Sun Jul 26 2026

Logo

જીવલેણ હુમલામાં બચ્યા પછી ફારુક અબ્દુલ્લાએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?

2026-03-12 19:42:35
Author: Mumbai Samachar Team
Article Image

જમ્મુઃ જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબ્દુલ્લાએ બુધવારે રાત્રે એક લગ્ન સમારોહ દરમિયાન થયેલા હત્યાના પ્રયાસમાંથી ઉગરવાની ઘટનાને યાદ કરતાં કહ્યું કે ભગવાનએ મને બચાવ્યો તેમ જ તેમણે કાર્યક્રમના સ્થળ પર કથિત રીતે પૂરતી પોલીસની સુરક્ષા નહીં હોવા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.

હુમલાખોરની ઓળખ કમલ સિંહ જમવાલ તરીકે થઇ છે. તેના પર આરોપ છે કે તેણે શહેરની બહારના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન શાસક નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ અબ્દુલ્લાને નિશાન બનાવ્યા હતા. અબ્દુલ્લાએ જણાવ્યું કે હું ઠીક છું અને ભગવાને મને બચાવ્યો છે.

તેમણે એ ભયાનક ક્ષણને યાદ કરતાં કહ્યું કે હુમલાખોર ઠીક તેની પાછળ સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો. તેમના મતે સુરક્ષા કર્મચારીઓ અને ત્યાં હાજર અન્ય લોકોના હસ્તક્ષેપને કારણે બીજી ગોળી અટકાવી શકાય હતી. ૮૮ વર્ષીય પીઢ નેતાએ કહ્યું કે તેઓ તેમના પર હુમલો કરનાર વ્યક્તિને ઓળખતા નથી.

તેમના ભટિંડી સ્થિત નિવાસસ્થાને પત્રકારો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે હું તે માણસને ઓળખતો નથી, જ્યાં સુધી તેના ઉદ્દેશ્યની વાત છે, હું તે કેવી રીતે જાણી શકું? ૬૩ વર્ષીય જમવાલ પુરાની મંડીનો રહેવાસી છે. 
બુધવારે રાત્રે પોલીસ સ્ટેશનમાં થયેલી પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે તપાસ અધિકારીઓને જણાવ્યું કે તે છેલ્લા ૨૦ વર્ષથી અબ્દુલ્લાની હત્યા કરવાની વેતરણમાં હતો.

અબ્દુલ્લાએ ગહન તપાસની માંગ કરતાં કહ્યું કે અધિકારીઓએ એની ભાળ મેળવવી જોઇએ કે ખરેખર શું થયું હતું અને શા માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી નહોતી. અબ્દુલ્લાએ કહ્યું કે ઘટના બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તેમને ફોન કર્યો હતો. તેમજ આ મામલાની સંપૂર્ણ તપાસ કરવાની ખાતરી આપી હતી.