Wed Jun 17 2026

Logo

AI Summit: ગૂગલ કરશે 15 અબજ ડોલરનું ઐતિહાસિક રોકાણ, સુંદર પિચાઈએ પીએમ મોદી સાથે કરી મુલાકાત...

2026-02-18 21:43:43
Author: Mumbai Samachar Team
Article Image

વિશાખાપટ્ટનમમાં બનશે મેગા ડેટા સેન્ટર અને સમુદ્ર નીચે બિછાવાશે ઇન્ટરનેટ કેબલ: જાણો ભારત માટે ગૂગલનું વિઝન

નવી દિલ્હીઃ ભારતમાં એઆઈને લઈ અત્યાર સુધીની સૌથી મોટી ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને ડીપમાઈન્ડના સીઈઓ ડેમિસ હાસાબિસે કહ્યું કે કંપની આગામી પાંચ વર્ષમાં ભારતમાં 15 અબજ ડોલરનું રોકાણ કરશે. જોકે, આ રોકાણની જાહેરાત ગૂગલે ગયા વર્ષે કરી હતી. 

ગૂગલના સીઈઓ અને ગૂગલ ડીપમાઈન્ડના ચીફ બંનેએ ભારતના પ્રવાસે છે. એઆઈ ઈમ્પેક્ટ સમિટમાં બંને ટેક લીડર્સ હાજર રહ્યા હતા. સુંદર પિચાઈએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ રોકાણ દેશમાં સૌથી મોટા એઆઈ હબનું નિર્માણ કરશે. આ પ્રોજેક્ટનો સૌથી મોટો ભાગ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં મેગા ડેટા સેન્ટર છે. આ ડેટા સેન્ટર ફક્ત એક ઈમારત નહીં હોય, પરંતુ એઆઈ ટેનિંગ મોડલ, ક્લાઉડ સર્વિસ અને મોટા પાયે કમ્પ્યુટિંગનું કેન્દ્ર બનશે. અહીંથી ભારત અને આસપાસના દેશને એઆઈની સુવિધા મળશે.

દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા સાથે ડાયરેક્ટ કનેક્શન
ગૂગલ ભારતમાં ડાયરેક્ટ જોડાવવા માટે અંડરસી ઈન્ટરનેટ કેબલ બિછાવવા માગે છે. આ કેબલ્સથી ભારતનું કનેક્શન સિંગાપોર, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશ સાથે ડાયરેક્ટ થશે. ઉપરાંત, એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકામાં એઆઈ સર્વિસ ઝડપી બનશે. ડેટાને હવે અમેરિકા યા યુરોપ જવું પડશે નહીં, પરંતુ એનો માર્ગ વધુ મોકળો બનશે, જ્યારે સ્પીડ પણ વધુ હશે.

દિલ્હી ખાતે યોજાઈ રહેલી એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026માં ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ ભાગ લીધો હતો. ગૂગલે દિલ્હીમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જ્યાં સુંદર પિચાઈએ ભારતના ડિજિટલ ભવિષ્ય માટે કંપનીના વિઝનને શેર કર્યું હતું. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ જણાવ્યું હતું કે ભારત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં એક "અસાધારણ રસ્તા" માટે તૈયાર છે અને દેશના એઆઈ પરિવર્તનમાં ભાગીદારી કરવા માટે કંપનીની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.

પિચાઈએ કહ્યું હતું કે "એઆઈ આપણી જિંદગીનું સૌથી મોટું પ્લેટફોર્મ પરિવર્તન છે. તેણે હેલ્થકેર ડાયગ્નોસ્ટિક્સને યોગ્ય બનાવવાથી લઈને રિયલ ટાઈમ એલર્ટની સાથે ખેડૂતોને મદદ કરવા સુધી વ્યાપક પ્રમાણમાં પડકારોનો સામનો કરવાની તેની ક્ષમતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારતની વિવિધતા, ભાષાની ઇકોસિસ્ટમ અને મજબૂત ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેને "ઈનોવેશન માટે  એક મજબૂત પાયો" અને વૈશ્વિક સ્તરે એઆઈને લોકશાહીકરણ કરવા માટે એક બ્લુપ્રિન્ટ બનાવે છે.

પિચાઈએ એ વાત પર ભાર મૂક્યો કે એઆઈનો ઉપયોગ કરવામાં વિશ્વાસ, સલામતી અને તમામને સાથે લઈને ચાલવાને પ્રાથમિકતા આપવી જોઈએ. "એઆઈને અલગ અલગ ભાષાઓ અને સ્થાનિક સંદર્ભોમાં કામ કરવું જોઈએ. તે વાસ્તવિક દુનિયાના લાભો પહોંચાડવા જોઈએ જેના પર લોકો વિશ્વાસ કરી શકે. જ્યારે ટેકનોલોજી ટ્રાન્સપરન્ટ, જવાબદાર અને પરિણામો પર આધારિત હોય ત્યારે વિશ્વાસ વધે છે".

ગૂગલ ભારતમાં ફુલ સ્ટેક કનેક્ટિવિટી ધરાવે છે
ગૂગલના સીઈઓએ ભારત-અમેરિકા કનેક્ટ ઈનિશિએટિવની પણ જાહેરાત કરી, જે અમેરિકા, ભારત અને દક્ષિણ ગોળાર્ધમાં અનેક સ્થળો વચ્ચે એઆઈ કનેક્ટિવિટી વધારવા માટે નવા સબસી કેબલ રૂટ લગાવવાનો એક પ્રોજેક્ટ છે. "ગૂગલ ભારતમાં ફુલ-સ્ટેક કનેક્ટિવિટી ધરાવે છે અને અમે સાથે મળીને જે ભવિષ્ય બનાવી રહ્યા છીએ તેના વિશે હું ક્યારેય આટલો ઉત્સાહિત નથી."

એઆઈ હબની ગૂગલની જાહેરાત પર પ્રકાશ પાડ્યો
પિચાઈએ ભારતમાં 15 અબજ ડોલરના એઆઈ હબની ગૂગલની અગાઉની જાહેરાત પર પ્રકાશ પાડ્યો, જેમાં ગીગાવોટ-સ્કેલ કમ્પ્યુટ અને આંતરરાષ્ટ્રીય સબસી કેબલ ગેટવે હશે, જે દેશમાં નોકરીઓ અને અદ્યતન એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લાવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુગલ અને તેની પેરેન્ટ કંપની આલ્ફાબેટ ઇન્કના સીઈઓ સુંદર પિચાઈ સાથે મુલાકાત કરી હતી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રમાં ભારત શું કરી રહ્યું છે અને ટેકનોલોજી જાયન્ટ આ ક્ષેત્રમાં ભારતીય વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો સાથે કેવી રીતે કામ કરી શકે છે તેની ચર્ચા કરી હતી. 

મોદીએ એક્સ પર માહિતી આપતા આનંદ વ્યક્ત કર્યો
વડા પ્રધાન મોદીએ એક્સ પર માહિતી આપતા જણાવ્યું હતું કે "દિલ્હીમાં એઆઈ ઈમ્પેક્ટ સમિટ દરમિયાન શ્રી સુંદર પિચાઈને મળીને આનંદ થયો. ભારત એઆઈમાં શું કામ કરી રહ્યું છે અને ગૂગલ આ ક્ષેત્રમાં આપણા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો સાથે કેવી રીતે કામ કરી શકે છે તે વિશે વાત કરી”.

600થી વધુ ઉચ્ચ સંભવિત સ્ટાર્ટઅપ્સ, 13 પેવેલિયનનો સમાવેશ
વડા પ્રધાને સોમવારે અહીં ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ એક્સ્પોની મુલાકાત લીધી, જેમાં ૬૦૦થી વધુ ઉચ્ચ-સંભવિત સ્ટાર્ટઅપ્સ અને ૧૩ દેશના પેવેલિયન છે જે એઆઈ ઇકોસિસ્ટમમાં આંતરરાષ્ટ્રીય સહયોગ દર્શાવે છે. ૨૦થી વધુ રાજ્યના વડાઓ, ૬૦ પ્રધાન અને ૫૦૦ વૈશ્વિક એઆઈ નેતા સમિટમાં ભાગ લઈ રહ્યા છે.