નવી દિલ્હીઃ સ્થાનિક સ્તરે ઉત્પાદનને ટેકો આપવા માટે જાહેર કરવામાં આવેલી પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ) સ્કીમ હેઠળ ગત ડિસેમ્બર સુધીમાં સરકારે ઈલેક્ટ્રોનિક્સ અને ફાર્મા સહિત વિવિધ 14 ક્ષેત્રોની પીએલઆઈ સ્કીમ હેઠળ રૂ. 28,748 કરોડ છૂટા કર્યા હોવાનું સરકારે એક યાદીમાં જણાવ્યું હતું.
નોંધનીય બાબત એ છે કે વર્ષ 2021માં સરકારે રૂ. 1.97 લાખ કરોડના ખર્ચ સાથે 14 ક્ષેત્રો માટે પીએલઆઈ સ્કીમની જાહેરાત કરી હતી. આ સ્કીમ અંતર્ગત 14 ક્ષેત્રો પૈકી ગત ડિસેમ્બર, 2025 સુધી 836 જેટલી અરજી મંજૂર કરવામાં આવી હતી, જેમાં રૂ. 2.16 લાખ કરોડ સુધીના સંચિત રોકાણનો સમાવેશ થાય છે.
વાણિજ્ય મંત્રાલયની આંકડાકીય માહિતી અનુસાર આ ક્ષેત્રોએ સંચિત ધોરણે રૂ. 20.41 કરોડનું વેચાણ અને રૂ. 8.3 લાખ કરોડની નિકાસ નોંધાવી છે. તેમ જ 14.39 લાખ લોકોને રોજગાર પૂરા પાડ્યા છે અને ગત ડિસેમ્બર, 2025 સુધીમાં આ સ્કીમ હેઠળ રૂ. 28,748 કરોડ છૂટા કરવામાં આવ્યા હોવાનું સરકારે યાદીમાં જણાવ્યું હતું.
આ 14 ક્ષેત્રોમાં લાર્જ સ્કેલ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ, આઈટી હાર્ડવૅર, બલ્ક ડ્રગ્ઝ, મેડિકલ ડિવાઈસીસ, ફાર્માસ્યુટિકલ, ટેલિકોમ અને નેટવર્કિંગ પ્રોડક્ટસ, ફૂડ પ્રોસેસિંગ, વ્હાઈટ ગૂડ્સ, સ્પેશિયાલિટી સ્ટીલ, ટેક્સ્ટાઈલ ઉત્પાદનો તથા ઑટોમોબાઈલ અને ઑટોકમ્પોનન્ટ્સનો સમાવેશ થાય છે. આ સ્કીમથી વર્ષ 2020-21થી દેશની મોબાઈલ ફોનની આયાતમાં 77 ટકાનો ઘટાડો થયો હતો અને હવે લગભગ 99 ટકા માગ સ્થાનિક ઉત્પાદનથી સંતોષાઈ રહી છે.
આમ હવે દેશમાં એસેમ્બલિંગથી માંડીની પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ એસેમ્બલી, બેટરી, કેમેરા, ડિસ્પ્લે મોડ્યુલ, એન્ક્લોઝર, અને અન્ય સબ એસેમ્બલી થવાની સાથે વૈશ્વિક વૅલ્યૂ ચેઈનને ઊંડાણપૂર્વક સક્ષમ બનાવે છે.
વધુમાં ફાર્મા અને મેડિકલ ડિવાઈસીસની પીએલઈ સ્કીમ થકી દેશમાં સૌપ્રથમ વખત 191 બલ્ક ડ્રગ્ઝનું ઉત્પાદન થઈ રહ્યું છે આથી અંદાજે રૂ. 1785 કરોડની આયાત ઘટી છે અને સ્થાનિકમાં વૅલ્યૂ એડિશન અથવા તો મૂલ્ય વર્ધનમાં 83.7 ટકાનો વધારો થયો છે.
ઑટો માટેની આ યોજનાએ ઈલેક્ટ્રિક મોબિલિટી, પાવર ઈલેક્ટ્રોનિક્સ અને અદ્યતન સલામતી પ્રણાલીમાં રોકાણને પ્રેરિત કર્યું છે. વર્ષ 2025-26માં રૂ. 32,879 કરોડનું વેચાણ ટેક્નોલૉજી આધારિત ઑટોમેટિવ ઉત્પાદન અને સપ્લાયર ઈકો સિસ્ટમની આરંભિક ગતિ દર્શાવે છે. તે જ પ્રમાણે ટેલિકોમ અને નેટવર્કિંગ ઉત્પાદનોનું વેચાણ વર્ષ 2019-20ની સરખામણીમાં છ ગણાથી વધુ વધ્યું છે, જ્યારે નિકાસ રૂ. 21,033 કરોડની થઈ હોવાનું મંત્રાલયે જણાવ્યું હતું.
વધુમાં ફૂડ પ્રોસેસિંગ સેગ્મેન્ટમાં પીએલઈ સ્કીમ હેઠળ રૂ. 9200 કરોડથી વધુ રોકાણને મંજૂરી આપવામાં આવી હોવાનું યાદીમાં ઉમેર્યું હતું.