મોટા શેઠ જે વિલ કરી ગયા છે તે બધા સમક્ષ જાહેર કરવાનું થશે. તમે જ્યારે કહેશો ત્યારે આવી જઈશ. બાકી આજથી જ ચેક પર સોનલબહેન સહી કરશે.
માવજી મહેશ્ર્વરી
‘આમ આંખો ફાડીને શું જોઈ રહ્યા છો? તમે કોઈ સામાન્ય છોકરી સામે નહીં, કરોડોની માલિક સોનલ ઝવેરી સાથે બેઠા છો સમજ્યા?’ સોનલે ફિલ્મી અદાથી કહ્યું.
‘સલામ મલ્લિકાએ હિન્દ. કરોડોની માલિક સોનલ ઝવેરી. વાહ આ રૂમ મારો, બેડ મારું, અરે મારી જ વેફર ખાઈને મારા પર રોફ? તેમ છતાં કરોડોની માલિક સોનલ ઝવેરીને સંતાઈ જવા માટે આવડા મોટા દિલ્હીમાં કોઈ જગ્યા નથી બોલો.’
‘એતો માંય પડ્યા તે મહાસુખ માણે ને દેખણહારા દાઝે જોને !’
‘યાર મને ડાઉટ છે કે તમે અંગ્રેજી મીડિયમમાં નહીં, ગુજરાતી મીડિયમમાં ભણ્યા છો. એના સિવાય આટલું સરસ ગુજરાતી ને એમાં વળી ગુજરાતી કાવ્ય પંક્તિઓ તમને ક્યાંથી આવડે?’
‘એમ તો હું મરાઠી પણ બહુ સારી બોલી જાણું છું. તો શું મરાઠીમાં ભણી છું? તમને કોમ્પ્લિમેન્ટસ આપતાંય આવડતા નથી. એમ કહો ને કે મારું ગુજરાતી સારું છે.’
‘બે શક સારું છે. જરાય એવું ન લાગે કે તમે ઈંગ્લિશ મીડિયમમાં ભણ્યા હશો. ખેર જવા દો. મને હવે તમારા પર જુદો ભાવ આવે છે.’
‘મને પટાવી લેવાનો?’
‘યાર મને ગુસ્સો ન અપાવો. કેમ કે તમે નહીં પટો એની મને ખબર છે.’
‘કરોડોની માલિક છોકરી સાથે કોણ પરણવા તૈયાર ન થાય. તેય જ્યારે સામેથી કહે કે હું તમારી વાઈફ છું.’
‘જવા દ્યો એ વાત. મને કહો કે તમારે ઘર છોડી ભાગવાની શી જરૂર પડી?’
‘સનત મારા દાદા એમની તમામ મિલકત મારા નામે કરતા ગયા, એમ.વી. એન્ટરપ્રાઈઝનો વહીવટ મારા હાથમાં આવ્યો. રાતોરાત હું કરોડોની માલિક બની ગઈ. મારા બેય ભાઈઓ દાદાની મિલકતમાંથી સાવ બહાર નીકળી ગયા. લડાઈ એની જ છે.’
‘કમાલની વાત છે હોં. રાતોરાત કરોડોના માલિક થઈ જવાનું કોને ન ગમે? પણ આ એમ.વી. એન્ટરપ્રાઈઝ એટલે શું?’
‘મારા દાદાના પપ્પાનું નામ વલ્લભદાસ હતું. એમ ફોર મણિરામ અને વી ફોર વલ્લભદાસ.’
‘ઓહ એમ વાત છે. મતલબ છેક સુધી બધું તમારા દાદાને નામ હતું એમ જ ને.’
‘હા, મૂળ મિલકત દાદાને નામ હતી. અમે હીરાના વેપારીઓ છીએ. હીરાના વેપારમાં અનેક અટપટી રીતો છે. આપણા દેશમાં હીરાનો કારોબાર મોટો છે. હીરાના વેપારમાં વેપારીની ત્રણ કેટેગરીઝ છે. સાદી ભાષામાં કહીએ તો અમે હીરાના કાચા માલના સબ ડીલર છીએ.
મારા દાદા વેપારની બાબતમાં સજાગ હતા. એમને ખબર હતી કે મારા પપ્પા હોશિયાર હોવા છતાં જરા ગાફેલ માણસ છે. એટલે એમણે છેક સુધી બધો કારોબાર પોતાના નામે રાખ્યો હતો.’
‘પણ હું માનું છું કે તમારા પપ્પાની એમા ભાગીદારી તો હશે જ ને?’
‘ના નહોતી. એમ.વી એન્ટરપ્રાઈઝમાં પપ્પા ભાગીદાર નહોતા. એ દાદાનાના પાવરદાર હતા.’
‘પાવરદાર એટલે?’
‘અરે હુંય માંડ માંડ સમજી શકી છું. મને કલ્પના પણ નહોતી કે જે ઘરમાં હું એક વધારાની સભ્ય તરીકે રહી છું તે ઘરની હું માલિક થઈ જઈશ. એટલે એમના કારોબારને સમજવાનો કે એ વિશે જાણવાનો મેં કોઈ પ્રયત્ન કદી કર્યો જ નહોતો. આપણા દેશમાં મોટા વેપારીઓને જાત જાતની ઉપાધીઓ હોય છે. સેલ ટેક્ષ, ઈન્કમ ટેક્ષ વગેરેની ઝંઝટ આપણે ધારીએ છીએ એટલી સરળ હોતી નથી. અમારી કંપની પાસે એવા ત્રણ ખેરખાં માણસો છે. રત્નાકર વોરા, બ્રીજેશ પોદાર અને વિમલ બક્ષી. રત્નાકરજી મોટી ઉંમરના છે. મારા દાદાનું અવસાન થયું એની જાણ સૌથી પહેલા એમને જ કરવામાં આવી હતી. એક તરફ ઘરમાં ડેડ બોડી પડ્યું હોય તે વખતે જ ઘરના એક ઓરડામાં કેટલીક કાયદાકીય ચર્ચાઓ થતી હોય છે. મુખ્ય માણસના મૃત્યુ પછી તરત જ કાયદાકીય કાર્યવાહી કરવામાં ન આવે તો ક્યારેક ટેક્નિકલ મુશ્કેલીઓ ઊભી થાય છે.’
‘તમારા દાદાને કોઈ બીમારી હતી?’
‘ના. ત્રણેક દિવસ તાવ જેવું હતું. એમને હોસ્પિટલાઈઝ કરેલા. એમની સેવા માટે પર્સનલ નર્સ રાખેલી. તે છતાં રાતે એમની પાસે હું જ રહેતી હતી. જે દિવસે ગુજરી ગયા તેની વહેલી સવારે હું ઘેર આવી હતી. હું ઘેર આવી તેના બે કલાકમાં જ હોસ્પિટલેથી ફોન આવ્યો કે દાદાની તબીયત બગડી છે. પપ્પા તરત પહોંચ્યા. પપ્પા સાથે દાદા કોઈ વાત ન કરી શક્યા. મને પપ્પાએ ફોન કર્યો. એમનો અવાજ સાંભળીને હું સમજી ગઈ હતી કે કંઈક ગરબડ છે. હું હોસ્પિટલે પહોંચી ત્યારે દાદા નહોતા રહ્યા. દસેક વાગે એમનું ડેડ બોડી ઘેર આવ્યું. મારી એક નબળાઈ ગણો તો નબળાઈ. જ્યારે કોઈનું મૃત્યુ થાય છે ત્યારે મારું મગજ એકદમ કોલ્ડ થઈ જાય છે. મને રડવું પણ ન આવે. લગભગ સાડા દસ વાગે રત્નાકરજી આવી ગયા હતા. એમણે પપ્પા સાથે બંધ ઓરડામાં શું ચર્ચાઓ કરી તેની મને ખબર નથી. પણ અમારા ઘરના એક નોકરે આવીને મને કહ્યું, બહેન આપને પપ્પા બોલાવે છે તે વખતે મારા ભાઈઓ, મારી ત્રીજી મમ્મી મીનાક્ષીની આંખો ચમકી હતી. એ મારા જીવનની દિવ્ય ક્ષણ હતી. મમ્મીએ જે સહન કર્યું હતું, તેણે જે વેઠ્યું હતું એ બધાંનું તર્પણ થવાનું હતું. જેની મને ખબર જ ન હતી. મને આશ્ર્ચર્ય ત્યારે થયું જ્યારે મારા દાદાની વયના રત્નાકરજીએ મને કહેલું, મેડમ મને તમારા દાદાના મૃત્યુનું ઊંડું દુ:ખ છે. મારી ફરજના ભાગરૂપે તમને અત્યારે અહીં બોલાવવા પડ્યા છે. મારે હવે કેટલીક વિધિઓ કરવાની રહે છે. તમારા પપ્પાને તમારા દાદાએ એમ.વી. એન્ટરપ્રાઈઝના પાવરદાર રાખેલા. એ પાવરનામું એમની હયાતિ પૂરતું જ હતું. તેમણે કરેલા વિલ પ્રમાણે હવે એમ.વી. એન્ટરપ્રાઈઝના તમે મુખત્યાર છો. તમે ધારો તો તમે તમારા પપ્પાને પાવરદાર બનાવી શકો છો અથવા બધા હક તમે તમારી પાસે અબાધિત રાખી શકો છો. હું સમજું છું અત્યારે નાજુક સમય છે. તમારી પાસે વિચારવા માટે ઝાઝો વખત નથી. તે છતાં કાયદા પ્રમાણે મણિરામજીના મૃત્યુ બાદ તમારા પપ્પાને એક દિવસ પણ હું ન આપી શકું. એટલે અત્યારે જ આપે નક્કી કરવાનું છે. સ્વર્ગીય મણિરામજી એમ.વી. એન્ટરપ્રાઈઝ તમારા નામે કરી ગયા છે. તમારે અત્યારે જ મને કેટલીક સહીઓ કરી આપવાની રહે છે.’
‘મને તમારી વાતો સમજાતી નથી છતાં ઈન્ટરેસ્ટિંગ લાગી રહી છે. આવું ફિલ્મોમાં બનતું જોયું છે.’
‘તમે વિચાર કરો મને શું થયું હશે? થોડીવાર તો હું સમજી જ શકી નહીં કે રત્નાકરજી શું કહી રહ્યા છે. પપ્પા માથું નીચું કરીને બેઠા હતા. એમને પોતાના પિતાજી ખોયાનો એક આઘાત તો હતો જ. બીજો આઘાત રત્નાકરજીએ આપ્યો. મારા ત્યાં ગયા પહેલા જ રત્નાકરજીએ એમને વિલ બાબતે કહી દીધું હતું.’
‘એટલે તમારા પપ્પાને દાદાએ બનાવેલા વિલની ખબર નહોતી?’
‘જરાય નહીં. દાદાએ મોટી ચતુરાઈ કરી હતી. મારા તરફ એમની લાગણી કહો કે વિશ્વાસ. કે પછી મારા પપ્પા અને મારા ભાઈઓ પરનો એમનો અવિશ્વાસ. એમણે એક જ ઝાટકે એ બધાને એમની મિલકતથી દૂર કરી દીધા હતા.’
‘વિલની વિશ્વસનીયતાને પડકારી ન શકાય? જસ્ટ જાણવા માગું છું.’
‘બિલકુલ પડકારી શકાય. થોડા સમય પહેલા ભારતમાં એવો એક ચર્ચાસ્પદ કેસ બનેલો પણ છે. રત્નાકરજીએ તે સમયે મને બે જાતના ફોર્મ બતાવતાં કહેલું, તમારે જો તમારા પપ્પાને પાવરદાર તરીકે ચાલુ રાખવા હોય તો અહીં સહી કરો અને જો બધા પાવર તમારી પાસે રાખવા માગતા હો તો અહીં સહી કરો.’
એ કશ્મકશની ક્ષણ હતી. મેં મારા ઈશ્વરને યાદ કર્યો. મારી મમ્મીને યાદ કરી અને જરા દૃઢતાથી કહ્યું, વોરાસાહેબ હું પપ્પાને હાલ આ જવાબદારીમાંથી મુક્ત કરવા માગું છું હું કઈ રીતે બોલી ગઈ. કોણે મને બોલાવી તે મને સમજાતું નથી. પપ્પાએ ધાર્યું પણ નહોતું કે હું આવો કોઈ નિર્ણય લઈ શકું. મને મારી સહીની કિંમત પહેલીવાર સમજાઈ. બહાર બેઠેલા મારા પરિવારજનોને કલ્પના પણ નહોતી કે અંદર એમની કિસ્મત બદલી રહી છે.’
‘તમારા દાદાએ મિલકતમાંથી તમારા પપ્પા કે તમારા ભાઈઓને કંઈ જ ફાળવ્યું નહોતું?’
‘એ વિલ પ્રમાણે એમ.વી. એન્ટરપ્રાઈઝની માલિક હું હતી રાજસ્થાનમાં આવેલી ખાણો પપ્પાને ફાળવાયેલી. એ ખાણો પણ કંઈ ઓછી આમદની ધરાવતી નથી, તેમ છતાં પપ્પાને મેં પાવરદાર તરીકે હટાવ્યા એ એમને ગમ્યું નહોતું.’
‘તમારા પપ્પાએ ક્યારેય તમારા દાદા પાસેથી પોતાનો કોઈ હક માગ્યો નહોતો?’
‘સાચું કહું તો પપ્પાને તો એમ જ હતું કે પોતે મણિરામના એક માત્ર સીધા વારસદાર છે. પપ્પાને કોઈ બહેન પણ નથી. તેમાંય દાદા મને બધું સોંપી જાય એ એમની જ નહીં બધાની કલ્પના બહારની વાત હતી. મને સમજાઈ ગયું કે વીજળી તો હજુ હવે પડવાની હતી. બહાર ખોટાં મહોરાં પહેરી દાદાના શબ પાસે ઉદાસ બેઠેલા મારા ભાઈઓ, એમની ઘરવાળીઓ અને ખાસ તો મારી મમ્મી મીનાક્ષીને જ્યારે ખબર પડશે કે એમના ભાગે કંઈ જ નથી ત્યારે શું થશે તેનો અંદાજ મને આવી ગયો હતો. તે છતાં કોઈ અદીઠ શક્તિ મને હિંમત આપતી હતી. રત્નાકરજીએ જ્યાં જ્યાં કહ્યું ત્યાં મેં ફટાફટ સહીઓ કરવા માંડી.’
‘તે વખતે તમારા પપ્પાએ તમને સમજાવવાનો કોઈ પ્રયત્ન નહોતો કર્યો?’
‘રત્નાકરજીએ મારા પપ્પાને જ્યારે કહ્યું કે મણિરામજી એક વિલ કરી ગયા છે અને વિલ રજિસ્ટર્ડ પણ થયેલ છે. હું એની એક કોપી લઈ આવ્યો છું. વિલ પ્રમાણે એમ.વી. એન્ટરપ્રાઈઝ્ની માલિક કુમારી સોનલ ઝવેરી હોવાથી હવે એ જે નક્કી કરે તે પ્રમાણે તમારો અધિકાર રહેશે. પપ્પાએ એમને મારી ઉંમરને જોતાં એ વિલને જાહેર ન કરવાની સાવ નાખી દેવા જેવી વાત કહી. રત્નાકરજી એક ઈમાનદાર અને કર્તવ્યશીલ માણસ છે. જેટલા એ કાયદાના માહિર છે એટલા જ માણસને ઓળખવામાં પાવરધા છે. કરોડપતિઓના કામ સંભાળવા એટલે તલવારની ઘાર પર ચાલવા બરાબર છે. વળી દાદાએ વિલ બનાવતી વખતે એમની સાથે ચર્ચા કરી જ હશે. રત્નાકરજીએ એવું કરવાની ના પાડી. આખરે મને બોલાવવામાં અવી. પપ્પાને હજુય એવું હતું કે હું એમને પાવરદાર તરીકે ચાલુ રહેવા દઈશ. આજેય મને નવાઈ લાગે છે કે તે દિવસે હું લાગણીમાં તણાઈ કેમ ન ગઈ. પપ્પા માટે આશ્વાસન હતું કે તેમને ભાગે ખાણો આવી હતી. પણ મારા ભાઈઓને ભાગે કંઈ જ આવ્યું નહોતું. તેઓ મારી અને પપ્પાની મહેરબાની પર જીવવાના હતા. અને એ લોકો એવું કોઈ કાળે નહીં સ્વીકારે એની મને ખાત્રી હતી. પપ્પાને જાણે અચાનક ખ્યાલ આવ્યો કે વિલ પ્રમાણે અમે જે મકાનમાં રહેતા હતા તે પણ મારું હતું. એમ.વી. એન્ટરપ્રાઈઝનું રોજનું ટર્નઓવર, એ જ્યાં આવેલી છે તે કોમ્પ્લેક્ષ ઉપરાંત સાંતાક્રુઝમાં આવેલું આઠ દુકાનોવાળું એક કોમ્પલેક્ષ, ઉપરાંત દાદાનું અંગત લોકર. આ બધાની માલિકી રાતોરાત મારી થઈ ગઈ હતી. કદાચ પપ્પા મનોમન દાદાને ગાળો દેતા હશે પણ કંઈ થઈ શકે તેમ નહોતું. રત્નાકરજીએ ઊઠતાં ઊઠતાં કહ્યું, શેઠ તમારા પરિવારના તમામ મેમ્બર્સ સામે મારે હજુ એકવાર આવવાનું થશે. મોટા શેઠ જે વિલ કરી ગયા છે તે બધા સમક્ષ જાહેર કરવાનું થશે. તમે જ્યારે કહેશો ત્યારે આવી જઈશ. બાકી આજથી જ ચેક પર સોનલબહેન સહી કરશે. મેં એમની સહીનો નમૂનો લઈ લીધો છે. તમે મને રજા આપો, હું સીધો સ્મશાન ઘાટે આવું છું.’
રત્નાકરજી ઉઠ્યા ત્યારે મને થયું કે હું એમના ચરણ સ્પર્શ કરીને કહું કે ‘દાદા તમે હવે મને કદીય મેડમ ન કહેતા. મારાથી એમને સ્મિત અપાઈ ગયું. પેલી તરફ હું અને મારા પપ્પા અમારા સોલિસીટર સાથે છીએ એ વાતની ચર્ચા શરૂ થઈ ગઈ હતી.’
(ક્રમશ:)