Tue Sep 22 2026

Logo

ગુજરાતમાંથી ક્યારે ચોમાસું વિદાય લેશે ? જાણો હવામાન ખાતાએ શું કહ્યું

2026-09-17 08:17:00
Author: Mayur Patel
ગુજરાતમાંથી ક્યારે ચોમાસું વિદાય લેશે ? જાણો હવામાન ખાતાએ શું કહ્યું

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં એક પણ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો નથી. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે, ચોમાસાની વિદાય માટે વાતાવરણ અને પરિસ્થિતિ બંને સાનુકૂળ બની રહ્યા છે. સામાન્ય રીતે દેશમાં ચોમાસની વિદાયની શરૂઆત પશ્ચિમ રાજસ્થાનથી થાય છે. 19મી સપ્ટેમ્બરથી પશ્ચિમ રાજસ્થાનથી ચોમાસું વિડ્રોલ થવાની પ્રોસેસ શરૂ થશે. ત્યારબાદ તબક્કાવાર અન્ય રાજ્યોમાંથી ચોમાસું વિદાય લે છે. 

હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે, આગામી ચાર-પાંચ દિવસમાં વિદાયની પ્રક્રિયા શરૂ થવા છતાં ગુજરાતમાંથી ચોમાસાની સંપૂર્ણ વિદાય થવામાં હજુ થોડો સમય લાગશે. 20 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. ચોમાસાની વિજાયની પ્રક્રિયા શરૂ થવા છતાં વર્તમાન વરસાદી સિસ્ટમને કારણે આગામી દિવસોમાં ભારે વરસાદી ઝાપટાં પડતાં રહેશે.

રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ આજે સવારે 6 કલાકે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 61 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જોકે એકપણ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. પોરબંદરના રાણાવાવમાં સૌથી વધુ 0.63 ઇંચ, પોરંબદરમાં 0.51 ઇંચ, કવાંટમાં 0.51 ઇંચ, કેશોદમાં 0.39 ઇંચ, વાઘોડિયામાં 0.35 ઇંચ, પાટણ-વેરાવળમાં 0.35 ઇંચ વરસાદ પડ્યો હતો.

અંબાલાલ પટેલે શું કરી છે આગાહી

રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની અનુસાર, 17થી 19 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં હવામાન પલટો આવશે. આ સમયગાળામાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની સંભાવના વધુ છે. 18 અને 19 સપ્ટેમ્બર દરમિયાન અનરાધાર વરસાદ થવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે. આ વરસાદ ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટોછવાયો અને અનરાધાર સ્વરૂપે જોવા મળી શકે છે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 21થી 26 સપ્ટેમ્બર દરમિયાન પણ ગુજરાતના હવામાનમાં ફરી ફેરફાર થઈ શકે છે. આ સમયગાળો પણ વરસાદી માહોલ લઇને આવી શકે છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે છે કારણ કે પાકને નુકસાન થવાનો ભય રહે છે.