Fri Apr 17 2026

Logo

ખુશ રહેવું છે કે દુ:ખી થવું છે?

2026-04-12 10:06:00
Author: Ashu Patel
Article Image

સુખનો પાસવર્ડ - આશુ પટેલ

વાચકમાંથી પરિચિત બનેલા એક વડીલને દરેક વાતે રોદણાં રડવાની ટેવ છે. તેઓ હંમેશાં ભાર હેઠળ જીવે છે. તેમનો ચહેરો હંમેશાં ગંભીર હોય અને આખી દુનિયાનાં દુ:ખો તેમના પર જ આવી પડ્યા હોય એ રીતે તે  જીવે છે. તે કહેતા રહે છે કે ‘મને જીવનમાં ક્યારેય સુખ મળ્યું જ નથી.’ તેમની સાથે જ્યારે પણ ફોન પર વાત થાય અથવા તો તેમને મળવાનું થાય એ વખતે તે પોતાના કુટુંબથી માંડીને પાડોશીઓ,પરિચિતો,સગાંવહાલાંઓથી માંડીને જિંદગી સામે કોઈક ને કોઈક ફરિયાદ કરતાં જ હોય છે. તેમને પત્ની પ્રત્યે પણ ફરિયાદ છે, સંતાનો પ્રત્યે પણ ફરિયાદ છે. ટૂંકમાં તેમની આજુબાજુમાં જે પણ વ્યક્તિ હોય તે બધા સામે તેમને ફરિયાદ છે. તેમણે એક વખત મને ખૂબ લાંબા મેસજીસ મોકલાવ્યા. એ મેસેજીસ એટલા લાંબા હતા કે હું તરત વાંચી ન શક્યો અને મેં બે દિવસ પછી એનો જવાબ આપ્યો તો તેમણે મારી સામે પણ ફરિયાદ કરી કે ‘તમે એટલા વ્યસ્ત છો કે બબ્બે દિવસ સુધી તમે મારા મેસેજનો જવાબ પણ ન આપી શકો?’

દરેક વાતે અને દરેક વ્યક્તિ વિરુદ્ધ કંઈક ને કંઈક ફરિયાદ તેમને હોય છે પરિણામે લોકો તેમનાથી દૂર રહેવાનું પસંદ કરે છે. આ વાત તેમને સમજાતી નથી અને જાણે તેમના સુખની જવાબદારી બીજા લોકોની હોય એ રીતે વર્તતા રહે છે.

થોડા દિવસ અગાઉ અમારે એક જગ્યાએ અનાયાસે મળવાનું થયું ત્યારે તેમણે કહ્યું, ‘હું સમજણો થયો ત્યારથી ઉદાસ જ રહું છું. મને ખુશ થવા માટેનું કોઈ કારણ મળ્યું નથી. મને કોઈએ ખુશ કરવાની કોશિશ કરી નથી. ઊલટું, મારી આજુબાજુની વ્યક્તિઓ મને દુ:ખ જ આપતી રહી છે. કોઈને મારી કશી પડી જ નથી...’

રાબેતા મુજબ ફરી પાછી તેમની એ જ બધી ફરિયાદો શરૂ થઈ ગઈ એટલે મેં તેમને ઓશોની મને બહુ ગમતી એક બોધકથા કહી:

એક સૂફી સંત આખી જિંદગી ખુશ રહીને જીવ્યા હતા. કોઈએ પણ તેમને ક્યારેય ઉદાસ કે નારાજ ચહેરા સાથે જોયા જ નહોતા.તે હંમેશાં હસતા રહેતા. તેમની ઉંમર થઈ અને જ્યારે મૃત્ય ુનિકટ આવી ગયું ત્યારે પણ તે હસતા જ હતા. મરણપથારીએ પડ્યા હતાં ત્યારે પણ  ચહેરા પર સ્મિત હતું. એ જોઈને તેમના એક શિષ્યએ તેમને પૂછ્યું, ‘તમે મૃત્યુ પામી રહ્યા છો ત્યારે પણ તમને હસવું આવે છે?તમે અમને છોડીને જશો એ વિચારથી અમે આટલા ઉદાસ છીએ અને તમે હસી રહ્યા છો? તમે મૃત્યુ પામી રહ્યા છો એ કંઈ આનંદની વાત થોડી છે?’

સંત હસ્યા. તેમણે કહ્યું, ‘હું મૃત્યુને માણી રહ્યો છું.’

શિષ્યોને આશ્ર્ચર્ય થયું. તેમણે પૂછયું : ‘મૃત્યુને કોઈ કઈ રીતે માણી શકે? તમે તમારા જીવન દરમિયાન ક્યારેય ઉદાસ થયા નથી,પરંતુ અત્યારે ય ખુશ છો?’હવે મૃત્યુ નિશ્ર્ચિત જ છે એ ખબર પડે ત્યારે તો કોઈ પણ માણસ ઉદાસ થઈ જાય, પણ તમે છેલ્લી ઘડીઓમાં પણ કઈ રીતે હસી શકો છો?’

સંતે કહ્યું,‘એમાં કંઈ બહુ મોટી વાત નથી.મેં પણ મારી યુવાનીમાં મારા ગુરુને આ સવાલ કર્યો હતો. હું તરુણાવસ્થામાં હતો એ વખતે હું બહુ દુ:ખી હતો ત્યારે મારા ગુરુ પાસે ગયેલો.એ વખતે મારા ગુરુ વયોવૃદ્ધ થઈ ચૂક્યા હતા. હું તેમણે મળવા ગયો ત્યારે તેઓ કશા પણ કારણ વિના એક વૃક્ષ નીચે બેસીને હસી રહ્યા હતા.તેમની આજુબાજુ કોઈ જ નહોતું, કશું એવું બન્યું પણ નહોતું કે તેમને હસવું આવે છતાં તે ખડખડાટ હસી રહ્યા હતા. મેં તેમને પૂછ્યું હતું કે ‘આ તમને શું થઈ ગયું છે?તમે પાગલ થઈ ગયા છો કે શું?’એ વખતે તેમણે જવાબ આપ્યો હતો: ‘એક દિવસ હું પણ તારી જેમ ઉદાસ હતો અને પછી મને સમજાયું કે ઉદાસ રહેવું એ ખુશ રહેવું એ મારી પોતાની પસંદગી છે.એ દિવસથી, રોજ સવારે હું જ્યારે ઊઠું ત્યારે આંખો ખોલતા પહેલા હું મારી જાતને પૂછું છું કે ‘તું શું ઈચ્છે છે... સુખ કે દુ:ખ? તારે દુ:ખી જીવન જોઈએ છે કે આનંદમય જીવન? તું આજે શું પસંદ કરવાનો છે?ઉદાસી કે આનંદ? બસ, એ દિવસથી હું હંમેશાં આનંદ જ પસંદ કરું છું. આ પસંદગી છે.અજમાવી જોજે.જ્યારે ઊંઘ ઊડી જાય એ વખતે પોતાની જાતને પૂછવાનું કે ‘ફરી એક વાર સવાર પડી. હવે તારો શું વિચાર છે?તારે આજે દુ:ખ પસંદ કરવું છે કે આનંદ?’

એ પછી સૂફી સંતે શિષ્યોને કહ્યું, ‘કોઈ માણસ દુ:ખ શા માટે પસંદ કરે? કોઈ દુ:ખ પસંદ કરે એ ખૂબ અસ્વાભાવિક છે. હા, કેટલાક એવા માણસ હોય છે જેમને દુ:ખમાં જ આનંદનો અનુભવ થતો હોય,પણ એવા માણસો ય પસંદ તો આનંદને જ કરે છે, દુ:ખને નહીં. કારણ કે તેમને દુ:ખી થવું ગમતું નથી,પણ દુ:ખમાંથી આનંદ પામતા હોય છે!’

જે માણસો હંમેશાં ભાર હેઠળ જીવતા હોય તેમણે ઓશોની આ વાત યાદ રાખવી જોઈએ અને નિત્ય પ્રાત:કાળે આ વાર્તાનું સાત વખત પઠન કરવું જોઈએ અને આવી બીજી વાતો પણ યાદ રાખવી જોઈએ.

ઓશો કહી ગયા છે એમ કોઈ દુ:ખ પસંદ કરતું નથી, પણ કેટલાક માણસોને દુ:ખમાં જ આનંદનો અનુભવ થતો હોય છે? પરંતુ એ સ્થિતિમાં ય તે પસંદ તો આનંદને જ કરે છે! કેટલાક માણસો દુ:ખમાં ય આનંદની અનુભૂતિ કરતા હોય છે, પણ તેમની પસંદગી તો આનંદની જ હોય છે, દુ:ખની નહીં. કારણ કે કોઈને અંદરથી દુ:ખી થવું ગમતું નથી.

ટૂંકમાં, આપણે ખુશ રહેવું છે કે દુ:ખી રહેવું છે એ આપણા હાથની વાત છે. આ દુનિયામાં બધા માણસોને કોઈ ને કોઈ તકલીફ હોય જ છે, પરંતુ ઘણા લોકો તકલીફો વચ્ચેય હસી શકતા હોય છે અને ઘણા લોકો તમામ ભૌતિક સુખો વચ્ચે પણ ઊતરેલા ચહેરે ફરતા હોય છે. તે ઘુવડ જેવા ગંભીર ચહેરા સાથે આખી જિંદગી વિતાવી દેતા હોય છે. તેમના હસવામાં પણ જોર પડતું હોય છે.

આપણે ખુશ રહેવું છે કે દુ:ખી રહેવું છે એ નક્કી કરીને જીવવું જોઈએ.