Tue Aug 25 2026

Logo

સાવધાન! ટ્રાફિક ચલાણનો મેસેજ ખાલી કરી શકે છે તમારું બેંક એકાઉન્ટ, PIBએ 'ફેક ઈ-ચલાણ' સ્કેમને લઈને આપી ચેતવણી

2026-05-09 15:20:44
Author: Darshana Visaria
સાવધાન! ટ્રાફિક ચલાણનો મેસેજ ખાલી કરી શકે છે તમારું બેંક એકાઉન્ટ, PIBએ 'ફેક ઈ-ચલાણ' સ્કેમને લઈને આપી ચેતવણી

સોશિયલ મીડિયા અને ટેક્નોલોજીના જમાનામાં ફ્રોડની રીત પણ બદલાઈ રહી છે. હાલમાં દેશમાં 'ફેક ઈ-ચલાણ' કૌભાંડ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે, જેને લઈને ભારત સરકારની એજન્સી પીઆઈબી (Press Information Bureau) એ ગંભીર ચેતવણી જાહેર આપી છે. જો તમને પણ મોબાઈલ પર ટ્રાફિક ચલાણનો મેસેજ આવે, તો સાવધાન થઈ જજો, કારણ કે તમારી એક ભૂલ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે. ચાલો આજે તમને આ સ્ટોરીમાં નવા ટ્રાફિક ઈ-ચલાણ કેમ્પ વિશે...

અત્યારે ચાલી રહેલાં નવા કૌભાંડમાં ઠગબાજો વાહન માલિકોને આબેહૂબ અસલી લાગે તેવો ટેક્સ્ટ મેસેજ મોકલે છે. તેમાં જણાવવામાં આવે છે કે તમે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને તમારે દંડ ભરવો પડશે. મેસેજમાં પેમેન્ટ કરવા માટે એક લિંક આપવામાં આવી હોય છે. જેવી તમે આ લિંક પર ક્લિક કરો છો, તે તમારી અંગત વિગતો અને બેંકિંગ ડેટા ચોરી લે છે અથવા તમારા ફોનમાં માલવેર (વાઈરસ) ઈન્સ્ટોલ કરી દે છે.

વાત કરીએ અસલી અને નકલી મેસેજ વચ્ચેનો તફાવત કેવી રીતે ઓળખવો એની તો સરકારી ઈ-ચલાણની લિંક હંમેશા [suspicious link removed]થી શરૂ થાય છે. જો લિંકમાં આનાથી અલગ કંઈ પણ હોય (જેમ કે .com, .net કે અન્ય કોઈ વિચિત્ર અક્ષરો), તો તે સો ટકા એકદમ બનાવટી લિંક છે અને તમારે એ લિંક પર ક્લિક કરવાથી બચવાનો છે. 

સરકાર દ્વારા મોકલવામાં આવેલા સાચા મેસેજમાં તમારા વાહનનો નંબર, એન્જિન નંબર અને ચેસિસ નંબરની વિગતો હોય છે, જ્યારે નકલી મેસેજમાં માત્ર ડરાવવા માટે દંડની રકમ અને લિંક પર ભાર મૂકવામાં આવે છે. સરકાર દ્વારા ક્યારેય પણ કોઈ વ્યક્તિગત બેંક એકાઉન્ટ કે અજાણ્યા પેમેન્ટ ગેટવે દ્વારા પૈસા માંગવામાં નથી આવતા. 

*બચવા માટે આટલું અવશ્ય કરોઃ*
કોઈ પણ અજાણી લિંક પર ક્યારેય ક્લિક ન કરો.
ચલાણની ખરાઈ કરવા માટે હંમેશા સત્તાવાર 'પરિવહન' (Parivahan) વેબસાઈટ અથવા મોબાઈલ એપનો જ ઉપયોગ કરો.
જો તમારી સાથે છેતરપિંડી થાય, તો તરત જ 1930 નંબર પર કોલ કરીને અથવા www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો.