અમદાવાદઃ ગુજરાતમાં આજથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. આ દરમિયાન રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે. જે મુજબ 4 ઓગસ્ટ સુધીમાં આખું ગુજરાત જળબંબાકાર થશે. રાજ્યના 95 ટકા વિસ્તારમાં મેઘમહેર થશે.
પરેશ ગોસ્વામીએ શું કરી આગાહી
રાજ્યમાં વહેલી સવારથી શરૂ થયેલા વરસાદના કારણે વડોદરા સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ સ્થિતિ વચ્ચે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનું પ્રમાણ કેવું રહેશે અને નવી સક્રિય થયેલી સિસ્ટમની શું અસર થશે તે અંગે જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી સાથે મુંબઈ સમાચારે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, બંગાળની ખાડીમાં સક્રિય થયેલી આ સિસ્ટમનો સેન્ટ્રલ પાર્ટ મહારાષ્ટ્રના જળગાંવ અને મધ્ય પ્રદેશના ઇન્દોર વચ્ચે સ્થિત છે. તેના આઉટર ક્લાઉડ્સ (વાદળો) મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશની સરહદ સુધી પહોંચી ગયા છે.
અમદાવાદમાં ક્યારે પડશે વરસાદ?
પરેશ ગોસ્વામીએ કહ્યું, અમદાવાદમાં સવારે તડકો જોવા મળ્યો હોવા છતાં, આ સિસ્ટમ ધીમે ધીમે પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે. જેથી મોડી રાત અથવા સાંજ સુધીમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે. 31 જુલાઈથી 4 ઓગસ્ટ સુધી ગુજરાતના આશરે 95% વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાશે.
સુરતમાં સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છેઃ પરેશ ગોસ્વામી
દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ અને અતિભારે વરસાદની સંભાવના છે. સુરતમાં સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે અને તેને 'સુપર રેડ એલર્ટ' ગણી શકાય છે. ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આહવા અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
સૌરાષ્ટ્રમાં કેવો રહેશે વરસાદી માહોલ
મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, આણંદ, નડિયાદ, ખેડા અને અમદાવાદમાં સ્થિતિ ગંભીર બની શકે છે. 1 અને 2 ઓગસ્ટ દરમિયાન મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં અતિભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં મધ્યમથી સારો વરસાદ જોવા મળશે.
ઉત્તર ગુજરાતમાં પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જ્યારે વાવ, થરાદ, બનાસકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં સારા વરસાદ સાથે એક-બે સ્પેલ ભારે થઈ શકે છે. પૂર્વ કચ્છના ભુજ, ભચાઉ અને રાપર તાલુકામાં અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે બાકીના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે.
ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે વરસાદ
આ ઉપરાંત પરેશ ગોસ્વામીએ કહ્યું, ભારેથી અતિભારે વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનવાને બદલે નુકસાનકારક સાબિત થઈ શકે છે. કપાસ, મગફળી, શાકભાજી, સોયાબીન, એરંડા અને તુવેરના વાવેતર પર વધુ વરસાદના કારણે વિવિધ રોગો આવવાની ભીતિ છે. કપાસમાં ફ્યુઝેરિયમ વિલ્ટ (પેરા વિલ્ટ) નામનો રોગ શરૂ થઈ ચૂક્યો છે. મગફળીમાં અલ્ટરનેરિયા બ્લાઇટમાંથી મુક્તિ મળ્યા બાદ હવે વધુ વરસાદના કારણે ક્લેરેશિયમ અને પોડ રોટ જેવા રોગ આવવાની શક્યતા છે.