ભરત ભારદ્વાજ
ટીવી સિરિયલ ‘કુમકુમ ભાગ્ય’થી જાણીતી બનેલી અભિનેત્રી સંચિતા ઉગલેના મોતે ફરી એક વાર મનોરંજન જગતમાં કાસ્ટિંગ કાઉચના દૂષણના મુદ્દાને ચર્ચામાં લાવી દીધો છે. સંચિતાના મોત માટે કેટલાક કાસ્ટિંગ એજન્ટ્સ જવાબદાર હોવાનો આક્ષેપ ખુદ સંચિતાના ભાઈએ કર્યો છે અને આંચલ ખુરાનાએ આ વાતને ટેકો આપ્યો છે. આકાશે તો છ વર્ષ પહેલાં થયેલા એક્ટર સુશાંતસિંહ રાજપૂતના મોત સાથે સંચિતાના મોતને સરખાવીને સંચિતાનો ભોગ પણ મનોરંજન જગતના માફિયાઓએ લઈ લીધો હોવાનો દાવો કરી નાખ્યો છે. આ દાવાઓ વચ્ચે વળી સંચિતાની મિત્ર એક્ટ્રેસ ઈન્દ્રાક્ષી કાનજીલાલે સંચિતાને તેનો સાથી કલાકાર ઉજજવલ શર્મા માનસિક ત્રાસ આપતો હોવાનો ધડાકો કરતાં આ ઘટનામાં નવો ટ્વિસ્ટ આવી ગયો છે.
સંચિતાના મોતે બહારથી ઝાકમઝોળભર્યા લાગતા મનોરંજન જગતની કડવી વાસ્તવિકતાને પણ ખુલ્લી કરી દીધી છે. મનોરંજન જગત સાથે સંકળાયેલી સેલિબ્રિટીઝની કમાણી અને સ્ટારડમની બીજાં લોકોને ઈર્ષા થાય છે પણ ડુંગરા દૂરથી જ રળિયામણા લાગે છે. સેલિબ્રિટિઝની જિંદગી પણ સામાન્ય લોકોની જેમ અત્યંત સંઘર્ષપૂર્ણ અને તણાવપૂર્ણ હોય છે અને તેમની લાગણીઓ પણ સામાન્ય લોકો જેવી જ હોય છે તેનો અહેસાસ ફરી એક વાર સંચિતાના મોતે કરાવ્યો છે.
સામાન્ય લોકોમાં જેમની માનસિક તાકાત વધારે હોય એ લોકો ઠેબાં ખાઈ ખાઈને પણ જિંદગીનું ગાડું ગબડાવ્યા કરે છે જ્યારે માનસિક રીતે નબળા લોકો જીવન ટૂંકાવીને પલાયનવાદ બતાવે છે. મનોરંજન જગતમાં પૈસા વધારે છે, નામના વધારે છે ને ચમક વધારે છે પણ નિયમ તો આ જ લાગુ પડે છે તેનો અહેસાસ સંચિતાના મોતે કરાવ્યો છે.
સંચિતાના મોતને પોલીસે સત્તાવાર રીતે આપઘાત ગણાવ્યો છે. પોલીસના કહેવા પ્રમાણે, સંચિતાએ 14 જૂનના રોજ નાલાસોપારા પૂર્વના અચોલે ગામમાં સાંઈ સંતોષી બિલ્ડિંગમાં પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. ઘરમાં કોઈ નહોતું ત્યારે સાંજે 7 થી 7:30 વાગ્યાની વચ્ચે સંચિતાએ બેડરૂમનો દરવાજો બંધ કરીને સાડીનો ફાંસો બનાવીને છતના પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસનું કહેવું છે.
ઘરનાં લોકો પાછાં આવ્યાં ત્યારે બેડરૂમ બંધ હતો તેથી બારણુ ખખડાવ્યું પણ બારણું ના ખૂલતાં પાડોશીઓની મદદથી દરવાજો તોડાવ્યો તો અંદર સંચિતા લટકતી હતી. સંચિતાને તરત વસઈ-વિરાર મ્યુનિસિપલ હોસ્પિટલમાં લઈ જવા પણ ત્યાં સુધીમાં તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. હૉસ્પિટલે પોલીસને જાણ કરતાં પોલીસે તરત જ ઘટનાસ્થળે જઈને તપાસ કરી પણ કશું શંકાસ્પદ ના લાગ્યું તેથી પોલીસ આ ઘટનાને આપઘાત જ માને છે.
Palghar | Aakash Ugale | Sanchita Ugale | अभिनेत्रीने उचललं टोकाचं पाऊल,भावाचा कोणावर संशय?#SanchitaUgle #TVActress #KumkumBhagya #WagleKiDuniya #DilwaliDulhaLeJayegi #MarathiNews #EntertainmentNews #TVIndustry #BollywoodNews #BreakingNews pic.twitter.com/gs3Cy5S2JL
— Mumbai Samachar Marathi (@mumbai_mar53692) June 16, 2026
પોલીસની વાત સાચી હોઈ શકે છે. સંચિતાએ સાચે જ આપઘાત કર્યો હોય એ શક્ય છે પણ મહત્ત્વની બાબત તેની પાછળનાં કારણો છે. પરિવારે આક્ષેપ કર્યા છે, મિત્રોએ આક્ષેપ કર્યા છે તેના કારણે પોલીસ એ દિશામાં તપાસ કરશે પણ કમ સે કમ અત્યારે તો આપઘાત પાછળ એક કોઈ ચોક્કસ કારણ જવાબદાર હોય એવું લાગતું નથી. આ સંજોગોમાં સંચિતાએ સતત સંઘર્ષ અને તણાવથી મુક્તિ મેળવવા માટે આપઘાત કરી લીધો હોવાની શક્યતા વધારે છે.
સંચિતા માત્ર 30 વર્ષની હતી અને કેટલીક સફળ સિરિયલોમાં કામ કરેલું. સંચિતાએ વિકી કૌશલની બ્લોકબસ્ટર મૂવી છાવામાં પણ તારાબાઈનો રોલ કર્યો હતો. તેના કારણે સંચિતાને સૌ બહુ સફળ અભિનેત્રી માને છે પણ વાસ્તવમાં સંચિતા બહુ સફળ નહોતી. સંચિતાની ઓળખ બની ગયેલી ‘કુમકુમ ભાગ્ય’ સિરિયલ છેક 2014માં આવેલી. તેના 12 વર્ષ પછી પણ સંચિતા સંઘર્ષ કરતી અભિનેત્રી જ હતી કેમ કે તેણે ફિલ્મોમાં કામ મેળવવા માટે આંટાફેરા કરવા જ પડતા હતા. આટલાં વરસોમાં તેની માંડ ચાર-પાંચ જાણીતી સિરિયલો આવી ને તેમાં પણ સંચિતા મુખ્ય ભૂમિકામાં તો હતી જ નહીં.
આકાશે કહ્યું તેમ સંચિતાને કાસ્ટિંગ કાઉચ એજન્ટ્સ પરેશાન કરતા હશે અને રોલના બદલામાં ગંદાં કામ કરવા કહેતા હશે પણ સંચિતા તેના માટે તૈયાર નહીં હોય તેથી બહુ કામ નહીં મળતું હોય. કામ ના મળતું હોય તેના તણાવને સંચિતા સહન કરી લેતી હશે કેમ કે મોટા ભાગનાં લોકો તેને પાર્ટ ઓપ જોબ ગણે છે પણ કોઈ તમારા ટેલેન્ટની કદર ના કરે ને તમને માત્ર સેક્સ ઓબ્જેક્ટ જ ગણે એ વાત દિલ પર વાગતી હોય છે. તેના કારણે પેદા થતી અપમાનની લાગણીને સહન કરવી અઘરી હોય છે. સંચિતાએ પણ સહન થાય ત્યાં સુધી કર્યું હશે ને પછી જિંદગીથી હારી ગઈ હોય એ શક્ય છે. સંચિતાની પહેલાં ઘણી અભિનેત્રીઓએ આ રીતે આપઘાત કરેલા જ છે એ જોતાં આ કારણ સાવ અધ્ધરતાલ નથી જ.
પોલીસ તપાસમાં શું બહાર આવશે એ ખબર નથી પણ સંચિતાના મોત પાછળનું સાચું કારણ ખબર પડે એવી શક્યતા ઓછી છે. તેનું કારણ એ કે, સંચિતાએ કોઈ સુસાઈડ નોટ લખી નથી કે પોતાના કોઈ મિત્ર કે પરિવારજનો સાથે પોતાના સંઘર્ષની વાત કદી કરી નથી. સંચિતા કાસ્ટિંગ કાઉચથી ત્રસ્ત હોય કે એજન્ટોના ત્રાસથી કંટાળી હોય તો પણ તેણે કદી પોતાની વ્યથા કદી કોઈને કહી નથી.
સંચિતાની મિત્રે એક્ટર ઉજજવલ શર્માનું નામ આપ્યું પણ એ સિવાય સંચિતાને કોણ પરેશાન કરતું હતું તેની કોઈ વિગતો બહાર આવી નથી. ઉજજવલ શર્મા પરેશાન કરતો હતો એ વાત પણ સંચિતાએ પોતે કદી કોઈને કરી નહોતી તેથી પોલીસ ઉજજવલ શર્માને લપેટમાં લે તો પણ તેને કશું કરી શકે તેમ નથી. સંચિતાને રોલના બદલામાં પથારી ગરમ કરવાની ઓફર કરનારા ને એ બહાને પરેશાન કરનારા બીજા બધા સામે પુરાવાની વાત છોડો પણ તેમનાં નામ સુધ્ધાં નથી એ જોતાં પોલીસે અંધારામાં જ અથડવાનું છે.
સંચિતાના ભાઈએ સંચિતાના આપઘાતને સુશાંતસિંહ રાજપૂતના મોત સાથે સરખાવીને આક્રોશ ઠાલવ્યો છે પણ તેમાં કશું નક્કર નથી. સુશાંતે 12 જૂન 2020ના રોજ આપઘાત કરેલો ને સંચિતાએ છ વર્ષ પછી 14 જૂન, 2026ના રોજ આપઘાત કરી લીધો. બંનેના મૃત્યુની તારીખ યોગાનુયોગ છે કે પછી સંચિતાએ જાણી જોઈને આ દિવસ પસંદ કર્યો એ ખબર નથી પણ બંને વચ્ચે બીજી કોઈ સામ્યતા નથી. સુશાંતના કેસમાં તો સુશાંતની સેક્રેટરી દિશા સાલિયાન પર ગેંગ રેપ થયેલો ને તેની વાત સુશાંત જાણી ગયો તેથી તેને પતાવી દેવાયો હોવાની થિયરી પણ વહેતી થયેલી. સંચિતાના કેસમાં તો એવી કોઈ થિયરી પણ નથી.
સંચિતાનું મોત આઘાતજનક છે ને એક બોધપાઠ પણ છે. સંચિતાની જેમ મનોરંજન જગતમાં નામ કમાવવા માગનારાએ બોધપાઠ લેવો જોઈએ કે, સંઘર્ષથી થાકી જતા હો તો અહીં તમારું કામ નથી.