Tue Sep 08 2026

Logo

T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ નિહાળવા પહોંચ્યા ગૃહમંત્રી અમિત શાહ, ટીમનો જુસ્સો વધાર્યો

2026-03-08 21:43:45
Author: Chandrakant Kanoja
T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ નિહાળવા પહોંચ્યા ગૃહમંત્રી અમિત શાહ, ટીમનો જુસ્સો વધાર્યો

અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ICC T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાઈ રહી છે. ત્યારે  ટીમ ઈન્ડિયાનું મનોબળ વધારવા માટે ગૃહમંત્રી અમિત શાહ પણ સ્ટેડિયમ પહોંચ્યા છે. તેમણે  ટીમ ઈન્ડિયાનો જુસ્સો વધાર્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અમિત શાહ સાથે મેચ જોવા માટે પહોંચ્યા હતા.

ગૃહમંત્રીએ પ્રોત્સાહન આપ્યું

આ ઉપરાંત અમિત  શાહના પુત્ર અને ICC ચેરમેન જય શાહ પણ VIP ગેલેરીમાં હાજર હતા. ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ સામે શાનદાર બેટિંગ કરી. ગૃહમંત્રીએ હાથ હલાવીને અને તાળીઓ પાડીને ટીમનું સ્વાગત કર્યું. અમિત શાહના પરિવારના અન્ય સભ્યો પણ સ્ટેડિયમમાં મેચ જોવા માટે હાજર રહ્યા હતા.

કિવીઓને 256 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો

ઉલ્લેખનીય છે કે, ન્યૂઝીલૅન્ડ સામે 10મા ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે (India) પ્રથમ બૅટિંગ કરવા મળી ત્યાર બાદ 20 ઓવરમાં પાંચ વિકેટે 255 રન કરીને કિવીઓને 256 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો છે. આ ટૂર્નામેન્ટમાં 256 રનનો હાઇએસ્ટ ટીમ-સ્કોર (જે ભારતનો જ હતો) એ તો ન તૂટી શક્યો, પરંતુ અભિષેક શર્મા, સંજુ સૅમસન, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા અને છેલ્લે શિવમ દુબેએ ચોગ્ગા-છગ્ગાનો વરસાદ વરસાવીને મહાનુભાવો સહિત સવા લાખ જેટલા પ્રેક્ષકોને મોજ કરાવી દીધી હતી. ટી-20 વર્લ્ડ કપની ફાઇનલ (final)ના ઇતિહાસમાં ભારતના 5/255 હવે તમામ દેશોમાં હાઈએસ્ટ ટીમ સ્કોર છે.

ઓપનિંગ પાર્ટનરશિપ કરીને સંભવિત જીતનો પાયો નાખી આપ્યો

અભિષેક શર્મા (બાવન રન, 21 બૉલ, ત્રણ સિક્સર, છ ફોર) અને સંજુ સૅમસન (89 રન, 46 બૉલ, આઠ સિક્સર, પાંચ ફોર)ની જોડીએ 7.1 ઓવરમાં 98 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરીને સંભવિત જીતનો પાયો નાખી આપ્યો હતો. સૅમસન સતત ત્રીજી મૅચમાં સેન્ચુરી ચૂકી ગયો, પણ આ ટૂર્નામેન્ટમાં તેની છેલ્લી ત્રણેય ઇનિંગ્સ (97 અણનમ, 89 રન અને 89 રન) વર્ષો સુધી યાદ રખાશે. તેણે આ ફોર્મેટના વર્લ્ડ કપની ફાઇનલમાં 89 રનનો નવો વિશ્વ વિક્રમ પણ રચ્યો હતો.