Sat Apr 18 2026

Logo

વિશ્વ બજાર પાછળ આયાતી તેલમાં વન વૅ તેજી મલયેશિયાએ એપ્રિલમાં પામતેલની નિકાસ માટેનાં રેફરન્સ રેટ વધાર્યા

2026-03-12 20:22:31
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ પશ્ચિમ એશિયામાં પ્રવર્તી રહેલા ભૂરાજકીય તણાવને કારણે શિપમેન્ટો ખોરવાઈ જતાં શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે 175 સેન્ટનો સુધારો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ તેમ જ આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં પણ 42 રિંગિટ વધી આવતા સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં પણ આયાતી તેલમાં વન વૅ તેજીનું વલણ જળવાઈ રહ્યું હતું, જેમાં 10 કિલોદીઠ આરબીડી પામોલિનમાં રૂ. 15 અને સન રિફાઈન્ડમાં રૂ. 20 વધી આવ્યા હતા, જ્યારે દેશી તેલમાં સિંગતેલ અને સરસવમાં રૂ. 10 તથા કપાસિયા રિફાઈન્ડમાં રૂ. 20 વધી આવ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી હાજર, ડાયરેક્ટ ડિલિવરી અને સેલરિસેલ ધોરણે કામકાજો છૂટાછવાયા રહ્યા હતા. 

પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે મલયેશિયાએ આગામી એપ્રિલ મહિનામાં ક્રૂડ પામતેલની નિકાસ માટેનાં રેફરન્સ રેટ જે માર્ચ મહિનાના ટનદીઠ 3896.09 રિંગિટ હતા તેની સામે નિકાસ ડ્યૂટીના નવ ટકાની સમકક્ષ વધારીને 3935.19 રિંગિટ નિર્ધારિત કર્યા હોવાનું મલયેશિયન પામ ઑઈલ બોર્ડે એક યાદીમાં જણાવ્યું છે. 

આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ એડબ્લ્યુએલના આરબીડી પામોલિનના રૂ. 1425, સોયા રિફાઈન્ડના રૂ. 1435 અને સન રિફાઈન્ડના રૂ. 1715, ઈમામીના સન રિફાઈન્ડના રૂ. 1665, ગોકુલ એગ્રોના આરબીડી પામોલિનના રૂ. 1440, ગોલ્ડન એગ્રીની આરબીડી પામોલિનના રૂ. 1445, પતંજલિ ફૂડ્સના આરબીડી પામોલિનના એપ્રિલ ડિલિવરી શરતે રૂ. 1420 અને સન રિફાઈન્ડના એપ્રિલ ડિલિવરી શરતે રૂ. 1695 અને રિલાયન્સ ક્નઝ્યુમરનાં એપ્રિલ તથા મે ડિલિવરી શરતે સોયા રિફાઈન્ડના રૂ. 1400 અને સન રિફાઈન્ડના રૂ. 1730 ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપાર પાંખાં હતા. 

આજે ગુજરાતના ગોંડલ મથકે મગફળીની 3000 ગૂણીની અને રાજકોટ મથકે 4000 ગૂણી મગફળીની આવક સામે મંડીમાં વેપાર અનુક્રમે મણદીઠ રૂ. 1300થી 1500માં અને રૂ. 1300થી 1490માં ટકેલા ધોરણે થયા હતા,  જ્યારે મધ્ય પ્રદેશનાં મથકો પર એક લાખ ગૂણી સોયાસીડની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. 5350થી 5550માં અને પ્લાન્ટ ડિલિવરી શરતે રૂ. 5600થી 5675માં થયા હતા. તેમ જ આજે ગુજરાતનાં મથકો પર દેશાવરોની માગને ટેકે સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર 15 કિલોદીઠ રૂ. 10 વધીને રૂ. 2680માં અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 25 વધીને રૂ. 1700માં થયાના અહેવાલ હતા. 
દરમિયાન આજે હાજરમાં દેશી-આયાતી ખાદ્યતેલના 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 1425 સોયા રિફાઈન્ડના રૂ. 1430, સન રિફાઈન્ડના રૂ. 1730, સિંગતેલના રૂ. 1730, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1420 અને સરસવના રૂ. 1430ના મથાળે રહ્યાના અહેવાલ હતા.