Wed Jun 10 2026

Logo

ગુજરાતમાં વરસાદ માટે જોવી પડશે રાહ, 17 રાજ્યોમાં ભારે વરસાદ-આંધીનું એલર્ટ

2026-06-10 08:26:48
Author: Mayur Patel
Article Image

અમદાવાદ/નવી દિલ્હીઃ દેશના અનેક રાજ્યોમાં પડી રહેલી ભીષણ ગરમી વચ્ચે ચોમાસું અન્ય રાજ્યોમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. આ દરમિયાન હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયાની જાણકારી આપી છે. યુપી-દિલ્લી, કેરળ, તમિલનાડુ, પંજાબ, ઉત્તરાખંડ સહિત દેશના 17 રાજ્યોમાં આંધી વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં વરસાદ માટે હજુ રાહ જોવી પડશે.

ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાનું આગમન

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 36 થી 48 કલાકમાં મુંબઈમાં વરસાદનું સત્તાવાર આગમન થઈ શકે છે. ગુજરાતમાં વરસાદ માટે હજુ એક સપ્તાહ રાહ જોવી પડશે. ગુજરાતમાં  14-15 તારીખે છૂટા છવાયા ઝાપટાં પડી શકે છે. 20 તારીખ આસપાસ રાજ્યમાં ચોમાસું સત્તાવાર રીતે બેસશે તેવી આગાહી કરવામાં આવી છે.

10થી 12 જૂન સુધી નવસારી, તાપી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે.  13 જૂને સુરત, નર્મદા, છોટા ઉદેપુર, નવસારી, તાપી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદ પડી શકે છે. 14 અને 15 જૂને ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરત, નર્મદા, છોટા ઉદેપુર, નવસારી, તાપી, વલસાડ અને ડાંગ, દમણ અને દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી છે.

સૌરાષ્ટ્ર પંથકમાં આગામી ત્રણ દિવસ સુધી હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે. જોકે, ત્યારબાદ એટલે કે 12મીથી 15મી જૂન દરમિયાન અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે, જેને પગલે સ્થાનિક લોકોને ગરમીથી થોડી રાહત મળશે. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત 15મી જૂનની આસપાસ થતી હોય છે, પરંતુ હવામાન વિભાગના અંદાજ પ્રમાણે આ વખતે ગુજરાતમાં ચોમાસું 20 તારીખ પછી આવી શકે છે.

દેશના અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન

હવામાન વિભાગ અનુસાર ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે, બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થું છે. જેના કારણે ઉત્તર-પશ્ચિમ ભારતમાં 11 - 12 જૂને ગાજવીજ સાથે આંધી વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે દિલ્લી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં આંધી-તોફાનની સંભાવના વ્યક્ત કરી છે. દેશના 17 રાજ્યોમાં આંધી વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.  આગામી 3 થી 4 દિવસમાં ચોમાસું મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, ઓડિશા, ઝાખંડ, બિહાર અને છત્તીસગઢના કેટલાક વિસ્તારમાં આગળ વધી શકે છે. 

આગામી 5 થી 7 દિવસમાં કેરળ, કર્ણાટક, તમિલનાડુ, પૂર્વોત્તર ભારત અને પશ્ચિમ બંગાળમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. પૂર્વોત્તર રાજ્યોમાં 15 જૂન સુધી વરસાદ શરૂ રહી શકે છે. અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ અનેક સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

રાજસ્થાનમાં આજે અનેક વિસ્તારમાં લૂ નો પ્રકોપ જોવા મળી શકે છે, જ્યારે 11 થી 15 જૂન સુધી આંધી સાથે વરસાદ પડી શકે છે. ઉત્તર પ્રદેશમાં 10 થી 15 જૂન સુધી અનેક વિસ્તારમાં ગાજ-વીજ સાથે આંધીનું એલર્ટ છે. જ્યારે પ્રયાગરાજ, ઝાંસીમાં  લૂ નું એલર્ટ આપવામાં આવ્યું છે.