તહેરાનઃ ઈરાની સેનાએ જણાવ્યું છે કે હોર્મુઝ ખાડી પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે. આ તેલ અને ગેસના પુરવઠા માટે એક મહત્વપૂર્ણ શિપિંગ માર્ગ છે. ઈરાની સેનાએ ચેતવણી આપી છે કે આ જળમાર્ગ પરથી પસાર થવાનો પ્રયાસ કરનાર કોઈપણ જહાજને મિસાઇલ અથવા ડ્રોન વડે નિશાન બનાવવામાં આવશે.
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે જણાવ્યું હતું કે અમેરિકન નૌકાદળ ખાડીના આ મહત્વપૂર્ણ શિપિંગ માર્ગ પરથી ઓયલના ટેન્કરોને સુરક્ષિત રીતે એસ્કોર્ટ કરવા સંપૂર્ણ રીતે તૈયાર છે. કેટલાક લોકોનું માનવું છે કે આ અમેરિકાનું જિયોપોલિટિકલ વ્યૂહરચનાનું પ્રથમ કદમ હોઈ શકે છે. ઓયલની વધારે કિંમતને લઈ વારંવાર ટીકા કરનારા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈન્શ્યોરન્સ સંકટ પર મોટાભાગે ચુપ રહ્યા છે. હાલ ગ્લોબલ ટ્રેડમાં અવરોધ ઉભો થયો છે અને ક્રૂડના ભાવ વધી રહ્યા છે તેવા સંજોગોમાં ટ્ર્મ્પનું મૌન ઘણું કહી જાય છે.
સૂત્રોએ કહ્યું કે, કેટલીક ઈન્શ્યોરન્સ કંપનીઓએ વિશ્વમાં સૌથી જરૂરી ઓયલ ચેકપોસ્ટ પરથી પસાર થનારા જહાજો માટે વોર રિસ્ક કવર અચાનક પરત લઈ લીધું છે. ક્રૂડ ઓઈલ, રિફાઈન્ડ પ્રોડક્ટ્સ, એલએનજી, નેચરલ ગેસ લિક્વિડ્સ, ફર્ટિલાઈઝર્સ અને અન્ય પેટ્રોલિયમ ડેરિવેટિવ્સ સહિત અનેક એનર્જી અને કોમોડિટી માર્કેટ્સમાં નવા ક્ષેત્રમાં જઈ રહ્યા છીએ. આ સંકટનું કારણ ટેન્કરો પર ઈરાનનો સીધો હુમલો નહોતો, પરંતુ એક એવો નાણાકીય ઝટકો હતો જેણે રાતોરાત શિપિંગ પ્રવૃત્તિઓ અટકાવી દીધી હતી. આવું પહેલા ક્યારેય બન્યું નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મોટી યુરોપિયન અને વૈશ્વિક વીમા કંપનીઓએ અચાનક હોર્મુઝ ખાડીમાં જહાજો માટે વોર રિસ્ક કવરેજ રદ કરી દીધું અથવા પ્રીમિયમ એટલું વધારી દીધું કે જહાજ માલિકોએ જહાજો ચલાવવાનું જ બંધ કરી દીધું. તેમણે કહ્યું, કોઈએ પણ આની અપેક્ષા રાખી નહોતી. જોકે તાજેતરના દાયકાઓમાં દુનિયાએ શિપિંગમાં અવરોધો જોયા છે, પરંતુ આવું પહેલા ક્યારેય બન્યું નથી.
હોર્મુઝ ખાડી વૈશ્વિક એનર્જી ટ્રેડ માટે સૌથી મહત્વપૂર્ણ માર્ગોમાંથી એક છે. વિશ્વના ઓઈલ પુરવઠાનો લગભગ 15 થી 20 ટકા અને વિશ્વભરમાં એલએનજી શિપમેન્ટનો લગભગ 20 ટકા હિસ્સો, પર્સિયન ગલ્ફને વૈશ્વિક બજાર સાથે જોડતા આ સાંકડા જળમાર્ગ પરથી પસાર થાય છે.
અમેરિકાના EIA અનુસાર, 2024 માં આ માર્ગ પરથી દરરોજ લગભગ 20 મિલિયન બેરલ ક્રુડ ઓઈલ પસાર થયું હતું, જે વૈશ્વિક વપરાશના લગભગ 20 ટકા છે. આ જળમાર્ગ ઘણો સાંકડો (આશરે 50 કિમી પહોળો) અને છીછરો (મહત્તમ 60 મીટર ઊંડો) છે.
આ માર્ગ પર સુરક્ષાને લઈને જરા પણ શંકા ઊભી થતા જ જહાજોના વીમા પ્રીમિયમમાં મોટો ઉછાળો આવી શકે છે. સૂત્રો અનુસાર, માત્ર સાઉદી અરેબિયા અને UAE પાસે જ વૈકલ્પિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે, જેની મહત્તમ ક્ષમતા માત્ર 2.6 મિલિયન બેરલ પ્રતિ દિવસ છે. પશ્ચિમી દેશો કેનેડા, અમેરિકામાં જ્યાં ઓઈલ કાઢવાનો ખર્ચ બેરલ દીઠ 40 થી 60 ડોલર આવે છે, ત્યાં ઈરાન માટે આ ખર્ચ માત્ર 10 ડોલર પ્રતિ બેરલ છે.