અમદાવાદ/નવી દિલ્હી: ગુજરાતમાં હળવા અને છૂટાછવાયા ઝાપટાની વચ્ચે ગરમીનો પારો ઊંચકાયો છે. આ દરમિયાન હવામાન વિભાગે 15 રાજ્યો માટે ચિંતાજનક એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે આજે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 15 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાને લઈને એલર્ટ આપ્યું છે. આ દરમિયાન 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. આ વાવાઝોડામાં રસ્તાઓ પર મોટા વૃક્ષો ધરાશાયી થવાની શક્યતા છે. હવામાન વિભાગે ઓડિશા અને પશ્ચિમ બંગાળ જેવા દરિયાકાંઠાના રાજ્યોના માછીમારો માટે પણ ચેતવણી જારી કરી છે અને ખરાબ હવામાન દરમિયાન દરિયામાં ન જવાની સલાહ આપી છે. આ ઉપરાંત પહાડી રાજ્યો માટે હવામાન વિભાગે ભૂસ્ખલનની ચેતવણી પણ જાહેર કરી છે.
રાજ્યમાં હળવા વરસાદની આગાહી
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં દક્ષિણ-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે અને 4 જેટલી વરસાદી સિસ્ટમો સક્રિય હોવા છતાં, કોઈ શક્તિશાળી સિસ્ટમ ન હોવાથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા નહિવત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના છે. મહત્તમ તાપમાન 35 થી 36 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેતાં લોકોને અસહ્ય બફારા અને ઉકળાટનો સામનો કરવો પડી શકે છે. ચાલુ ચોમાસાની મોસમમાં રાજ્યમાં હજુ પણ સરેરાશ 15 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે, ત્યારે આ હળવા વરસાદથી ચોમાસાની ખાધ પૂરી થાય તેવી શક્યતા ઓછી વર્તાઈ રહી છે.
24 કલાકમાં 27 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન, સેન્ટર ગાંધીનગર મુજબ આજે સવારે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 27 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. એક પણ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો નહોતો. ઉમરપાડામાં 0.59 ઇંચ, અરેઠમાં 0.24 ઇંચ, સાગબારામાં 0.16 ઇંચ, રાજુલામાં 0.12 ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સિઝનનો સરેરાશ 75.43 ટકા વરસાદ પડી ચુક્યો છે. કચ્છમાં 29.49 ટકા, ઉત્તર ગુજરાતમાં 56.23 ટકા, પૂર્વ મધ્યમાં 74.92 ટકા, સૌરાષ્ટ્રમાં 56.04 ટકા તથા દક્ષિણ ગુજરાતમાં 103.91 ટકા વરસાદ પડ્યો છે.
અંબાલાલ પટેલની શું છે આગાહી
રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મુજબ, સપ્ટેમ્બરમાં ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે. 3થી 10 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના ભાગોમાં સારો વરસાદ પડી શકે છે. ઉતર ગુજરાતના ભાગોમાં હળવાથી લઈને 3 ઈંચ જેટલો વરસાદ વરસવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી લઈ 3-4 ઈંચ જેટલો વરસાદ વરસવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
15 રાજ્યોમાં મુશળધાર વરસાદનું એલર્ટ
ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે ભારતના 15 રાજ્યોમાં મુશળધાર વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઓડિશા, જમ્મુ-કાશ્મીર, આસામ અને કેરળનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે વરસાદ દરમિયાન 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ દર્શાવી છે.