Wed Jun 17 2026

Logo

Iran-Us War: દુબઈ એરપોર્ટ નજીક ડ્રોન એટેક, ભારતીય સહિત અન્ય નાગરિકો ઘવાયા

Dubai   2026-03-11 14:46:53
Author: Mumbai Samachar Team
Article Image

દુબઈઃ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવની વચ્ચે આજે દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (DXB)ની નજીક બે ડ્રોનના હુમલાથી ચકચાર મચી ગયો છે. આ આકસ્મિક દુર્ઘટનામાં વિવિધ દેશોના ચાર નાગરિકોને ઈજાઓ પહોંચી હોવાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. જોકે, રાહતની વાત એ છે કે આ દુર્ઘટના છતાં વિશ્વના સૌથી વ્યસ્ત ગણાતા આ એરપોર્ટના સંચાલન પર કોઈ મોટી અસર પડી નથી અને હવાઈ સેવાઓ પૂર્વવત્ ચાલુ રહી છે.

દુબઈ મીડિયાના જણાવ્યા અનુસાર એરપોર્ટ નજીક ડ્રોન પડવાને કારણે થયેલી અફડાતફડીમાં ઘાનાના બે, બાંગ્લાદેશનો એક અને ભારતનો એક નાગરિકને  ઈજા પહોંચી છે. સુરક્ષા એજન્સીએ તાત્કાલિક અસરથી પરિસ્થિતિનો જાયજો લીધો હતો અને તમામ ઘાયલોને જરૂરી તબીબી સારવાર આપવામાં આવી છે. અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે એર ટ્રાફિક કંટ્રોલ પર આ ઘટનાની કોઈ નકારાત્મક અસર પડી નથી અને મુસાફરોની અવરજવર સામાન્ય રીતે ચાલુ છે.

સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ ઘાયલ?

દરમિયાન મધ્ય પૂર્વના જંગની વચ્ચે ઈરાનથી પણ ચોંકાવનારા અહેવાલ મળી રહ્યા છે. ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ યુદ્ધ દરમિયાન ઘાયલ થયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ઈરાનના રાષ્ટ્રપતિના પુત્ર યુસુફ પેઝેશ્કિયને આ અંગે પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં મોજતબાને ઈજાઓ પહોંચી છે. નોંધનીય છે કે મોજતબાએ તેમના પિતા અલી ખામેનેઈના અવસાન બાદ ઈરાનની કમાન સંભાળી છે.

મોજતબા ખામેનેઈની તબિયતને લઈને સોશિયલ મીડિયા પર અનેક અફવાઓ ચાલી રહી હતી, ત્યારે પેઝેશ્કિયને પોતાની ટેલિગ્રામ ચેનલ પર સ્પષ્ટતા કરી છે કે સુપ્રીમ લીડર સુરક્ષિત અને સ્વસ્થ છે, જ્યારે બીજી બાજુ મીડિયા અહેવાલ મુજબ, અમેરિકા-ઈઝરાયલના હુમલાના પ્રથમ દિવસે જ તેઓ ઈજાગ્રસ્ત થયા હતા, પરંતુ ઈરાની સૂત્રોનો દાવો છે કે તેઓ હાલમાં ખતરાની બહાર છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા આ લોહિયાળ સંઘર્ષની સીધી અસર હવે નેતૃત્વ પર પણ દેખાઈ રહી છે.