(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરી પૂર્વમાં વેપારીની ઑફિસમાં ઇન્કમ ટેક્સ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીના સ્વાંગમાં રેઇડ પાડીને એક કરોડ રૂપિયાની ખડણી માગવાના કેસમાં પોલીસે ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર અને ટેક્સ આસિસ્ટન્ટ સહિત વધુ ચાર જણની ધરપકડ કરી હતી.
આરોપીઓની ઓળખ સુરેશ મહાવીરપ્રસાદ મિશ્રા (57), સુનીલ મનોહર ગોરે (59), જિતુ ઉર્ફે જિતેન્દ્ર નામદેવ મોરે (52) અને અશોક વિઠોબા શિંદે (57) તરીકે થઇ હતી. સુરેશ મિશ્રા ઇન્કમ ટેક્સ વિભાગમાં ઇન્સ્પેક્ટર તરીકે, જ્યારે સુનીલ મોરે ટેક્સ આસિસ્ટન્ટ તરીકે કાર્યરત હતો અને તેઓ વેપારીની ઓફિસમાં અન્ય આરોપીઓ સાથે નકલી રેઇડમાં સામેલ હતા.
આ કેસમાં અગાઉ પોલીસે સંતોષ ઉદય ખોપટકર, વિનય રમેશ મોરે, પ્રેમ કિસન સબનાની, પ્રજ્ઞા હરીશ માઇન, રેશમા શામરાવ વારંગ અને સબીના શેખની ધરપકડ કરી હતી. સંતોષ ખોપટકર અગાઉ ફરિયાદી વેપારી રાજકુમાર ક્ધડાસમીને ત્યાં ડ્રાઇવર તરીકે કામ કરતો હતો.
જોકે ફરિયાદી સાથે તેનો વિવાદ થયો હતો, જેને પગલે વેપારીએ છ મહિનાનો પગાર ન આપતાં સંતોષને નોકરી પરથી કાઢી મૂક્યો હતો. આને કારણે સંતોષના મનમાં વેપારી પ્રત્યે ગુસ્સો હતો. તેને વેપારીના વ્યવસાય વિશે માહિતી હોવાથી તેણે પોતાના પરિચિતો સાથે મળીને કાવતરું ઘડ્યું હતું અને ત્યાર બાદ વેપારીની ઓફિસમાં નકલી રેઇડ પાડી હતી.
નોંધનીય છે કે સાકીનાકા વિસ્તારમાં રહેતો અને અંધેરી પૂર્વના ચકાલા ખાતે ઓફિસ ધરાવતો વેપારી 17 જુલાઇ, 2026ની સાંજે ઓફિસેથી ઘરે આવ્યા બાદ તેને તેના કર્મચારીએ કૉલ કરીને જણાવ્યું હતું કે ઓફિસમાં ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓએ રેઇડ પાડી છે. તેમણે ઓફિસના તમામ કર્મચારીઓનો મોબાઇલ આંચકી લીધા છે તથા સીસીટીવી કેમેરા પણ બંધ કરાવી દીધા છે.
વેપારી તેની પત્ની સાથે ઓફિસે આવવા નીકળ્યો ત્યારે બે શખસે કારમાં તેમનું અપહરણ કર્યું હતું અને તેમને ઓફિસમાં લઇ જવાયાં હતાં. ઓફિસમાં ત્રણ મહિલા સહિત નવ જણ હાજર હતા અને તેમણે દસ્તાવેજો ચકાસ્યા બાદ કાર્યવાહીથી બચવા માટે વેપારી પાસેથી એક કરોડ રૂપિયાની માગણી કરી હતી. બાદમાં તેઓ ત્યાંથી જતા રહ્યા હતા.