Tue Sep 01 2026

Logo

ધોળકાના ભેટાવાડામાં કેમિકલયુક્ત ઝેરી પાણી સામે ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર: 'આપ' મેદાનમાં આવ્યું

2026-08-27 18:18:16
Author: Devayat Khatana
ધોળકાના ભેટાવાડામાં કેમિકલયુક્ત ઝેરી પાણી સામે ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર: 'આપ' મેદાનમાં આવ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:
જિલ્લાના ધોળકા તાલુકાના ભેટાવાડા ગામે અંદાજે છેલ્લા છ દિવસથી કેમિકલયુક્ત ઝેરી પાણી સામે ખેડૂતો અને ગ્રામજનો દ્વારા છેડવામાંઆવેલું આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે.  ગુરુવારે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી ધોળકાના ભેટાવાડા ગામની મુલાકાતે આવ્યા હતા,જ્યાં પ્રદૂષણથી પીડિત લગભગ પાંચ ગામના લોકો ધરણા પર બેઠા છે. 

આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે વિવિધ કંપનીઓ અને નગરપાલિકા દ્વારા અહીં કેમિકલયુક્ત અને ગંદું પાણી છોડવામાં આવે છે, જે ખેતરોમાં ભરાય છે અને બોરવેલ દ્વારા જમીનમાં ઉતારવામાં આવે છે. આ ગંભીર પ્રદૂષણને કારણે સ્થાનિક જમીન ખરાબ થઈ ગઈ છે અને આ વિસ્તારમાં થતી પ્રખ્યાત ગુલાબની ખેતી પણ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ છે, જેના લીધે લોકો પરેશાન છે અને વિવિધ પ્રકારના રોગોનો ભોગ બની રહ્યા છે તેવો તેમણે આક્ષેપ કર્યો હતો.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ પ્રદૂષણની ભયાનક અસરોને લીધે આ ગામો કેન્સરગ્રસ્ત બની ગયા છે, જ્યાં કેન્સરના કારણે મૃત્યુ પામેલા 21 લોકોના ફોટા ધરણા સ્થળે પાછળ મૂકવામાં આવ્યા છે અને હજુ પણ અનેક લોકો કેન્સરથી પીડિત છે. ગઢવીએ ઉમેર્યું હતું કે આ ગ્રામજનોની માંગણી અત્યારે સ્માર્ટ સ્કૂલ, રોડ-રસ્તા કે પાકના ભાવો મેળવવાની નથી, પરંતુ પોતાના અસ્તિત્વ અને જીવનને બચાવવાની છે. આ અત્યંત ગંભીર પરિસ્થિતિ વચ્ચે પણ, સરકાર કેમિકલવાળું ગંદું પાણી બંધ કરાવવાને બદલે લોકોના આ ધરણાને કેવી રીતે બંધ કરાવવા તેના પ્રયાસો કરી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો.