વોશિંગ્ટન :અમેરિકાની સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વોર ચાલુ રાખી છે. જેમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તમામ દેશો પર લાદવામાં આવેલ વર્તમાન 10 ટકા ટેરિફને વધારીને 15 ટકા કરવાની જાહેરાત કરી છે.
અમેરિકાને પહેલા કરતાં વધુ મજબૂત અને મહાન બનાવવાનું લક્ષ્ય
આ અંગે ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું છે કે, વિશ્વભરના તમામ દેશો પર હાલનો 10 ટકા ટેરિફ વધારીને 15 ટકા કરવામાં આવશે. તેનો તાત્કાલિક અમલ કરવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે ઘણા દેશો દાયકાઓથી અમેરિકાનો લાભ લઈ રહ્યા છે. પરંતુ હવે તેમની સરકાર તેમને રોકી રહી છે. તેમણે કહ્યું કે આગામી મહિનાઓમાં, તેઓ વધુ નવા કરને અંતિમ સ્વરૂપ આપશે જે કાયદેસર હશે. તેમનું લક્ષ્ય અમેરિકાને પહેલા કરતાં વધુ મજબૂત અને મહાન બનાવવાનું છે.
ટ્રમ્પે આ નિર્ણય વર્ષ 1974 ના ટ્રેડ એક્ટની કલમ 122 હેઠળ લીધો
ટ્રમ્પે આ નિર્ણય વર્ષ 1974 ના ટ્રેડ એક્ટની કલમ 122 હેઠળ લીધો હતો. જે રાષ્ટ્રપતિને ચૂકવણીના સંતુલનમાં ખાધની સ્થિતિમાં 150 દિવસ સુધી 15 ટકા સુધી ટેરિફ લાદવાની મંજૂરી આપે છે. અગાઉ, ટ્રમ્પે શુક્રવારે 10 ટકાનો ગ્લોબલ ટેરિફ લાદયો હતો. જે હવે વધારાની મહત્તમ મર્યાદા 15 ટકા સુધી પહોંચી ગયો છે.

અમેરિકાને લાંબા ગાળાના નુકસાનથી બચાવવા માટે ટેરિફ જરૂરી
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય વેપાર પર અસર થઈ શકે છે. ટ્રમ્પ વારંવાર કહી ચૂક્યા છે કે અમેરિકાને લાંબા ગાળાના નુકસાનથી બચાવવા માટે ટેરિફ જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે અગાઉની સરકારોએ અન્ય દેશોને અમેરિકાનો લાભ લેવાની મંજૂરી આપી હતી. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. ટ્રમ્પ તેમની "અમેરિકા ફર્સ્ટ" નીતિ પ્રત્યે પ્રતિબદ્ધ છે.
ટ્રમ્પે દુનિયાના દેશો પર લગાવેલો ટેરિફ ગેરકાનૂની
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને શુક્રવારે સુપ્રીમ કોર્ટે સૌથી મોટો ઝટકો આપ્યો હતો.ટ્રમ્પે ભારત સહિત અનેક દેશો પર ટેરિફ ઝીંકીને વૈશ્વિક અર્થવ્યવસ્થાને પણ અસ્થિર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ટેરિફ મુદ્દે અમેરિકન સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ટ્રમ્પને ટેરિફ લગાવવાનો કોઈ કાયદાકીય અધિકાર નથી. કોર્ટે કહ્યું છે કે ટ્રમ્પે દુનિયાના દેશો પર લગાવેલો ટેરિફ ગેરકાનૂની છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા જણાવ્યું છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નેશનલ ઈમરજન્સી માટે રાખેલા કાયદાનો ઉપયોગ કરીને સૌથી મોટો ટેરિફ વસૂલીને પોતાના અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે.