Fri Sep 11 2026

Logo

ભાજપે વિધાનસભાની ચૂંટણી હારેલા સૌરાષ્ટ્રના OBC નેતાને રાજ્યસભાની ટિકિટ આપી, બ્રાહ્મણ-આદિવાસીને પણ ટિકિટ

2026-06-05 09:50:00
Author: Mayur Patel
ભાજપે વિધાનસભાની ચૂંટણી હારેલા સૌરાષ્ટ્રના OBC નેતાને રાજ્યસભાની ટિકિટ આપી, બ્રાહ્મણ-આદિવાસીને પણ ટિકિટ

અમદાવાદઃ રાજ્યસભાની ચૂંટણી લઈ ભાજપે ગઈકાલે ગુજરાતના ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેમાં ભાજપે 2022 વિધાનસભાની ચૂંટણી હારેલા સૌરીષ્ટ્રના OBC નેતાને રાજ્યસભાની ટિકિટ આપી હતી. આ ઉપરાંત બ્રાહ્મણ-આદિવાસીને પણ ટિકિટ ફાળવી હતી. જ્યારે એકપણ પાટીદારને પ્રતિનિધિત્વ આપ્યું નહોતું.

વિધાનસભાની ચૂંટણી હારેલા સૌરાષ્ટ્રના કયા OBC નેતાને રાજ્યસભાની ટિકિટ મળી?

વિધાનસભાની ચૂંટણી હારેલા સૌરાષ્ટ્રના OBC નેતા માનસિંહ પરમારને રાજ્યસભાની ટિકિટ આપી હતી. 2022ની વિધાસભા ચૂંટણીમાં સોમનાથ બેઠક પરથી કૉંગ્રેસના વિમલ ચુડાસમા સામે તેમની પાતળી સરસાઈથી હાર થઈ હતી. ચુડાસમાને 73,819  મત મળ્યા હતા, જ્યારે ભાજપના માનસિંહ પરમારને 72,897  મત મળ્યા હતા. 922 મતથી માનસિંહ પરમારને હારનો સામનો કરવો પડ્યો હતો. 2022ની ચૂંટણીમાં ભાજપે માનસિંહ પરમારને ઉમેદવાર તરીકે ઉતારી એડી ચોટીનું જોર લગાવ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે માનસિંહ પરમાર તાલાલાના પૂર્વ ધારાસભ્ય તેમજ ગુજરાતના પૂર્વ પ્રધાન ગોવિંદભાઈ પરમારના સગા ભત્રીજા છે. હાલ સંયુક્ત પરિવારમાં રહે છે. ગોવિંદભાઈ પરમાર હાલ ગુજકોમાસોલના ડિરેક્ટર છે. 2027ની વિધાનસભા ચૂંટણીમાં સોમનાથ બેઠક જીતવા ભાજપે કારડીયા રાજપૂત સમાજના યુવા અને ગત વિધાનસભા ચૂંટણીમાં પરાજીત ઉમેદવાર માનસિંહ પરમારને રાજ્યસભાની ટિકિટ આપીને સૌને ચોંકાવી દીધા હતા.

કોણ છે અન્ય 3 ઉમેદવાર

આ ઉપરાંત અન્ય ત્રણ ઉમેદવારો રાજુ શુક્લા, જીતેન્દ્ર કણઝારીયા તથા મુકેશ રાઠવાની ટિકિટ આપવામાં આવી હતી. જે પૈકી મુકેશ રાઠવા આદિવાસી સમાજમાંથી આવે છ અને છોટાઉદેપુર જિલ્લા કવાંટના રહેવાસી છે, ભાજપ મહામંત્રી, ભાજપ યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. તેમને ચૈતર વસાવાના જવાબ તરીકે પણ જોવામાં આવે છે, કારણ કે તેઓ ચૈતરની જેમ યુવા અને હાઇલી એજ્યુકેટેડ છે.

જીતેન્દ્ર કણઝારીયા પૂર્વ ધારાસભ્ય મેઘજી કણઝારીયાના પુત્ર છે અને સતવારા સમાજમાંથી આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપના અગ્રણી નેતા અને કાર્યકર છે. 2021માં કોરોનાના કારણે પિતા મેઘજીભાઈ કણઝારિયાનું નિધન થયું હતું. જ્યારે રાજુ શુક્લા બ્રાહ્મણ સમાજમાંથી આવે છે.કડી-કલોલ ભાજપના કાર્યકર અને હાલ સુરેન્દ્રનગર પ્રભારી છે. બે ઓબીસી, એક આદિવાસી અને એક ઉમેદવાર જનરલ કેટેગરીમાંથી આવે છે. ભાજપે ઓબીસી પર વધુ ફોક્સ કર્યું હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, કારણ કે હાલના રાજ્યસભા સાંસદ મયંક નાયક અને બાબુ દેસાઈ પણ ઓબીસી છે. આમ 11માંથી કુલ 4 ઓબીસી સભ્ય થશે.

પાટીદાર સમાજની બાદબાકી

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં વડોદરામાં પીએમ મોદીને 'સરદાર રત્ન' એવોર્ડ આપનાર પાટીદાર સમાજને આ વખતે ભાજપે રાજ્યસભાની ટિકિટ આપી નથી. આ વખતે નિવૃત્ત થયેલા 4 સાંસદોમાં નરહરિ અમીન એકમાત્ર પાટીદાર નેતા હતા. પણ આ વખતે ભાજપે જે નવા સભ્યોની પસંદગી કરી છે, તેમાં એકપણ પાટીદાર ચહેરાને સ્થાન આપ્યું નથી. ગુજરાતની કુલ 11 રાજ્યસભા સીટોમાંથી જે 7 સાંસદો અત્યારે ચાલુ ટર્મમાં છે, તેમાં હવે ગોવિંદ ધોળકિયા એકમાત્ર પાટીદાર સાંસદ બચ્યા છે. ટૂંકમાં, રાજ્યસભાની નવી પસંદગીમાં પાટીદાર સમાજની બાદબાકી કરવામાં આવી છે.