Sun Apr 26 2026

Logo

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી: પાટણ અને આણંદમાં મતદાન વખતે હાર્ટ એટેકથી બે જણનાં મોત

2026-04-26 16:11:00
Author: Mumbai Samachar Team
Article Image

પાટણમાં વૃ્દ્ધાએ છેલ્લા શ્વાસે મતદાનની ફરજ નિભાવી, પેટલાદમાં ફરજ પરના કર્મચારી બન્યા ભોગ

પાટણ/આણંદઃ ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થઈ હતું. મતદાનના દિવસે આકરી ગરમીથી 9 વાગ્યા બાદ મતદાન મથકો પર પાંખી હાજરી મતદાતાઓની જોવા મળી હતી. બપોરના સમયે અમદાવાદના શહેરી વિસ્તારના કેન્દ્રોમાં મતદાતાઓની નહીવત કહી શકાય એટલી હાજરી હતી, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં મતદાન માટે સારો એવો ઉત્સાહ જોવા મળ્યો છે. આ માહોલ વચ્ચે પાટણમાંથી દુઃખદ સમાચાર મળી રહ્યા છે. મતદાન કરવા માટે આવેલા એક વૃદ્ધાનું હાર્ટ એટેકને કારણે અવસાન થયું છે, જ્યારે પેટલાદમાં સાંસેજ ગામમાં ચૂંટણીની ફરજ નિભાવતી વખતે એક કર્મચારીનું મૃત્યુ થયું હતું.

હાર્ટ એટેકથી મૃત્યુ
પાટણમાં બી. એમ. સ્કૂલના મતદાન કેન્દ્ર પર વૃદ્ધાનું મૃત્યુ થયુ હોવાની ઘટના સામે આવી છે. કમળાબેન સોલંકી નામના વૃદ્ધાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. મતદાન કેન્દ્ર પર તેઓ ઢળી પડતા એમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. એ પછી એમને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તબીબોએ તપાસ કર્યા બાદ હાર્ટ એટેકથી એમનું મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. કમળાબેનની તબિયત છેલ્લા કેટલાક દિવસથી નાજુક હોવાનું જાણવા મળ્યું હતુ. મતદાનમથકે પહોંચ્યા ત્યારે વોટિંગ કરીને બહાર આવ્યા ત્યારે તેમની તબિયત લથડી હતી. છાતીમાં દુખાવા પછી અચાનક ઢળી પડ્યા હતા. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જોકે, એમને હાર્ટ એટેક આવ્યો હતો. આમ તેમણે જીવનના છેલ્લા શ્વાસે જવાબદાર નાગરિક તરીકેની ફરજ અદા કરી હતી. 

આણંદમાં પણ એક વ્યક્તિનું મોત
દરમિયાન આણંદના પેટલાદમાં એક સરકારી કર્મચારી પણ અચાનક ઢળી પડ્યા હતા.  પેટલાદ તાલુકામાં સાંસેજ ગામે આવેલા કેન્દ્ર પર એક કર્મચારીનું હાર્ટ એટેકથી નિધન થયું છે. ફરજ પર હતા ત્યારે એમને હાર્ટ એટેક આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ કર્મચારીની ઓળખ અમિતભાઈ સોલંકી તરીકે કરી છે, જેઓ ગ્રામ પંચાયતમાં પ્યુન તરીકે કામ કરતા હતા. કેન્દ્ર પર અચાનક ઢળી પડતા તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

અમદાવાદમાં કેટલું થયું મતદાન
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે, જેમાં આજના દિવસે હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું હતું. ગરમીના કારણે મતદાતાઓ મત આપવાનું ટાળી રહ્યા હતા. અમદાવાદમાં 2 વાગ્યા સુધીમાં 28 ટકા મતદાન થયું છે. અમદાવાદ સિવાય પણ વડોદરા અને સુરતમાં પણ બપોરના સમયે મતદાતાઓની પાંખી હાજરી જોવા મળી હતી, જે તે રાજકીય પક્ષો દ્વારા લાઉડ સ્પીકરના માધ્યમથી મતદાન કરવા જે તે વિસ્તાર અને સોસાયટીમાં અપીલ કરવામાં આવી રહી છે. 

આરોગ્ય વિભાગની ટીમ તૈયાર
હેલ્થ વિભાગ દ્વારા પર વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે, અમદાવાદ કોર્પોરેશનના મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું કે, શહેરમાં કમ્યુનિટી અને અર્બન હેલ્થ સેન્ટરમાં પૂરતો ઓઆરએસનો સ્ટોક કરી રાખવામાં આવ્યો છે. મેડિકલ વાન પણ તૈયાર રાખવામાં આવી છે. ગરમી વધારે રહેવાની આગાહીને ધ્યાને લઈ તબીબોને સ્ટેન્ડ ટુ રહેવાનો આદેશ આપવામાં આવ્યા છે. 
કમ્યુનિટી હેલ્થ સેન્ટર લાંબા સમય સુધી ખુલ્લા રહેશે, બુથ પર મેડિકલ કીટ આપવામાં આવી છે. 3500 જેટલી કીટ તૈયાર કરીને આપવામાં આવી છે. કમ્યુનિટી હેલ્થ સેન્ટર કે અર્બન હેલ્થ સેન્ટરમાં ટીમ તૈયાર રાખવામાં આવી છે. જે તે મતદાન કેન્દ્ર પર મેડિકલની તમામ પ્રાથમિક સારવાર માટેના સાધનો એક દિવસ અગાઉ જ ફાળવી દેવામાં આવ્યા હતા.