ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. જેમાં અમદાવાદના જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ શહેર અને જિલ્લામાં આંગણવાડીઓના મહેકમ બાબતે પ્રશ્ન પૂછ્યો હતો.
ઈમરાન ખેડાવાલાએ શું સવાલ પૂછ્યો
ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પૂછ્યું કે, 25-01-2026ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં કેટલી આંગણવાડીઓ આવેલી છે? વર્કર અને હેલ્પરની કેટલી જગ્યાઓ સામે કેટલી જગ્યા ભરાયેલી છે તેમજ આંગણવાડીઓમાં વર્કર અને હેલ્પર માટની ભરતી છેલ્લે ક્યારે કરવામાં આવી હતી?
જિલ્લા કરતાં શહેરમાં વધુ આંગણવાડી
જેનો જવાબ આપતાં સરકારે જણાવ્યું, અમદાવાદ શહેરમાં 2128 અને જિલ્લામાં 1501 મળી કુલ 3629 આંગણવાડી આવેલી છે. અમદાવાદ શહેરમાં આંગણવાડી વર્કરની મંજૂર કરાયેલી 2128 જગ્યા સામે 2110 ભરવામાં આવી છે. જ્યારે જિલ્લામાં 1501ની સામે 1490 જગ્યા ભરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં 18 અને જિલ્લામાં 11 મળી 29 આંગણવાડી વર્કરની જગ્યા ખાલી છે.
આ ઉપરાંત અમદાવાદ શહેરમાં હેલ્પરની મંજૂર કરાયેલી 2128 જગ્યા સામે 2060 જગ્યા ભરવામાં આવી છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં 1501 મંજૂર કરાયેલી જગ્યા સામે 1477 જગ્યા ભરાઈ છે. અમદાવાદ શહેરમાં હેલ્પરની 68 અને જિલ્લામાં 24 મળી કુલ 92 હેલ્પરની જગ્યા ખાલી છે.
અમદાવાદ શહેર અને જિલ્લામાં આંગણવાડીઓમાં વર્કર અને હેલ્પર માટેની ભરતી છેલ્લે ડિસેમ્બર 2025માં કરવામાં આવી હતી.
રાજ્યમાં કુપોષણથી પીડાતા બાળકો માટે તોતિંગ ફાળવણી
ગુજરાત વિધાનસભામાં સરકારે આપેલી માહિતી મુજબ, રાજ્યમાં કુપોષણથી પીડાતા બાળકો માટે 2024-25માં 1451.22 કરોડ અને 2025-26માં 1550.32 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે આ માહિતી જાહેર કરી હતી.