Wed Jun 17 2026

Logo

નકલી મેડિકલ વિઝા પર રહેતા 10 બાંગ્લાદેશી ઝડપાયા, દિલ્હીથી યુરોપ જવાનો હતો પ્લાન

2026-03-13 15:31:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દિલ્હીમાં ગેરકાયદે રહેતા વિદેશી નાગરિકો સામે એક મોટું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત દિલ્હી પોલીસ દ્વારા બાહરી જિલ્લામાંથી 10 બાંગ્લાદેશી નાગિરકોની ધરપકડ કરવામાં આવી છે. મહત્વની વાત છે કે, આ બાંગ્લાદેશી નાગરિકો નકલી મેડિકલ વિઝાના સહારે ભારતમાં રહેતા હતાં. એટલું જ નહીં પરંતુ અહીંથી યુરોપ જવાની યોજના બનાવી રહ્યાં હતાં, પરંતુ તે પહેલા દિલ્હી પોલીસ દ્વારા તેમને ઝડપી લેવામાં આવ્યાં છે. 

દિલ્હી પોલીસને ખાનગી રાહે મળી હતી બાતમી

વિગતે વાત કરવામાં આવે તો, દિલ્હી પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, કેટલાક વિદેશી નાગરિકો વિઝા પૂર્ણ થયા હોવા છતાં પણ ભારતમાં વસવાટ કરી રહ્યાં છે. બાતમીના આધારે આ વિસ્તારમાં ફોરેનર સેલની એક ટીમ દ્વારા આ વિસ્તારમાં વોચ રાખવામાં આવી હતી. પોલીસ આવી હોવાની જાણ થતા જ આ લોકોએ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પોલીસે દરેકની ધરપકડ કરી લીધી હતી. 

યુરોપ જવાનો પ્લાન બનાવી રહ્યાં હતા આ બાંગ્લાદેશી નાગરિકો

જ્યારે પોલીસ દ્વારા તપાસ કરવામા આવી ત્યારે આ લોકો પાસે કોઈ પણ આધાર પૂરાવા નહોતા એટલું જ નહીં પરંતુ ભારતમાં રહેવા અંગેના પણ કોઈ પુરાવા નહોતા. જેથી પોલીસે તેમની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ 10 બાંગ્લાદેશી નાગરિકાના વિઝા ઘણા સમય પહેલા જ પૂર્ણ થઈ ગયાં હતા. 

પકડાયેલા બાંગ્લાદેશી નાગરિકોના નામની વાત કરવામાં આવે તો, પોલીસે ફારૂક (39 વર્ષ), મોહમ્મદ સોજિબ ફકીર (29 વર્ષ), શોહાગ મિયા (26 વર્ષ), મોહમ્મદ શરાબુલ ઇસ્લામ શાહિદુલ (37 વર્ષ), ગુલામ રબ્બાની (29 વર્ષ), સજીબ મિયા (26 વર્ષ), મોહમ્મદ જહિરૂલ (33), મોહમ્મદ આલમગીર હોસિન (30 વર્ષ) અને મોહમ્મદ અબ્દુલ કુદ્દુસ (38 વર્ષ)ની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ બાંગ્લાદેશી નાગરિકો સામે આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.