Fri Sep 04 2026

Logo

ડોમ્બિવલીની હૉસ્પિટલમાં ડૉક્ટરની મારપીટનું પ્રકરણ

2026-08-07 19:09:58
Author: Yogesh C. Patel
ડોમ્બિવલીની હૉસ્પિટલમાં ડૉક્ટરની મારપીટનું પ્રકરણ

ચાર્જશીટ દાખલ થાય ત્યાં સુધી રાજ્ય બહાર રહેવાની શરત સાથે નગરસેવક મ્હાત્રેને જામીન

મુંબઈ: ડોમ્બિવલીમાં માહાપાલિકા સંચાલિત હૉસ્પિટલમાં ડૉક્ટરો અને સ્ટાફ સાથે કથિત મારપીટના કેસમાં બૉમ્બે હાઈ કોર્ટે ચાર્જશીટ દાખલ થાય ત્યાં સુધી રાજ્ય બહાર રહેવા સહિતની કેટલીક આકરી શરતો સાથે નગરસેવક રમેશ મ્હાત્રેના જામીન મંજૂર કર્યા હતા. નાગરિકોએ ચૂંટેલા લોકપ્રતિનિધિ લોકશાહી વ્યવસ્થાનો મૂળભૂત અંગ છે અને જ્યારે લોકપ્રતિનિધિ મતદારો પર હુમલો કરે ત્યારે લોકશાહીની મૂળભૂત રચના ડગમગવા લાગે છે, એવી મહત્તવની અને ગંભીર ટિપ્પણી પણ કોર્ટે કરી હતી.

હાઈ કોર્ટના જજ રવીન્દ્ર ઘુગેએ શુક્રવારે મ્હાત્રે અને અન્ય ત્રણ આરોપીને જામીન આપતી વખતે શરતોનું પાલન કરવાની તાકીદ કરી હતી. આરોપનામું દાખલ થાય ત્યાં સુધી મહારાષ્ટ્રની બહાર રહેવું, પીડિત અને સાક્ષીદારો પર કોઈ પણ પ્રકારનો પ્રભાવ પાડવો નહીં, પીડિત અને સાક્ષીદારોના કુટુંબીજનો તેમ જ મિત્રો અને પરિચિતોનો સંપર્ક સાધવો નહીં, પાસપોર્ટ મૅજિસ્ટ્રેટ પાસે જમા કરાવવો, ખટલાની સુનાવણી દરમિયાન નિયમિત હાજરી આપવી, પોલીસ સ્ટેશનમાં નક્કી કરેલી તારીખે હાજર રહેવું જેવી શરતો કોર્ટે લાગુ કરી હતી.

નવજાત શિશુને અન્ય હૉસ્પિટલમાં લઈ જવાના ડૉક્ટરના સૂચન બાદ છઠ્ઠી જુલાઈએ વડીલોનો ડોમ્બિવલીની હૉસ્પિટલના કર્મચારીઓ સાથે વિવાદ થયો હતો. આ વિવાદમાં નગરસેવક મ્હાત્રેએ ઝંપલાવ્યું હતું. મ્હાત્રે સહિત ચાર જણે હૉસ્પિટલમાં ડૉક્ટરો સાથે મારપીટ કરી હતી અને એક કર્મચારી સાથે ઉદ્ધત વર્તન કર્યું હતું. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

આ કેસમાં મ્હાત્રે સહિત ચારની ધરપકડ કરાઈ હતી. અમુક દિવસ પોલીસ કસ્ટડીમાં વિતાવનારા મ્હાત્રેને કલ્યાણની મૅજિસ્ટ્રેટ કોર્ટે 15 જુલાઈએ જામીન આપ્યા હતા. જામીન મળતાં જ મ્હાત્રે કસ્ટડીમાંથી બહાર આવ્યો હતો. જોકે તેના ત્રણ સાથીના જામીન મંજૂર થયા છતાં તેમને કસ્ટડીમાંથી છોડવાની પ્રક્રિયા પૂરી થઈ નહોતી. એ જ સમયે હાઈ કોર્ટે આ ઘટનાની જાતે નોંધ લીધી હતી.

સુઓ મોટો પિટિશન ફાઈલ કરી હાઈ કોર્ટે નીચલી અદાલતનો આદેશ રદ કરી ચારેયના જામીન સામે સ્ટે આપ્યો હતો. વધુમાં મ્હાત્રેને પોલીસ સમક્ષ આત્મસમર્પણનો આદેશ આપ્યો હતો. શરણે આવેલા મ્હાત્રેને ફરી અદાલતી કસ્ટડીમાં મોકલી દેવાયો હતો.

કોર્ટે નોંધ કરી હતી કે મોટા ગુનેગારી કેસો સંભાળનારા અનુભવી વકીલની આ ખટલાની સુનાવણી માટે રાજ્ય સરકારે દસ દિવસમાં જ વિશેષ સરકારી વકીલ તરીકે નિયુક્તિ કરવી. તપાસ અધિકારીએ બાકીની તપાસ ઝડપથી પૂરી કરવી. ઘટનાના પુરાવા તરીકેનાં સીસીટીવી ફૂટેજ, તસવીરો અને અવાજના નમૂનાનો અહેવાલ કલિનાની ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરીએ 15 દિવસમાં આપવો.