Thu Sep 17 2026

Logo

LPG પર મોટું અપડેટ, PNG લેવા પર સરેન્ડર નહીં કરવું પડે LPG કનેક્શન, પરંતુ જાણી લો આ નિયમ

2026-05-26 08:11:00
Author: Mumbai Samachar Team
LPG પર મોટું અપડેટ, PNG લેવા પર સરેન્ડર નહીં કરવું પડે LPG કનેક્શન, પરંતુ જાણી લો આ નિયમ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ઘરવપરાશના LPG (રાંધણ ગેસ) ગ્રાહકોને રાહત આપવા માટે LPG સપ્લાય અને વિતરણના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. નવા નિયમો મુજબ જો ગ્રાહકો PNG કનેક્શન લેશે, તો પણ તેમણે પોતાનું LPG કનેક્શન હંમેશા માટે સરેન્ડર (પરત) કરવાની ફરજ નહીં પડે.

આ કારણે નિયમોમાં ફેરફાર

ઈરાન અને યુએસ (અમેરિકા) વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલ (કાચા તેલ)ની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. જેના લીધે ભારતમાં પણ સતત પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ ગેસની પણ અછત જોવા મળી રહી છે. સરકારે આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ગેસ કનેક્શન અને એલપીજી (LPG) સપ્લાયના નિયમોમાં ફેરફાર કર્યો છે.

હકીકતમાં, મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) સંકટને કારણે એલપીજી સિલિન્ડરો માટે ચાલી રહેલા વેઇટિંગને ઓછું કરવા માટે સરકાર લોકોને સતત પીએનજી (PNG) કનેક્શન લેવાની સલાહ આપી રહી છે. 

ગ્રાહકો પાસે બે વિકલ્પ હશે

હવે નવા નિયમો મુજબ એલપીજી ગ્રાહકો પાસે બે વિકલ્પ હશે. પહેલું, જો કોઈ ગ્રાહકે PNG કનેક્શન લઈ લીધું હોય, તો તે 30 દિવસની અંદર પોતાનું એલપીજી કનેક્શન બંધ કરાવવા માટે અરજી કરી શકે છે. બીજું, ગ્રાહકો ઈચ્છે તો ભવિષ્યમાં એલપીજી કનેક્શન ફરીથી શરૂ કરાવવા માટે 'ટ્રાન્સફર વાઉચર' મેળવી શકે છે.

સરકારના જણાવ્યા અનુસાર, આ 'ટ્રાન્સફર વાઉચર' એવા લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે જેઓ નોકરી, અભ્યાસ કે અન્ય કારણોસર એવા વિસ્તારોમાં શિફ્ટ (સ્થળાંતર) થતા રહે છે જ્યાં PNG ની સુવિધા ઉપલબ્ધ નથી. આવા કિસ્સાઓમાં, ગ્રાહકો ભવિષ્યમાં બિન-PNG (જે વિસ્તારમાં પાઇપલાઇન ગેસ ન હોય તેવા) વિસ્તારમાં જવા પર સરળતાથી પોતાનું એલપીજી કનેક્શન ફરીથી શરૂ કરાવી શકશે.

ગ્રાહકોને વધારાની સુવિધા મળશે

આ નવી વ્યવસ્થા ખાસ કરીને બદલીપાત્ર (ટ્રાન્સફરેબલ) નોકરી કરતા કર્મચારીઓ, પ્રવાસી પરિવારો, ભાડૂતો, વિદ્યાર્થીઓ અને એવા પરિવારો માટે ફાયદાકારક માનવામાં આવી રહી છે જેઓ સમય-સમય પર શહેર બદલતા રહે છે.

સરકારનું કહેવું છે કે આ સુધારાથી ગ્રાહકોને વધારાની સુવિધા મળશે અને તેમણે વારંવાર નવું એલપીજી કનેક્શન લેવાની પ્રક્રિયામાંથી પસાર થવું નહીં પડે. સાથે જ, PNG અને LPG બંને સુવિધાઓ વચ્ચે સારું સંકલન સાધવામાં પણ મદદ મળશે.