નવી દિલ્હીઃ ગત નાણાકીય વર્ષ 2026માં સરકારે ડિસઈન્વેસ્ટમેન્ટ અને એસેટ મોનેટાઈઝેશન મારફતે સુધારિત અંદાજ કરતાં વધુ રૂ. 45,306 કરોડ એકત્રિત કર્યા હોવાનું રાજ્યકક્ષાના નાણાં પ્રધાન પંકજ ચૌધરીએ તાજેતરમાં જણાવ્યું હતું.
નોંધનીય બાબત એ છે કે સરકારે ગત નાણાકીય વર્ષ 2025-26 માટે પીએસયુ ડિસઈન્વેસ્ટમેન્ટ અને પબ્લિક એસેટ મોનેટાઈઝેશન સહિતની મિસેનિલિયસ કેપિટલ રિસિપ્ટ અથવા તો પરચૂરણ મૂડીગત્ આવકનો સુધારિત અંદાજ રૂ. 33,837 કરોડનો મૂક્યો હતો.
લોકસભામાં એક પ્રશ્નનો ઉત્તર આપતા ચૌધરીએ જણાવ્યું હતું કે ગત નાણાકીય વર્ષ 2025-26માં ડિસઈન્વેસ્ટમેન્ટ મારફતે રૂ. 16,885.56 કરોડ અને એસેટ મોનેટાઈઝેશન મારફતે રૂ. 28,420.49 કરોડ સહિત કુલ રૂ. 45,306.05 કરોડ એકત્રિત કર્યા હતા.
જોકે, વર્તમાન નાણાકીય વર્ષ 2027 માટે મિસેલિનિયસ કેપિટલ રિસિપ્ટ અથવા તો મૂડીગત્ આવકો માટે સરકારે રૂ. 80,000નો અંદાજ મૂક્યો છે. તેની સામે અત્યાર સુધીમાં રૂ.59,083 કરોડ એકત્રિત કરવામાં આવ્યા છે, જેમાં એસેટ મોનેટાઈઝેશન મારફતે રૂ. 6367 કરોડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સેન્ટ્રલ બૅન્ક ઑફ ઈન્ડિયા, કૉલ ઈન્ડિયા લિ., એલઆઈસી, એનએચપીસી, એનએલસી ઈન્ડિયા, જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા, ઈન્ડિયન રેલવે ફાઈનાન્સ કોર્પોરેશન લિ. અને કોચીન શિપયાર્ડમાં રહેલા સરકારી હિસ્સાનાં ઓફર ફોર સેલ ઉપરાંત ઈન્ડિયન મેડિસિન્સ ફાર્માસ્યુટિકલ્સ કોર્પોરેશન લિ.ના વ્યૂહાત્મક ડિસઈન્વેસ્ટમેન્ટ મારફતે વેચાણ થકી રૂ. 52,716 કરોડ એકત્રિત કરવામાં આવ્યા છે.
નોંધનીય બાબત એ છે કે આ પૂર્વે વર્ષ 2025-26માં ડિસઈન્વેસ્ટમેન્ટ થકી આવક રૂ. 16,886 કરોડની રહી હતી, જ્યારે વર્ષ 2024-25માં રૂ. 10,163 કરોડની રહી હતી. તે પૂર્વે નાણાકીય વર્ષ 2024, 2023 અને 2022માં અનુક્રમે આવક રૂ. 16,507 કરોડ, રૂ. 35,294 કરોડ અને રૂ. 13,534 કરોડની આવક થઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું.