Mon Jul 27 2026

Logo

કુનો નેશનલ પાર્કથી માઠા સમાચાર: ચિત્તાના ચાર બચ્ચાના મોત

2026-05-13 11:20:00
Author: Savan Zalariya
Article Image

ભોપાલ: મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં સ્થિત કુનો નેશનલ પાર્કમાંથી એક દુખદ સમાચાર મળી રહ્યા છે.  મંગળવારે સવારે ચિત્તાના ચાર બચ્ચા મૃત હાલતમાં મળી આવ્યા હતા અને તેમના મૃતદેહો આંશિક રીતે કોહવાઈ ગયા હતાં, આ બચ્ચાનો જન્મ એક મહિના પહેલા જ થયો હતો. 

અધિકારીએ જણાવ્યું કે 11 એપ્રિલના રોજ માદા ચિત્તા KGP12એ જન્મ આપેલા ચાર બચ્ચા શ્યોપુર પ્રાદેશિક વિભાગમાં ડેન સાઇટ નજીક મૃત હાલતમાં મળી આવ્યા હતા, તેમના મૃતદેહો આંશિક રીતે કોહવાઈ ગયા હતાં. અધિકારીએ જણાવ્યું કે, ચિત્તાના બચ્ચાઓ છેલ્લે 11 મેની સાંજે જીવિત જોવા મળ્યા હતાં.  
મૃત્યુ કેવી રીતે થયું?

અધિકારીએ જણાવ્યું હતું કે,  કોઈ પ્રાણી દ્વારા કરવામાં આવેલા હુમલાને કારણે આ બચ્ચાઓના મૃત્યુ થયા હોય એવું લાગી રહ્યું છે. બચ્ચાની માતા સલામત અને સ્વસ્થ છે. બચ્ચાના મૃતદેહોના પોસ્ટમોર્ટમ અને વિગતવાર તપાસ બાદ વધુ વિગતો જાણી શકાશે.
 
આ ચાર બચ્ચાના મોત બાદ હવે ભારતમાં હવે 53 ચિત્તા જીવિત બચ્યા છે. કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં 50 ચિત્તા છે, જ્યારે ત્રણ ચિત્તા મધ્ય પ્રદેશના ગાંધી સાગર અભયારણ્યમાં છે. 53 માંથી 33 ચિત્તા ભારતમાં જન્મેલા છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ જીવિત તમામ ચિત્તા સ્વસ્થ છે.

આ વર્ષે ફેબ્રુઆરીમાં બોત્સ્વાનાથી છ માદા અને ત્રણ નર સહીત કુલ નવ ચિત્તા કુનો નેશનલ પાર્કમાં  લાવવામાં આવ્યા હતા. અગાઉ, 17 સપ્ટેમ્બર, 2022 ના રોજ નામિબિયાથી આઠ ચિત્તા ભારતમાં લાવવામાં આવ્યા હતા, જ્યારે વર્ષ 2023 માં દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તા કુનો નેશનલ પાર્કમ આવ્યા હતા.