Mon Aug 17 2026

Logo

પૂર અને ભૂસ્ખનના કારણે અનેક લોકોના મોત, 300થી વધુ રસ્તા ઠપ્પ; 18 ઓગસ્ટ સુધી ભારે વરસાદની ચેતવણી

2026-08-13 09:26:00
Author: Vimal Prajapati
Article Image

AI Image


નવી દિલ્હીઃ દેશના અનેક રાજ્યોમાં સતત વરસી રહેલા વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. મુંબઈથી લઈને હિમાચલ પ્રદેશ અને ઓડિશાથી લઈને જમ્મુ-કાશ્મીર સુધી કુદરતી હોનારતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ક્યાંક ભૂસ્ખલનના કારણે માર્ગો ધોવાઈ ગયા છે, તો ક્યાંક મુખ્ય રસ્તાઓ બંધ થતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. હવામાન વિભાગે આગામી 18 ઓગસ્ટ સુધી ભારે વરસાદની ચેતવણી આપતાં વહીવટીતંત્ર સતર્ક બન્યું છે.  

મુંબઈના ઘાટકોપરમાં ભૂસ્ખલન થતા 7 ના મોત  

મુંબઈના ઘાટકોપરમાં આવેલી અશોક નગર સ્થિત ગૌસિયા ચાલમાં બુધવારે વહેલી સવારે પોણા ચાર વાગ્યે અચાનક ટેકરીનો મોટો ભાગ ધસી પડ્યો હતો. ભારે વરસાદને કારણે કાદવ-કાંપ અને પહાડનો મલબો નીચે આવેલા ત્રણ મકાનો પર ખાબક્યો હતો. આમાં ત્રણ માસૂમ બાળકો સહિત કુલ 6 લોકોનું ઘટનાસ્થળ પર મોત થઈ ગયું હતું, જ્યારે સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિનું મોત થતાં મૃત્યુઆંક 7 થયો છે. ઘટનામાં અન્ય 7 લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતી. 

હિમાચલમાં 313 રસ્તાઓ બંધ, 911 કરોડનું નુકસાન

ઉત્તર ભારતના પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં સતત પડી રહેલા વરસાદે સ્થિતિ અત્યંત ગંભીર બનાવી દીધી છે. હિમાચલ પ્રદેશમાં રાજ્યમાં ભૂસ્ખલનને કારણે 313 રસ્તાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. જેમાં સૌથી વધુ મંડી જિલ્લામાં 117 રસ્તા, ચંબામાં 74, કુલ્લુમાં 60, શિમલામાં 36 અને સિરમૌરમાં 13 રસ્તાઓ અવરોધાયા છે.

વધારે વિગતે વાત કરવામાં આવે તો, વરસાદના કારણે 65 પેયજળ યોજનાઓ અને 112 વીજ ટ્રાન્સફોર્મર ઠપ્પ થઈ જતાં અનેક ગામડાઓ અંધારપટમાં ડૂબી ગયા છે. સરકારી આંકડા પ્રમાણે 30 જૂનથી અત્યાર સુધીમાં હવામાન સંબંધિત હોનારતમાં 75 લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે, જ્યારે રૂપિયા 911 કરોડથી વધુની સંપત્તિનું નુકસાન થયું હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. 

ઓડિશાના કયા જિલ્લાઓ સૌથી વધુ ચેતવણી હેઠળ છે?

બંગાળની ખાડી પર ઓછા દબાણવાળા ક્ષેત્રને કારણે ઓડિશામાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ગુરુવારે સવારે બાલાસોર અને ભદ્રક માટે ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સાથે જાજપુર, કેન્દ્રપાડા, જગતસિંહપુર, કટક, અંગુલ, કેઓંઝર, મયુરભંજ અને ધેંકનાલમાં ખૂબ જ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જમ્મુ અને કાશ્મીર અને ઉત્તરાખંડમાં શું પરિસ્થિતિ છે?

ભારે વરસાદને કારણે જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ, કઠુઆ અને પુલવામા જિલ્લામાં પૂર, ભૂસ્ખલન અને પાણી ભરાઈ ગયા છે. કિશ્તવાડમાં રસ્તાનો એક ભાગ ધોવાઈ જવાથી ગુલાબગઢ-માચૈલ માર્ગ પ્રભાવિત થયો છે. કઠુઆમાં, બાની-બાસોહલી રોડ પર ટિકરી બેન્ડ ભૂસ્ખલનને કારણે બંધ થઈ ગયો હતો. પુલવામાના અવંતીપોરા વિસ્તારમાં પાણી ભરાઈ જવાને કારણે શ્રીનગર-અનંતનાગ રૂટ પર ટ્રાફિક બંધ કરવો પડ્યો હતો. ઉત્તરાખંડમાં, વરસાદ અને ભૂસ્ખલનને કારણે 7 ઓગસ્ટથી મદમહેશ્વર યાત્રા અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે.

આગામી તારીખ 18 ઓગસ્ટ સુધી યલો એલર્ટ

હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ સહિતના પહાડી વિસ્તારોમાં 17 ઓગસ્ટ સુધી ભારે વરસાદ અને 18 ઓગસ્ટ સુધી યલો એલર્ટ જારી રાખ્યું છે. પહાડી વિસ્તારોમાં વધુ લેન્ડસ્લાઇડ અને નદી-નાળાઓમાં પૂર આવવાની શક્યતા હોવાથી સ્થાનિક નિવાસીઓ અને પ્રવાસીઓને બિનજરૂરી મુસાફરી ન કરવા તથા હવામાનની અપડેટ પર સતત નજર રાખવા અપીલ કરવામાં આવી છે.