Thu Oct 01 2026

Logo

ગાંધીનગર મનપા, ઓખા અને દ્વારકા નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત

2026-09-16 21:52:18
Author: Pooja Shah
ગાંધીનગર મનપા, ઓખા અને દ્વારકા નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત

અમદાવાદઃ ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા નગરપાલિકા અને દ્વારકા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ તેમજ રાજ્યભરની વિવિધ સ્થાનિક સંસ્થાઓમાં ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર બુધવારે કર્યો હતો. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા બુધવારે જાહેર કરાયેલા ચૂંટણી કાર્યક્રમ મુજબ, સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ માટે મતદાન ૧૧ ઓક્ટોબર, ૨૦૨૬ (રવિવાર) ના રોજ સવારે ૭ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી યોજાશે.

આ કાર્યક્રમમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, ઓખા મ્યુનિસિપાલિટી અને દ્વારકા મ્યુનિસિપાલિટીની સામાન્ય ચૂંટણીઓનો સમાવેશ થાય છે. તેમાં ખેરાલુ મ્યુનિસિપાલિટી, છોટા ઉદેપુર મ્યુનિસિપાલિટી, બાયડ મ્યુનિસિપાલિટી, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત, પાદરા તાલુકા પંચાયત, સતલાસણા તાલુકા પંચાયત અને હારિજ તાલુકા પંચાયતની ખાલી બેઠકો પર પેટાચૂંટણીઓનો પણ સમાવેશ થાય છે. રાજ્ય ચૂંટણી પંચે જણાવ્યું હતું કે પેટા ચૂંટણીઓમાં કુલ સાત ખાલી બેઠકો પર મતદાન થશે. 

આ જાહેરાત સાથે, બુધવારથી ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. ગાંધીનગર મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં મતદાન ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) નો ઉપયોગ કરીને હાથ ધરવામાં આવશે. રાજ્ય ચૂંટણી પંચે સંબંધિત અધિકારીઓને મતદાન સુચારુ રીતે થાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો છે.

ગુજરાતના પાટનગર અને રાજકીય રીતે સૌથી મહત્વના શહેર ગાંધીનગર મહાનગરપાલિકામાં કુલ 11 વોર્ડ અને 44 બેઠક છે. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કુલ 195 મતદાન મથક ઉભા કરવામાં આવશે. અંદાજે 2 લાખ 59 હજાર મતદાર પાટનગર શહેર માટે મતદાન કરશે. અગાઉ વર્ષ 2021માં યોજાયેલી ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપે 41 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને 2 અને આમ આદમી પાર્ટી (આપ)ને 1 બેઠક મળી હતી.