Sat Aug 15 2026

Logo

ગીતા મહિમાઃ મનની માન્યતાઓ છોડ, અર્જુન!

2026-08-03 10:05:00
Author: Sarangpreet
Article Image

સારંગપ્રીત

ગત અંકમાં મોહનું પ્રેરક બળ છોડવાની પ્રેરણા આપીને હવે ભગવાન કૃષ્ણ મનની માન્યતાઓ છોડીને ભગવાનની શરણાગતિનું માહાત્મ્ય સમજાવે છે.

મન એક અદ્ભુત સર્જક છે. તે ક્ષણોમાં જ વિચારોના મહેલો બાંધી દે છે અને ક્ષણોમાં જ ધ્વસ્ત કરી દે છે. ઘણી વાર આપણે મનમાં કોઈ કલ્પના ઊભી કરીએ છીએ, કોઈ માન્યતા બનાવી લઈએ છીએ, અને પછી તેને સત્ય માનીને જીવી લઈએ છીએ,પરંતુ જીવનનો અનુભવ વારંવાર એક જ પાઠ શીખવે છે, મનની માન્યતાઓ અને મનના તુક્કાઓ સર્વત્ર સત્ય નથી. તે હજી કલ્પનાઓ છે.

લૌકિક જીવનમાં જ જોઈએ તો માત્ર મનમાં વિચારી લીધાથી કોઈ કાર્ય પૂર્ણ થતું નથી. વિદ્યાર્થી માત્ર કલ્પના કરે કે હું વિદ્વાન બની ગયો છું, તો તે વિદ્વાન બની જાય નહીં. ખેડૂત મનમાં વિચારે કે પાક તૈયાર થઈ ગયો, તો ખેતરમાં અનાજ ઊગી ન આવે. વેપારી મનમાં નક્કી કરી લે કે ધંધો વધી ગયો, તો વેપાર આપોઆપ ફળતો નથી. લૌકિક જગતમાં પરિણામ માટે વાસ્તવિક પરિશ્રમ, યોગ્ય માર્ગદર્શન અને ધીરજ જરૂરી છે.

પરંતુ મનની એક બીજી ચતુરતા છે, તે આપણને ભ્રમમાં રાખે છે. એનાથી માણસ ઘણીવાર પોતાની સાચી આંતર ચેતનાને ઢાંકીને પોતાની અસત્ય માન્યતાઓને જ સત્ય ગણે છે કે તેને લાગે કે મને બધું સમજાઈ ગયું છે, તેને લાગે કે હું સાચા માર્ગે જ છું. હકીકતમાં તે મનના તુક્કા હોય છે. જીવનની ધરતી પર જ્યારે સાચી પરિસ્થિતિઓ આવે છે, ત્યારે આ માન્યતાઓ તૂટી પડે છે.

અધ્યાત્મનો માર્ગ તો વધારે સૂક્ષ્મ અને ગંભીર છે. અહીં મનની કલ્પનાઓથી ચાલતું નથી. અહીં તો અનુભવ, શાસ્ત્ર અને સત્પુરુષના માર્ગદર્શનની જરૂર પડે છે. મન કહે કે હું પહોંચી ગયો, પરંતુ આત્મજ્ઞાનનો માર્ગ મનની ઘોષણાથી પૂર્ણ થતો નથી. મન કહે કે મને ભગવાનનું સ્વરૂપ સમજાઈ ગયું છે, પરંતુ ભગવાનનો અનુભવ તો વિનમ્રતા, સાધના અને કૃપાથી જ થાય છે.

માણસ મનને જે ગમે તે ગોઠવી લે છે. ક્યારેક તે આળસને આધ્યાત્મિક શાંતિનું નામ આપે છે, તો ક્યારેક અહંકારને આત્મસન્માન કહી દે છે. મન પોતાની જ રચનાઓમાં એટલું મગ્ન થઈ જાય છે કે સાચો માર્ગ દેખાતો નથી.

આ કારણે જ સંતો અને શાસ્ત્રો વારંવાર ચેતવણી આપે છે કે મનની બનાવેલી માન્યતાઓને અંતિમ સત્ય ન માનો. સત્યનો માર્ગ મનગમતો નહીં, પરંતુ સત્યગમતો હોય છે. તે માર્ગ પર ચાલવા માટે પોતાના મનને પણ પ્રશ્ન કરવો પડે છે. હા, જ્યારે માણસ પોતાની માન્યતાઓને એક બાજુ મૂકી અને સત્યને સ્વીકારવા તૈયાર થાય છે, ત્યારે જ અધ્યાત્મનાં દ્વાર ખૂલે છે. ત્યાંથી આગળનો પથ મનનો તુક્કો નહીં, પરંતુ અનુભવનો પ્રકાશ માર્ગ બતાવે છે.

પ્રમુખ સ્વામી મહારાજ સમજાવતાં કે મન વિચારોનું ઘર છે. ભગવાનના સ્વરૂપ સુધી પહોંચવા માટે મનની ગલીઓમાંથી બહાર નીકળવું પડે. કારણ કે જે મનની માન્યતાઓ લૌકિક જીવનમાં પણ સફળ થતી નથી, તે અધ્યાત્મના દિવ્ય માર્ગમાં કેવી રીતે સફળ થઈ શકે?

સાચો માર્ગ એ છે, જે મનના તુક્કા નહીં, પરંતુ અંતિમ સત્ય હોય અને આ સત્ય એક પરમાત્માની સાચી શરણાગતિથી જ પ્રાપ્ત થાય છે. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે બધાં મનના આધાર અને માન્યતાઓ છોડીને મારા એકના આશ્રયમાં આવ; હું તને તમામ પાપોથી મુક્ત કરી દઈશ.

આ વચનમાં એક વિશેષ શબ્દ છે ‘મામેકં’. તેનો અર્થ છે માત્ર એક ભગવાન. જ્યારે ભક્તનો આશરો એક જ પરમાત્મા પર સ્થિર થઈ જાય છે, ત્યારે મનમાં દ્વંદ્વ રહેતું નથી. ભક્તિમાં સ્થિરતા આવે છે, અને જીવનમાં દિશા સ્પષ્ટ થાય છે.

શરણાગતિનો અર્થ માત્ર મૌખિક રીતે ‘હું ભગવાનનો છું’ એવું કહેવું નથી. તેનો સાચો અર્થ છે હૃદયથી સ્વીકારવું કે મારા જીવનનો આશરો, રક્ષણ અને માર્ગદર્શન માત્ર ભગવાન જ છે. જ્યારે મનુષ્ય ભગવાનને પોતાના માનીને તેમના આશ્રયમાં રહે છે, ત્યારે તેની અંદર એક આંતરિક પરિવર્તન શરૂ થાય છે. મન ધીમે ધીમે પાપ તરફ જતું અટકે છે અને સદાચાર તરફ વળે છે.

મહંત સ્વામી મહારાજ  જણાવે છે કે જે જીવ ભગવાનને સર્વોપરી માનીને તેમની શરણાગતિ સ્વીકારે છે અને તેમના આજ્ઞા-ઉપદેશ મુજબ જીવન જીવે છે, તે ધીમે ધીમે માયાના બંધનોથી પર થાય છે. આવી શરણાગતિ જીવને અંતે અક્ષરધામ સુધી પહોંચાડે છે.