાષ્ટ્રપતિ એવો સ્થાયી આદેશ છોડી ન શકે કે તેમના મૃત્યુ પછી આપોઆપ કોઈ દેશ પર હુમલો કરી દેવામાં આવે.
ટ્રમ્પ કોને સંદેશ આપી રહ્યા છે?
ટ્રમ્પનું આ નિવેદન માત્ર ઈરાન માટે જ નહીં, પરંતુ અમેરિકી જનતા માટે પણ એક રાજકીય સંદેશ માનવામાં આવી રહ્યું છે. એક તરફ તેઓ પોતાના સમર્થકો સામે એવી છબી ઊભી કરવા માંગે છે કે તેઓ એક નીડર અને કડક નેતા છે, જે કોઈ પણ ધમકી સામે ઝૂકશે નહીં.
ઈતિહાસમાં પહેલાં કોણે આપ્યા હતા આવા આદેશ?
શીત યુદ્ધ (કોલ્ડ વોર) દરમિયાન સોવિયત સંઘે 'ડેડ હેન્ડ' નામની સિસ્ટમ બનાવી હતી. એવું માનવામાં આવતું હતું કે જો સોવિયત નેતૃત્વ પરમાણુ હુમલામાં ખતમ થઈ જાય, તો આ સિસ્ટમ આપોઆપ વળતો પરમાણુ હુમલો શરૂ કરી શકે છે.
બીજા વિશ્વયુદ્ધના અંતમાં એડોલ્ફ હિટલરે કુખ્યાત 'નીરો ડિક્રી' જાહેર કરીને જર્મનીના પોતાના જ પુલો, ફેક્ટરીઓ અને રેલવેને નષ્ટ કરવાનો આદેશ આપ્યો હતો, જેથી દુશ્મનના હાથમાં કંઈ ન આવે.