ખુશ્બુ મુલાણી ઠક્કર
તહેવારોમાં આપણે પેટ ભરીને અને મકમુકીને મીઠાઈઓ ખાતા હોઈએ છીએ. એના કારણે પાછળથી ગિલ્ટ ફીલ પણ થાય છે. જોકે બીજી તરફ આપણે મનમાં એમ પણ વિચારીએ છીએ કે તહેવાર છે તો ‘મીઠા તો બનતા હૈ.’
હોળીના તહેવારને હવે થોડા જ દિવસો છે. રંગોનો આ પર્વ અનેકગણી ખુશીઓ લઈને આવે છે. આ તહેવાર સાથે સ્વાદિષ્ટ મીઠાઈઓ અને ખાસ વાનગીઓ પણ જોડાયેલી છે. હોળીના દિવસે પરિવાર અને મિત્રો સાથે મીઠાઈ વહેંચવાની પરંપરા છે, જે સંબંધોમાં મીઠાશ ભરે છે. પરંતુ વધારે મીઠાઈ અને તળેલી વસ્તુઓ ખાવાથી સ્વાસ્થ્ય પર માઠી અસર પડી શકે છે, તેથી સંતુલન રાખવું ખૂબ જરૂરી છે.
હોળીના તહેવારમાં સૌથી વધુ લોકપ્રિય મીઠાઈ ગુજિયા છે. મેંદાના પાતળા કવરમાં માવો, નાળિયેર અને ડ્રાયફ્રૂટ ભરેલા ગુજિયા ખાસ હોળી માટે બનાવવામાં આવે છે. માલપુઆ પણ હોળીનું વિશેષ મીઠું વ્યંજન છે, જેને ઘીમાં તળીને અને ખાંડની ચાસણીમાં ડૂબાડીને પીરસાય છે. ઠંડાઈ હોળીનું પરંપરાગત પીણું છે, જેમાં દૂધ, બદામ, પિસ્તા, ખસખસ અને વરિયાળી મિક્સ કરીને પીવામાં આવે છે. ઉત્તર ભારતમાં દહીં વડા, કચોરી અને મઠરી જેવી નમકીન વાનગીઓ પણ ખૂબ લોકપ્રિય છે. ગુજરાતમાં શ્રીખંડ, પૂરણ પોળી અને લાડુ પણ હોળીના તહેવારમાં ખાસ બનાવવામાં આવે છે.
હોળી પછી કેવી રીતે ફરી ડાયટ પર આવવું?
હોળીના દિવસોમાં ખાવા-પીવાનું પ્રમાણ વધવું સ્વાભાવિક છે, પરંતુ તહેવાર બાદ શરીરને ફરી સંતુલિત કરવું મહત્ત્વપૂર્ણ છે. સૌપ્રથમ, તો તહેવાર પતી ગયા પછી બીજા દિવસથી પાણીનું સેવન વધારવું જોઈએ. ગરમ પાણી અથવા લેમન વોટર પીવાથી શરીરમાંથી ઝેરી તત્ત્વો બહાર નીકળે છે.
ખાસ કરીને હલકું અને ઘરેલુ ભોજન લેવું શ્રેષ્ઠ છે. બાફેલા શાકભાજી, દાળ, રોટલી, ખીચડી અને સલાડ શરીરને આરામ આપે છે. તળેલા અને વધુ ખાંડવાળા ખોરાક થોડા દિવસ માટે ટાળવા જોઈએ.
વ્યાયામ કરવું અને વૉક પર જવું એ સ્વાસ્થ્ય પાછો મેળવવાનો સરળ રસ્તો છે. દરરોજ 30-40 મિનિટ ચાલવું જોઈએ અથવા તો યોગ-પ્રાણાયામ કરવા જેથી પાચન તંત્ર મજબૂત બને છે. સાથે જ, મોડું જાગવું અને મોડું ખાવાનું ટાળવું જોઈએ.જો બની શકે તો સૂર્યાસ્ત પહેલા જમી લેવું. રાતે ભૂખ લાગે તો સલાડ, સૂપ, ફ્રૂટ કે દૂધ પી લેવું. હોળી એ તહેવાર છે, ઉપવાસ નહીં.મીઠાઈઓનો આનંદ લો, પરંતુ મર્યાદામાં રહીને. તહેવાર બાદ ફરી સ્વસ્થ જીવનશૈલી અપનાવવી એ જ સાચી સમજદારી છે. રંગોની જેમ જીવનમાં સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેનું સંતુલન જાળવો અને હોળીનો આનંદ સંપૂર્ણ રીતે માણો.