(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ લંડન ખાતે આજે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને ક્રૂડતેલના ભાવમાં ઘટાડાતરફી વલણ રહેતાં સોના અને ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં ગઈકાલે વિશ્વ બજારથી વિપરીત બન્ને કિંમતી ધાતુઓના ભાવ વધી આવ્યા બાદ આજે ઊંચી સપાટીએથી નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 3162નો અને સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 1109થી 1113નો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, આજે ડૉલર સામે રૂપિયો 17 પૈસા ગબડ્યો હોવાથી સોનાની આયાત પડતરો વધવાને કારણે ભાવઘટાડો સીમિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની ઊંચી સપાટીએથી વેચવાલીનું દબાણ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 3162ના ઘટાડા સાથે રૂ. 2,30,881ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 1109 ઘટીને રૂ. 1,47,194 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1113 ઘટીને રૂ. 1,47,786ના મથાળે રહ્યા હતા.
આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ 0.2 ટકા ઘટીને ક્વૉટ થઈ રહ્યો હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.6 ટકા વધીને ઔંસદીઠની 4674.19 ડૉલર અને જૂન વાયદામાં ભાવ 0.3 ટકા વધીને 4700.40 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ 0.1 ટકાના સુધારા સાથે આૈંસદીઠ 72.69 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
વધુમાં ગત માર્ચ મહિનામાં ચીનની સોનામાં ખરીદી જળવાઈ રહેતાં તેની સોનાની અનામત જે ફેબ્રુઆરી મહિનામાં 7.422 કરોડ ફાઈન આૈંસની હતી તે વધીને 7.438 કરોડ ફાઈન ઔંસદીઠની સપાટીએ રહી હોવાના અહેવાલ હતા. નોંધનીય બાબત એ છે કે આ સાથે જ ચીનની 17માં મહિનામાં ખરીદી જોવા મળી છે.
એકંદરે હાલના તબક્કે સોનાને ભૂરાજકીય સ્થિતિ અને યુદ્ધને ધ્યાનમાં લેતા આર્થિક અનિશ્ચિતતાનો ટેકો મળી રહ્યો હોવા છતાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને અમેરિકી 10 વર્ષીય બૉન્ડની યિલ્ડ ઊંચી સપાટી આસપાસ રહેતી હોવાથી સુધારો મર્યાદિત જોવા મળી રહ્યો હોવાનું એક્ટિવ ટ્રેડ્સનાં વિશ્લેષક રિકાર્ડો ઈવાન્જેલિસ્ટાએ જણાવતા ઉમેર્યું હતું કે અત્યારે તેજીના ખેલાડીઓ પણ નવી લેવાલીથી દૂર રહ્યા છે અને યુદ્ધની સ્થિતિ થાળે પડે અને ચિત્ર સ્પષ્ટ થાય તેની રાહ જોઈ રહ્યા હોય તેમ જણાય છે.
દરમિયાન અમેરિકાના શાંતિ પ્રસ્તાવ અને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ માર્ગ ખોલવાની માગ સ્વીકાર્ય ન હોવાનું આજે તહેરાને જણાવતાં ઈરાન અને ઈઝરાયલના એકમેક પરનાં હુમલા ચાલુ રહ્યાના અહેવાલ છતાં આજે પાકિસ્તાન ખાતેના ઈરાનના રાજદૂતે જણાવ્યું હતું કે યુદ્ધવિરામ માટે પાકિસ્તાનની મધ્યસ્થીના પ્રયાસો મહત્ત્વના તબક્કામાં છે. અત્રે નોંધનીય બાબત એ છે કે અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી ક્રૂડતેલના ભાવમાં ઉછાળો આવ્યો હતો અને અત્યાર સુધીમાં સોનાના વૈશ્વિક ભાવમાં અંદાજે 12 ટકા જેટલો ઘટાડો આવી ગયો છે.
આમ ક્રૂડતેલના ભાવમાં જોવા મળેલા વધારાને કારણે ફુગાવામાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં લેતા સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો વર્ષ 2026માં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ નહીં મૂકે એવી ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યા છે.