Tue Oct 06 2026

Logo

ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે ઈરાનને ચેતવણી આપી, કહ્યું પાવર પ્લાન્ટ અને પુલો ઉડાવી દઈશું

Washington DC   2026-04-05 19:45:00
Author: chandrakant Kanoja
ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે ઈરાનને ચેતવણી આપી, કહ્યું પાવર પ્લાન્ટ અને પુલો ઉડાવી દઈશું

મિડલ ઈસ્ટમાં યુદ્ધ સતત ચાલી  રહ્યું છે અને તે સમાપ્ત થવાના કોઇ સંકેત પણ નથી મળી રહ્યા. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે  ઈરાનને ચેતવણી આપી છે. જેમાં ઇરાનના પાવર પ્લાન્ટ અને પુલો પર હુમલાની ધમકી આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે  ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં જણાવ્યું કે,   ઈરાન  મંગળવારે   પાવર પ્લાન્ટ ડે અને બ્રિજ ડે બંને ઉજવશે. જે પહેલા ક્યારેય બન્યું નથી.  હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, પાગલો, નહીંતર તમે નર્કમાં જશો. અલ્લાહને પ્રાર્થના કરો. 

 યુ.એસ. સૈન્યએ  ગુમ પાયલોટને શોધીને બચાવી લીધો 

આ પૂર્વે  બીજી એક પોસ્ટમાં  ટ્રમ્પે જણાવ્યું હતું કે યુ.એસ. સૈન્યએ ઈરાનના પર્વતોમાંથી એક ગંભીર રીતે ઘાયલ અને બહાદુર F-15 ક્રૂ અધિકારીને બચાવ્યો હતો. રાષ્ટ્રપતિએ  જણાવ્યું હતું કે ઈરાની દળો મોટી સંખ્યામાં તેમને શોધી રહ્યા હતા અને તેમના સ્થાન પર નજીક આવી રહ્યા હતા.

યુદ્ધમાં સામેલ તમામ સૈનિકોની બહાદુરી અને કૌશલ્યની પ્રશંસા કરી

ટ્રમ્પે તેમના પ્લેટફોર્મ, ટ્રુથ સોશિયલ પર લખતા  જણાવ્યું હતું કે, પાયલોટ એક  શિક્ષિત  કર્નલ છે અને આવા મિશન ભાગ્યે જ હાથ ધરવામાં આવે છે. જે  સૈનિકો અને સાધનો બંને માટે ભારે જોખમો ઉભા કરે છે. તેમણે વધુમાં ખુલાસો કર્યો હતો કે પ્રારંભિક કાર્યવાહી દિવસના પ્રકાશમાં થઈ હતી. જેમાં કુલ સાત કલાક ઈરાનની અંદર વિતાવ્યા હતા. રાષ્ટ્રપતિ ટ્રમ્પે  આ યુદ્ધમાં સામેલ તમામ સૈનિકોની બહાદુરી અને કૌશલ્યની પ્રશંસા કરી હતી. 

 ઈરાને ટ્રમ્પની ધમકીને ફગાવી દીધી હતી

ઉલ્લેખનીય છે કે,  શનિવારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અને શાંતિ કરાર કરવા  ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું,  ટ્રમ્પની આ ધમકીની ઈરાન પર કોઈ અસર નથી થઇ, ઈરાને ટ્રમ્પની આ ધમકીને “એક લાચાર, બેચેન, અસંતુલિત અને મૂર્ખતાપૂર્ણ " ગણાવી  હતી.  ઈરાનના લશ્કરી જનરલ અલી અબ્દુલ્લાહી અલિયાબાદીએ એ ટ્રમ્પની ધમકીને ફગાવી દીધી હતી. અબ્દુલ્લાહીએ યુએસને ચેતવણી આપી હતી કે જો ઈરાનની માળખાગત સુવિધાઓ પર યુએસ અને ઇઝરાયલ દ્વારા હુમલો કરવામાં આવશે, તો મધ્ય પૂર્વમાં યુએસનાં તમામ લશ્કરી મથકો અને ઇઝરાયલની માળખાગત સુવિધાઓ પર વિનાશક અને સતત હુમલાઓ કરવામાં આવશે.