Fri May 01 2026

Logo

પાકિસ્તાન પછી શ્રીલંકામાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકોઃ સીધો 25 ટકાનો વધારો ઝીંકાયો...

tehran   2026-03-22 21:36:39
Author: Mumbai Samachar Team
Article Image

કોલંબો/તહેરાનઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી ઈરાન-ઈઝરાયલ વચ્ચેની લડાઈને કારણે સમગ્ર એશિયા પર ક્રૂડ ઓઈલનું સંક્ટ હવે ચિંતાજનક રીતે વધી રહ્યું છે. એશિયાના વધુ એક દેશે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સીધો 25 ટકાનો વધારો ઝીંકી દીધો છે. ત્યાંની સરકાર પ્રજાને પેટ્રોલ-ડીઝલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની સલાહ આપી રહી છે. ઈરાન-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થયો છે. ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળ્યા બાદ ગેસની કટોકટી પણ વણસી રહી છે. 

લંકામાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા
શ્રીલંકામાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં સીધો 25 ટકાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. શ્રીલંકાના કેબિનેટ પ્રવક્તામંત્રી નલિંદા જયતિસ્સાએ જણાવ્યું હતું કે, હાલના ભાવ પર ફ્યુલના વેચાણથી સરકારને દર મહિને 20 અબજ રૂપિયાની ખોટ વેઠવી પડી રહી છે. સરકાર એક લિટર ડીઝલ પર 100 રૂપિયા અને પેટ્રોલ પર 20 રૂપિયાનું નુકસાન વેઠી રહી છે. સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશને લંકા ઓટો ડીઝલની કિંમતમાં 79 રૂપિયાનો વધારો કર્યો છે. તેથી આ ડીઝલનો નવો ભાવ 382 રૂપિયા સુધી પહોંચ્યો છે. 

સુપર ડીઝલની કિંમત પણ વધી
સુપર ડીઝલની કિંમતમાં પણ વધારો થયો છે. 90 રૂપિયાના વધારા સાથે નવો ભાવ 443 રૂપિયા સુધી પહોંચ્યો હતો. જ્યારે ઓક્ટેન 95 પેટ્રોલમાં 90 રૂપિયાનો વધારો થતા નવો ભાવ 455 રૂપિયા સુધી પહોંચ્યો છે. જ્યારે ઓક્ટેન 92 પેટ્રોલમાં 81 રૂપિયાનો ભાવ વધારો થતા નવો ભાવ 398 રૂપિયા સુધી પહોંચ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં શ્રીલંકામાં બીજીવાર પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો થયો છે. બે વાર કિંમતમાં વધારો થયા બાદ ફયુલના ભાવ 2022ના આર્થિક સંકટના સ્તર સુધી પહોંચી જશે. શ્રીલંકાની સરકારે પ્રજાને પેટ્રોલ-ડીઝલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની અપીલ કરી છે. 

ક્રૂડ ઓઈલમાં ભાવ વધારો
આ ભાવ વધારો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે મિડલ ઈસ્ટમાં પણ ક્રૂડ ઓઈલના ભાવ વધારાની અસર થઈ છે. એક અઠવાડિયામાં બીજીવાર ભાવ વધારો થતા પ્રત્યેક વાહન પર મર્યાદિત ફ્યુલ અંગે તથા વેચાણ અંગે શ્રીલંકા સરકાર વિચારણા કરી રહી છે. હવે આ ફ્યુલને લઈને બીજો વિકલ્પ શોધવામાં નહીં આવે તો શ્રીલંકાની સરકાર પર વધારાનો 1.5 અબજ ડૉલરનો ખર્ચો ખોટ કરતા વધારે વધી શકે એમ છે.