Thu Sep 17 2026

Logo

મહારાષ્ટ્રમાં કાળજું કંપાવનારી ઘટનાઃ આશ્રમશાળાની હોસ્ટેલમાં સાપ ઘૂસતાં ત્રણ આદિવાસી બાળકીઓના કરૂણ મૃત્યુ

2026-08-10 14:47:00
Author: Darshana Visaria
મહારાષ્ટ્રમાં કાળજું કંપાવનારી ઘટનાઃ આશ્રમશાળાની હોસ્ટેલમાં સાપ ઘૂસતાં ત્રણ આદિવાસી બાળકીઓના કરૂણ મૃત્યુ

મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાના ધાનોરા તાલુકા હેઠળ આવેલા જપતલાઈ આશ્રમશાળાના હોસ્ટેલમાંથી એક અત્યંત દર્દનાક અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. રવિવારે મોડી રાત્રે આશ્રમશાળાના હોસ્ટેલના રૂમમાં ઝેરી સાપ ઘૂસી આવ્યો હતો. જમીન પર સૂતેલી આદિવાસી વિદ્યાર્થિનીઓને સાપે ડંખ મારતાં ત્રણ બાળકીઓના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય વિદ્યાર્થિનીઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ભયાનક અકસ્માત બાદ આશ્રમશાળા સહિત સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, 10મી ઓગસ્ટના મોડી રાતે આશરે બે વાગ્યાના સુમારે હોસ્ટેલના એક જ રૂમમાં લગભગ 79 જેટલી વિદ્યાર્થિનીઓ સૂતી હતી. આ દરમિયાન અચાનક એક ઝેરી સાપ રૂમમાં ઘૂસી ગયો હતો અને કેટલીક વિદ્યાર્થિનીઓને ડંખ માર્યો હતો. ઘટનાની જાણ થતાં જ હોસ્ટેલમાં અફરાતફરી મચી ગઈ હતી.

સર્પદંશથી પ્રભાવિત વિદ્યાર્થિનીઓને તાત્કાલિક ધાનોરાના સ્વાસ્થ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન બે બાળકીઓએ દમ તોડી દીધો હતો. જ્યારે એક ગંભીર વિદ્યાર્થિનીને ગઢચિરોલી જિલ્લા હોસ્પિટલ મોકલવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું પણ મોત થયું હતું. દીપિકા બિટકુસાય મડાવી નામની અન્ય એક ગંભીર વિદ્યાર્થિની સહિત અન્ય બાળકીઓ હાલ હોસ્પિટલમાં તબીબી દેખરેખ હેઠળ છે.

સુવિધાઓ અને સુરક્ષા વ્યવસ્થા પર ઊઠ્યા ગંભીર સવાલો
આ દર્દનાક હોનારત બાદ આશ્રમશાળાના તંત્ર અને સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. 79 વિદ્યાર્થિનીઓ માટે પૂરતા બેડની વ્યવસ્થા નહોતી અને તેમને જમીન પર ગાદલાં પાથરીને સુવડાવવામાં આવતી હતી. એક જ ગાદલા પર બબ્બે બાળકીઓ સૂવા માટે મજબૂર હતી. હોસ્ટેલના કમ્પાઉન્ડ અને રૂમમાં ઝેરી જીવજંતુઓ કે સાપ ન ઘૂસે તે માટે પૂરતા ઈંતજામ કેમ નહોતા એવા સવાલો પણ ઉપસ્થિત કરાઈ રહ્યા છે. 

જપતલાઈની આ અનુદાનિત આશ્રમશાળાની સુરક્ષા અને મૂળભૂત સુવિધાઓ અંગે હવે કડક તપાસની માંગણી ઉઠી રહી છે. તંત્ર દ્વારા જો આ મામલે કોઈ બેદરકારી સામે આવશે તો જવાબદાર અધિકારીઓ કે સંસ્થા સામે કડક કાર્યવાહી થઈ શકે છે.