Wed Aug 19 2026

Logo

ક્રૂડ ઓઈલ માર્કેટમાં 'મહામંદી'નો ખતરો: કોરોના પછી તેલની માંગમાં સૌથી મોટા ઘટાડાનું તોળાતું જોખમ

2026-04-14 20:37:27
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલની માગમાં જોરદાર ઘટાડાનું જોખમ તોળાઈ રહ્યું હોવાની ઈન્ટરનેશનલ એજન્સીએ સંભાવના સેવી છે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) દ્વારા જાહેર કરવામાં આવેલા અહેવાલ મુજબ, વર્ષ 2020માં કોવિડ મહામારીએ વૈશ્વિક અર્થતંત્ર પર જે કહેર વર્તાવ્યો હતો, ત્યાર બાદ હવે ચાલુ વર્ષના બીજા ક્વાર્ટરમાં કાચા તેલની માંગમાં સૌથી મોટો ઘટાડો જોવા મળી શકે છે. 
એજન્સીએ તેના રિપોર્ટમાં ચેતવણી આપી છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે તેલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વધતી કિંમતોને કારણે ઘણા દેશો અને ઉદ્યોગો તેલનો વપરાશ ઘટાડવા મજબૂર બનશે, જેના પરિણામે 'ડિમાન્ડ ડિસ્ટ્રક્શન' (માંગમાં ઘટાડો) વ્યાપક સ્તરે ફેલાઈ શકે છે.

IEAના અંદાજ મુજબ આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ હોર્મુઝ સ્ટ્રેટના રસ્તે તેલના શિપમેન્ટમાં આવેલો અવરોધ છે. ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના હુમલા બાદ તહેરાને આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગને અસરકારક રીતે બંધ કરી દીધો છે. એજન્સીએ અનુમાન લગાવ્યું છે કે આ અવરોધને કારણે બીજા ક્વાર્ટરમાં તેલની માંગમાં પ્રતિદિન 1.5 મિલિયન બેરલનો ઘટાડો આવી શકે છે. આંકડાકીય રીતે જોઈએ તો માર્ચમાં 8,00,000 bpd અને એપ્રિલમાં તે વધીને 2.3 મિલિયન bpd સુધી પહોંચવાની સંભાવના છે.

રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે જો આ દરિયાઈ માર્ગ લાંબા સમય સુધી બંધ રહેશે, તો તેલની માંગમાં વધુ ગંભીર ઘટાડો જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં વિશ્વભરના ઉર્જા બજારો અને અર્થતંત્રોએ આગામી મહિનાઓમાં મોટા વિક્ષેપો માટે તૈયાર રહેવું પડશે. એજન્સીએ એ પણ નોંધ્યું છે કે મધ્ય-પૂર્વમાં સર્જાયેલી આ અસ્થિરતા અને પુરવઠાના અવરોધોનો સૌથી મોટો આર્થિક ફાયદો રશિયાને મળી રહ્યો છે.

માર્ચ મહિનામાં રશિયાએ તેલની નિકાસ દ્વારા થતી પોતાની આવકમાં લગભગ બમણો વધારો કર્યો છે. અમેરિકાએ ઉર્જાની વધતી કિંમતોની અસરોને કાબૂમાં લેવા માટે રશિયન કાચા તેલ પરના પ્રતિબંધોમાં રાહત આપી છે, જેના કારણે રશિયાએ ગયા મહિને 19 અબજ ડોલરની કમાણી કરી હતી. રશિયાનું ક્રૂડ તેલ અને અન્ય તેલ ઉત્પાદનોની નિકાસ ફેબ્રુઆરીના 3,20,000 બેરલ પ્રતિદિનથી વધીને માર્ચમાં 7.1 મિલિયન બેરલ પ્રતિદિન સુધી પહોંચી ગઈ છે.