Wed Aug 26 2026

Logo

ગુજરાતના ભાવનગર થી મુંબઈ વચ્ચે 29 માર્ચથી દૈનિક બે ફ્લાઈટ સેવા ફરી શરૂ થશે

2026-02-24 19:14:00
Author: Chandrakant Kanoja
ગુજરાતના ભાવનગર થી મુંબઈ વચ્ચે 29 માર્ચથી દૈનિક બે ફ્લાઈટ સેવા ફરી શરૂ થશે

ભાવનગર : ગુજરાતના ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ભાવનગરથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. જોકે,  હવે ભાવનગર થી મુંબઈ વચ્ચે 29 માર્ચથી દૈનિક બે ફ્લાઈટ  સેવા ફરી શરૂ કરવામાં આવશે. આ અંગે  કેન્દ્રીય મંત્રી નિમુબેન  બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીને રજૂઆત કરી હતી.

25 મી ફેબ્રુઆરીથી બુકીંગ શરૂ થશે

આ ફલાઇટનું બુધવારે  તા.25 મી ફેબ્રુઆરીથી બુકીંગ શરૂ થશે જેનો નાગરિકોને લાભ લેવા મંત્રીએ અપીલ કરી છે.ભાવનગર શહેરમાં ઉડાન યોજનાનો સમયગાળો પૂર્ણ થતાં બંધ થયેલી હવાઈ સેવાઓ ફરી શરૂ થવા જઈ રહી છે. જે અંતર્ગત ભાવનગરને મુંબઈ સાથેની સીધી એર કનેક્ટિવિટી પુનઃ પ્રાપ્ત થશે. ભાવનગરને સુચારું હવાઈ સુવિધા મળે તે માટે ભાવનગરના સાંસદ સઘન પ્રયાસો કર્યા હતા. 

ભાવનગરથી નવી મુંબઈ સવારે 8.35 વાગે અને સાંજે 20.50 વાગે ફ્લાઈટ  ઉપડશે

કેન્દ્ર સરકારના  દિશા-નિર્દેશોને પગલે ઇન્ડિગો એર લાઇન્સ દ્વારા 29  માર્ચ 2026 થી ભાવનગર અને નવી મુંબઈ વચ્ચે દૈનિક બે ફ્લાઇટ (ATR વિમાન) શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના માટે  25 ફેબ્રુઆરીથી ટિકિટનું બુકિંગ શરૂ કરવામાં આવશે. ભાવનગરથી નવી મુંબઈ સવારે 8.35 વાગે અને સાંજે 20.50 વાગે ઉપડશે. આ સેવા શરૂ થવાથી ભાવનગરના વ્યાપાર-ઉદ્યોગને નવો વેગ મળશે અને મુંબઈ મારફતે દેશના અન્ય શહેરો સાથેનું જોડાણ પણ સરળ બનશે.