Sat Mar 14 2026

Logo

અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે વૈશ્વિક સોના-ચાંદીમાં ઘટ્યા મથાળેથી બાઉન્સબૅક

1 month ago
Author: Ramesh Gohil
Article Image

સ્થાનિકમાં ચાંદી રૂ. 16,700 ગબડી, સોનામાં રૂ. 2885નો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
અમેરિકાના રોજગારીના ડેટા અપેક્ષા કરતાં સારા આવ્યાના નિર્દેશો સાથે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સોના-ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ જળવાઈ રહેતાં અનુક્રમે ત્રણ ટકાનો અને 11 ટકાનો કડાકો બોલાઈ ગયા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ઘટ્યા મથાળેથી લેવાલી નીકળતાં બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં ધીમો સુધારો આવ્યો હતો. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલને ધ્યાનમાં લેતા હાજરમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 2874થી 2885નો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 16,700નો કડાકો બોલાઈ ગયો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલ ઉપરાંત સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ અને ઘટતી બજારે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ ખપપૂરતી રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 16,700ના કડાકા સાથે રૂ. 2,42,433ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ વિશ્વ બજાર પાછળ ભાવમાં ઘટાડા તરફી વલણ રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના 10 ગ્રામદીઠ ભાવ રૂ. 2874 ઘટીને રૂ. 1,52,153 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 2885 ઘટીને રૂ. 1,52,765ના મથાળે રહ્યા હતા. જોકે, તાજેતરમાં ભાવમાં ભારે ચંચળતા રહેતી હોવાથી રોકાણકારો, સ્ટોકિસ્ટો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહેતી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

દરમિયાન આજે લંડન ખાતે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.7 ટકા વધીને આૈંસદીઠ 4951.90 ડૉલર અને એપ્રિલ વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.5 ટકા ઘટીને 4971.70 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે સોનાના ભાવમાં ત્રણ ટકાનો ઘટાડો આવ્યો હતો. વધુમાં ગઈકાલે ચાંદીના ભાવમાં 11 ટકાનો કડાકો બોલાઈ ગયા બાદ આજે લંડન ખાતે ઘટ્યા મથાળેથી 2.7 ટકા વધીને આૈંસદીઠ 77.18 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

એકંદરે ચીનની નવાં લ્યૂનાર વર્ષની રજાઓ પૂર્વે સોનામાં પણ માગ ઉપરાંત ગઈકાલના ઘટાડા પશ્ચાત્‌‍ વૅલ્યૂ બાઈંગ નીકળતાં બન્ને કિંમતી ધાતુઓમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવાનું કેપિટલ ઈકોનોમિક્સનાં કૉમૉટિ ઈકોનોમિસ્ટ હમદ હુસેને જણાવ્યું હતું. 

અત્રે નોંધનીય બાબત એ છે કે ગત બુધવારે અમેરિકાના રોજગારીના ડેટા પ્રોત્સાહક આવ્યા હોવાથી અમેરિકી ફેડરલ રિઝર્વ નજીકના ભવિષ્યમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા ધૂંધળી બનતાં સોના અને ચાંદીમાં રોકાણકારોની વેચવાલીનું દબાણ વધ્યું હોવાનું એક વિશ્લેષકે જણાવ્યું હતું. જોકે, એએનઝેડના વિશ્લેષકે વૈશ્વિક સ્તરે પ્રવર્તી રહેલી અનિશ્ચિતતાઓને ધ્યાનમાં લેતા બીજા ત્રિમાસિકગાળા માટેના સોનાના ભાવનો અંદાજ જે અગાઉ 5400 ડૉલરનો મૂક્યો હતો તે વધારીને 5800 ડૉલર મૂક્યો હોવાના અહેવાલ હતા.