Thu Nov 19 2026

Logo

શેરબજારમાં આતશબાજી જારી: સેન્સેક્સ ચાર સત્રમાં ૩,૬૭૨ પોઇન્ટ વધ્યો

2026-11-03 20:14:39
Author: Nilesh Waghela
શેરબજારમાં આતશબાજી જારી: સેન્સેક્સ ચાર સત્રમાં ૩,૬૭૨ પોઇન્ટ વધ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઇ:
સેન્સેક્સ અને નિફ્ટી સહિત ભારતીય શેરબજારોએ સતત ચોથા દિવસે પણ પોતાની શાનદાર તેજી જાળવી રાખી છે. આ તેજી પાછળ એલટીસીજી વેરામાં ઘટાડાની આશા, ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો, વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા ફરીથી મૂડીપ્રવાહમાં વધારો અને સ્થાનિક કંપનીઓના બીજા ત્રિમાસિક ગાળાના મજબૂત પરિણામો મુખ્ય કારણો રહ્યા છે.

મંગળવારે પણ બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટીએ સતત ચોથા દિવસે તેજીનો સિલસિલો જાળવી રાખ્યો હતો. ક્રૂડ ઓઈલના ભાવમાં તાજેતરના ઉચ્ચ સ્તરોથી ઘટાડો અને વિદેશી ભંડોળના પુન:પ્રવાહ વચ્ચે, આ બેન્ચમાર્ક લગભગ બે ટકાના વધારા સાથે બંધ થયા હતા.

સેન્સેક્સ ૧,૨૨૫.૦૭ પોઈન્ટ અથવા ૧.૬૨ ટકાના ઉછાળા સાથે દિવસના ઉચ્ચતમ સ્તર ૭૬,૯૧૭.૮૫ પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી ૩૭૦.૦૫ પોઈન્ટ અથવા ૧.૫૮ ટકાના વધારા સાથે દિવસની ઉચ્ચતમ ૨૩,૮૧૦.૮૫ પોઇન્ટની સપાટી પર બંધ થયો હતો. પાછલા ચાર દિવસમાં સેન્સેક્સમાં ૩,૬૭૧.૮૨ પોઈન્ટ અને નિફ્ટીમાં ૧,૧૧૨ પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે.

આ તેજી મુખ્યત્વે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, યુએસ ટ્રેઝરી યીલ્ડમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો તરફથી ફરી જોવા મળેલી ખરીદીને આભારી છે. સોમવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ૩,૧૧૪.૬૮ કરોડ રૂપિયાના શેરની ખરીદી કરી હતી, જેનાથી બજારમાં લિક્વિડિટીમાં મોટો વધારો થયો હતો.

બીજા ત્રિમાસિક ગાળાના મજબૂત પરિણામોએ સ્થાનિક વિકાસના દૃષ્ટિકોણ પ્રત્યે વિશ્ર્વાસને વધુ મજબૂત કર્યો છે, જેમાં ફાઇનાન્શિયલ અને ક્ધઝમ્પશન-ઓરિએન્ટેડ ક્ષેત્રોએ અગ્રણી ભૂમિકા ભજવી હતી. સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી હિન્દુસ્તાન યુનિલિવર, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, એશિયન પેઇન્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને આઈસીઆઈસીઆઈ બેંક મુખ્ય લાભ મેળવનારી કંપનીઓમાં સામેલ હતી. બીજી તરફ, પાવર ગ્રીડ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એનટીપીસી, ટાટા સ્ટીલ અને ટ્રેન્ટના શેરમાં નરમાઈ જોવા મળી હતી. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક ગણાતું બ્રેન્ટ ક્રૂડ ૦.૭૨ ટકા વધીને ૧૦૫.૬ ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચ્યું હતું. એક્સચેન્જના ડેટા અનુસાર, સોમવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ૩,૧૧૪.૬૮ કરોડ રૂપિયાના શેરની ખરીદી કરી હતી.