Wed Sep 30 2026

Logo

સરકાર મરાઠાઓની બધી સ્વીકૃત માંગણી પૂર્ણ કરશે: દેવેન્દ્ર ફડણવીસ

2026-09-17 19:59:11
Author: Mumbai Samachar Team
સરકાર મરાઠાઓની બધી સ્વીકૃત માંગણી પૂર્ણ કરશે: દેવેન્દ્ર ફડણવીસ

મુંબઈ/છત્રપતિ સંભાજી નગર: ઉપવાસ છોડવાના મરાઠા અનામત આંદોલનકર્તા મનોજ જરાંગેના નિર્ણયની પ્રશંસા કરી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે સરકારે તેમની 13માંથી 12 માંગણી સ્વીકારી છે અને એ બારેબાર પૂર્ણ કરવામાં આવશે. સંભાજી નગરમાં 'હૈદરાબાદ મુક્તિ દિન' નિમિત્તે આયોજિત ધ્વજારોહણ વખતે સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં તેમણે આ પ્રમાણે જણાવ્યું હતું.

ઉપવાસ છોડવાના જરાંગેના નિર્ણય વિશે પ્રતિક્રિયા આપતા ફડણવીસે જણાવ્યું હતું કે 'અમારી વિનંતીને માન આપી જરાંગેએ આંદોલન અટકાવી દીધું છે એનો મને આનંદ છે. અમે 13માંથી 12 માંગણી સ્વીકારી જ લીધી છે અને બાકીની માંગણી સંદર્ભે જે કાનૂની સમસ્યાઓ છે એ અમે સમજાવી દીધી છે. આપેલું વચન સરકારે પાળ્યું છે.'

ફડણવીસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વરસગાંઠની શુભેચ્છાઓ આપી જણાવ્યું હતું કે 'પીએમ મોદી જન્મદિવસની ઉજવણી નથી કરતા. એટલે અમે આ નિમિત્તે કેટલાક કાર્યક્રમનું આયોજન કર્યું છે. 
'સેવા સપ્તાહ' મારફત અમે અલગ અલગ પ્રકારે લોકોને મદદરૂપ થઈશું અને તેમની જરૂરિયાત પૂરી થાય એ અમારી કોશિશ હશે.'