ગાંધીનગર: ગુજરાતમાં શ્રાવણ માસની શરૂઆતની સાથોસાથ જ જુગાર રમવામાં પામ બનાવો સતત પોલીસ ચોપડે નોંધાતા રહે છે. ત્યારે ગાંધીનગર નજીકના રણાસણ ગામ પાસે હાઈવે પર આવેલી એક લેબર કોલોનીમાં ધમધમતા હાઈપ્રોફાઈલ જુગારધામ પર ડભોડા પોલીસે મેગા ઓપરેશન પાર પાડીને મોટી કાર્યવાહી કરી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે નેશનલ હાઈવે 48 પાસેના સર્વે નંબર 147માં આવેલી આ કોલોનીના પ્રથમ માળે દરોડો પાડવામાં આવ્યો હતો. આ રેડ દરમિયાન પોલીસે લાખો રૂપિયાની હારજીતનો ખેલ ખેલી રહેલા 11 જેટલા નામી જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસની અચાનક એન્ટ્રી થતાં જ જુગારીઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી, પરંતુ પરિસરને ચારેતરફથી પહેલેથી જ ઘેરી લેવામાં આવ્યું હોવાથી એકપણ આરોપી ભાગી શક્યો ન હતો.
આ આલિશાન જુગારધામનો માસ્ટરમાઇન્ડ અમદાવાદના નાના ચિલોડાનો રહેવાસી રાકેશ ભરવાડ હોવાનું સામે આવ્યું છે. પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે તેણે એક સામાન્ય મજૂરોની કોલોનીમાં ખાસ મોટો રૂમ ભાડે રાખીને તૈયાર કરાવ્યો હતો, જેમાં ડબલ બેડ, સોફા અને પંખા જેવી તમામ લક્ઝુરિયસ સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી. અહીં અમદાવાદ અને ગાંધીનગરના મોટા બિલ્ડરો તેમજ જમીન દલાલો છૂપી રીતે જુગાર રમવા આવતા હતા. રેડ સમયે રૂમનો દરવાજો ખુદ મુખ્ય સંચાલક રાકેશે જ ખોલ્યો હતો અને અંદરનું દૃશ્ય જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી, જ્યાં તમામ આરોપીઓ સોફા અને બેડ પર કુંડાળું વળીને પત્તા ટીપી રહ્યા હતા.
પોલીસે પકડાયેલા તમામ 11 આરોપીઓની સઘન પૂછપરછ અને અંગજડતી લેતા મોટા પાયે મુદ્દામાલ રિકવર કર્યો છે. ઘટનાસ્થળેથી દાવ પર લગાવેલી અને આરોપીઓ પાસેથી મળીને કુલ રૂ. 6.69 લાખની રોકડ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત જુગારીઓના રૂ. 5.42 લાખની કિંમતના 11 મોંઘાદાટ મોબાઈલ ફોન અને રૂ. 92 લાખની કિંમતની ૫ લક્ઝુરિયસ કાર સહિત કુલ રૂ. 1.04 કરોડથી પણ વધુનો માલસામાન કબજે લેવાયો છે. પકડાયેલા મોટાભાગના આરોપીઓ અમદાવાદના વસ્ત્રાલ, સૈજપુર બોઘા, જશોદાનગર અને નાના ચિલોડા તેમજ ગાંધીનગરના આસપાસના વિસ્તારોના રહેવાસી હોવાનું ખુલવા પામ્યું છે.