Sat Oct 03 2026

Logo

દુબઈથી સસ્તો આઇફોન લાવતા પહેલાં જાણી લો નિયમો! કેટલા ફોન પર નથી લાગતી કસ્ટમ ડ્યુટી?

2026-09-19 20:27:00
Author: Darshana Visaria
દુબઈથી સસ્તો આઇફોન લાવતા પહેલાં જાણી લો નિયમો! કેટલા ફોન પર નથી લાગતી કસ્ટમ ડ્યુટી?

એપલ (Apple)ના પ્રીમિયમ ફ્લેગશિપ સ્માર્ટફોન iPhone 18 Pro અને iPhone 18 Pro Maxનું વેચાણ ભારતમાં ઓફિશિયલ રીતે શરૂ થઈ ચૂક્યું છે. ભારતમાં iPhone 18 Proની પ્રારંભિક કિંમત રૂપિયા 1,64,900 અને iPhone 18 Pro Maxની કિંમત રૂપિયા 1,79,900 રાખવામાં આવી છે. તેની સરખામણીએ સંયુક્ત આરબ અમીરાતમાં આ બંને મોડલ અનુક્રમે આશરે રૂપિયા 1,32,000 અને રૂપિયા 1,42,400ની કિંમતે ઉપલબ્ધ છે. બંને દેશો વચ્ચેના આ મોટા ભાવ તફાવતને કારણે ભારતમાંથી અનેક લોકો દુબઈથી નવો આઇફોન ખરીદવાનું વિચારી રહ્યા છે. 

પરંતુ દુબઈથી નવો આઇફોન ખરીદીને ભારત લાવતી વખતે એરપોર્ટ પર કસ્ટમ્સ ડ્યુટી (Customs Duty) ક્યારે ભરવી પડે અને કાયદાકીય રીતે કેટલા ફોન સાથે લાવી શકાય, તે અંગે કસ્ટમ્સ વિભાગના 'બેગેજ રૂલ્સ 2026' (Baggage Rules 2026) હેઠળ નિયમો સ્પષ્ટ કરવામાં આવ્યા છે.

દુબઈ અને ભારત વચ્ચે કિંમતનો તફાવત અને સંભવિત બચત:

iPhone 18 Pro: ભારતમાં કિંમત રૂપિયા 1,64,900 છે, જ્યારે દુબઈમાં આશરે રૂપિયા 1,32,000માં મળે છે. એટલે કે સીધો આશરે રૂપિયા 32,900નો ફાયદો થાય છે. 
iPhone 18 Pro Max: ભારતમાં કિંમત રૂપિયા 1,79,900 છે, જ્યારે દુબઈમાં આશરે રૂપિયા 1,42,400માં ઉપલબ્ધ છે. એટલે કે સીધી આશરે રૂપિયા 37,500ની બચત થાય છે.

દુબઈથી કેટલા આઇફોન લાવી શકાય? પર્સનલ યુઝના નિયમો:

વ્યક્તિગત ઉપયોગ માટે મુક્તિ: જો કોઈ પ્રવાસી પોતાના અંગત ઉપયોગ માટે એક આઇફોન વાપરી રહ્યો છે અને તે ઓપન બોક્સ કે એક્ટિવેટેડ સ્થિતિમાં છે, તો તેને પ્રવાસીનો અંગત સામાન ગણવામાં આવે છે અને તેના પર સામાન્ય રીતે કોઈ કસ્ટમ્સ ડ્યુટી લાગતી નથી.

સીલપેક અને બહુવિધ બોક્સ પર નિયમ: જો તમે મિત્રો કે સંબંધીઓ માટે એક કરતાં વધુ સીલપેક આઈફોન ખરીદીને સાથે લાવી રહ્યા છો, તો કસ્ટમ્સ અધિકારીઓ તેને વ્યાપારી હેતુ ગણી શકે છે. બેગેજ રૂલ્સ, 2026 મુજબ વ્યાપારી હેતુ માટે લવાયેલા સામાનને પર્સનલ ઇફેક્ટ માનવામાં આવતો નથી અને તેના પર લાગુ પડતી કસ્ટમ્સ ડ્યુટી વસૂલવામાં આવે છે.

બેગેજ રૂલ્સ, 2026 હેઠળ ડ્યુટી-ફ્રી મર્યાદા:

કરમુક્ત મર્યાદામાં વધારો: 

બેગેજ રૂલ્સ 2026 મુજબ, હવાઈ કે દરિયાઈ માર્ગે ભારત આવતા ભારતીય નાગરિકો માટે ડ્યુટી-ફ્રી સામાન લાવવાની મર્યાદા અગાઉના રૂપિયા 50,000થી વધારીને રૂપિયા 75,000  કરવામાં આવી છે. આ સુવિધા શિશુઓ અને નાના બાળકો પર પણ લાગુ થાય છે.

આઇફોન પર કેમ લાગી શકે છે ડ્યુટી?: 

આ છૂટ ફક્ત રૂપિયા 75,000 સુધીના મૂલ્યના સામાન પર જ મળે છે. iPhone 18 Proની કિંમત આ મર્યાદા કરતાં ઘણી વધારે હોવાથી જો ફોન નવો અને સીલપેક હશે, તો તે ડ્યુટી-ફ્રી મર્યાદા વટાવી જશે અને તેના પર કસ્ટમ્સ નિયમો અનુસાર ટેક્સ ચૂકવવો પડશે.

એરપોર્ટ પર કસ્ટમ્સ ડિક્લેરેશન ક્યારે કરવું પડે?:

જો તમારી પાસે નિર્ધારિત રૂપિયા 75,000ની ડ્યુટી-ફ્રી મર્યાદા કરતાં વધુ મૂલ્યનો સામાન અથવા નવા ગેજેટ્સ હોય, તો ભારત પહોંચતા જ એરપોર્ટ પર રેડ ચેનલ મારફતે કસ્ટમ્સ સમક્ષ તેનું ડિક્લેરેશન કરવું ફરજિયાત છે. પ્રવાસીઓની સુવિધા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ દ્વારા 'અતિથિ પોર્ટલ'ની સુવિધા ઉપલબ્ધ છે, જ્યાં ભારત પહોંચતા પહેલાં જ ઓનલાઇન બેગેજ ડિક્લેરેશન સરળતાથી ભરી શકાય છે.