નવી દિલ્હી: ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) દ્વારા દિલ્હી અને કોલકાતામાં ચાલતા સોનાની દાણચોરી અને ગેરકાયદેસર સોનું ઓગાળવાના મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગુપ્ત બાતમીના આધારે હાથ ધરાયેલા આ ઓપરેશનમાં DRIએ કુલ રૂ. 14.13 કરોડની કિંમતનું સોનું, ચાંદી અને રોકડ રકમ જપ્ત કરી છે. આ સંગઠિત સિન્ડિકેટ વિદેશી મૂળના સોનાની ભારતમાં દાણચોરી કરી, તેને રેલવે માર્ગે પરિવહન કરતી હતી અને ત્યારબાદ ગેરકાયદેસર ફેક્ટરીઓમાં ઓગાળીને સ્થાનિક બજારમાં વેચી દેતી હતી.
ઓપરેશનની વિગતો મુજબ, DRIના અધિકારીઓએ ન્યૂ દિલ્હી રેલવે સ્ટેશન પર કોલકાતાથી આવેલા એક મુસાફરને આંતર્યો હતો, જેની પાસેથી વિદેશી માર્કિંગ ધરાવતું સોનું મળી આવ્યું હતું. આ કેરિયર અને સોનું લેવા આવેલા શખ્સની પૂછપરછમાં દિલ્હીમાં ચાલતી એક ગેરકાયદેસર ગોલ્ડ મેલ્ટિંગ ફેસિલિટીનો પત્તો લાગ્યો હતો. તપાસ દરમિયાન અધિકારીઓએ કુલ 8,286.81 ગ્રામ સોનું કે જેની કિંમત રૂ. 13.41 કરોડ, 7,350.4 ગ્રામ ચાંદી કે જેની કિંમત રૂ. 19.67 લાખ અને રૂ. 51,74,100ની રોકડ કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ જપ્ત કરી હતી.
તપાસના તાર છેક કોલકાતા સુધી લંબાયા હતા, જ્યાંથી આ આખી સિન્ડિકેટના માસ્ટરમાઇન્ડને અન્ય એક ગેરકાયદેસર મેલ્ટિંગ યુનિટમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની સાથે અન્ય બે કેરિયર પણ પકડાયા હતા, જેમણે કબૂલાત કરી હતી કે તેઓ વિદેશી સોના પરથી તેની ઓળખ ભૂંસવા માટે તેને ઓગાળીને રેલવે માર્ગે દિલ્હી મોકલતા હતા. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ છ લોકોની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકોની શોધખોળ માટે વધુ તપાસ ચાલુ છે.