Fri Sep 11 2026

Logo

ગુજરાતના મથકો પાછળ સિંગતેલમાં રૂ. 40નો ઉછાળો ઈન્ડનોશિયન ખેડૂતોનો પામતેલનો નિકાસ વેરો ઘટાડવાની માગ

2026-03-16 21:50:25
Author: Ramesh Gohil
ગુજરાતના મથકો પાછળ સિંગતેલમાં રૂ. 40નો ઉછાળો ઈન્ડનોશિયન ખેડૂતોનો પામતેલનો નિકાસ વેરો ઘટાડવાની માગ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
ગુજરાતનાં મથકો પર આજે ખાસ કરીને સિંગતેલમાં દેશાવરોની તેમ જ સ્ટોકિસ્ટોની આક્રમક રહેતાં સિંગતેલમાં તેલિયા ટીનના ભાવ 15 કિલોદીઠ રૂ. 50 અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 25 ઉછળી આવ્યાના પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં સિંગતેલના ભાવમાં 10 કિલોદીઠ રૂ. 40નો ઝડપી ઉછાળો આવ્યો હતો. આ ઉપરાંત દેશી તેલમાં મથક પાછળ સરસવના ભાવ પણ 10 કિલોદીઠ રૂ. 10 વધી આવ્યા હતા. વધુમાં આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં 82 રિંગિટનો ઉછાળો આવ્યો હોવાથી સ્થાનિકમાં આયાતી તેલમાં એકંદરે કામકાજો પાંખાં રહેતાં માત્ર સોયા રિફાઈન્ડમાં 10 કિલોદીઠ રૂ. 10 વધી આવ્યા હતા, જ્યારે આરબીડી પામોલિન અને સન રિફાઈન્ડમાં ટકેલું વલણ રહ્યું હતું. 

દરમિયાન આજે ઈન્ડોનેશિયા પામઑઈલ ફાર્મર્સ યુનિયન (એસપીકેએસ)એ ખેડૂતો પર પડતાં બોજને ધ્યાનમાં લઈ નાણાં પ્રધાનને ક્રૂડ પામતેલ પરનો નિકાસ વેરો જે 12.50 ટકા છે તે ઘટાડીને અગાઉની 10 ટકાની સપાટીએ રાખવાનો તેમ જ પેટ્રોલમાં ફરજિયાત ભેળવણી માટે બી-40 ધોરણને સ્થાને બી-50 ધોરણોનો પણ અસ્વીકાર કર્યો હોવાના અહેવાલ હતા. વધુમાં આજે કાર્ગો સર્વેયર ઈન્ટરટેક સર્વિસીસે તેની પ્રાથમિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું કે ગત તા. 1થી 15 માર્ચ દરમિયાન મલયેશિયાની પામતેલની નિકાસ ગત ફેબ્રુઆરી મહિનાના સમાનગાળાના 6,45,656 ટન સામે 43.51 ટકા વધીને 9,26,602 ટનની સપાટીએ રહી છે. 

આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ ઈમામીના માર્ચ-એપ્રિલ ડિલિવરી શરતે આરબીડી પામોલિનના રૂ. 1440, એડબ્લ્યુએલના આરબીડી પામોલિનના રૂ. માર્ચ-એપ્રિલ ડિલિવરી શરતે આરબીડી પામોલિનના રૂ. 1460થી 1465, સોયા રિફાઈન્ડના માર્ચ-એપ્રિલ-મે ડિલિવરી શરતે રૂ. 1460 અને સન રિફાઈન્ડના રૂ. 1735, ગોકુલ એગ્રોના સન રિફાઈન્ડના રૂ. 1720, પતંજલિ ફૂડ્સના એપ્રિલ ડિલિવરી શરતે સોયા રિફાઈન્ડના રૂ. 1445 અને સન રિફાઈન્ડના રૂ. 1700 તથા જી-વનના આરબીડી પામોલિનના રૂ. 1431 ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપારનો અભાવ હતો. 

વધુમાં આજે ગુજરાતના ગોંડલ મથકે 4000 ગૂણી મગફળીની આવક સામે વેપાર મણદીઠ રૂ. 1300થી 1550માં થયા હતા, જ્યારે રાજકોટનાં મથકો પર મગફળીની 7000 ગૂણીની આવક સામે વેપાર મણદીઠ રૂ. 1300થી 1525માં થયા હતા. તેમ જ આજે ગુજરાતનાં મથકો પર દેશાવરોની માગને ટેકે સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર 15 કિલોદીઠ 50 વધીને રૂ. 2730માં અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 25 વધીને રૂ. 1725માં થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. તેમ જ આજે મધ્યપ્રદેશનાં મથકો પર અંદાજે એક લાખ ગૂણી સોયાસીડની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. 5250થી 5400માં અને પ્લાન્ટ ડિલિવરી શરતે રૂ. 5500થી 5600માં થયાના અહેવાલ હતા. 

આજે હાજરમાં દેશી-આયાતી ખાદ્યતેલના 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 1430 સોયા રિફાઈન્ડના રૂ. 1450, સન રિફાઈન્ડના રૂ. 1710, સિંગતેલના રૂ. 1760, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1440 અને સરસવના રૂ. 1440ના મથાળે રહ્યા હતા.