નવી દિલ્હીઃ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ પ્રિવેન્ટિવ વિભાગ અને CISFના જવાનોએ સોનાની તસ્કરીનો પર્દાફાશ કર્યો છે. તારીખ 12 સપ્ટેમ્બર 2026ના રોજ હાથ ધરાયેલા ચેકિંગ દરમિયાન જેદ્દાહથી દિલ્હી થઈને ઢાકા જઈ રહેલા એક બાંગ્લાદેશી ટ્રાન્ઝિટ મુસાફર પાસેથી રૂપિયા 1.88 કરોડની કિંમતનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે.
આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝિટ એરિયામાં તલાશી દરમિયાન મોટો ખુલાસો
આરોપી મુસાફર એર ઇન્ડિયાની ફ્લાઇટ દ્વારા જેદ્દાહથી દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-3 પર પહોંચ્યો હતો. તેને દિલ્હીથી એર ઇન્ડિયાની જ અન્ય ફ્લાઇટ દ્વારા બાંગ્લાદેશની રાજધાની ઢાકા જવાનું હતું. ઇન્ટરનેશનલ ટ્રાન્ઝિટ એરિયામાં સુરક્ષા ચેકિંગ દરમિયાન CISF જવાનોને મુસાફરની હિલચાલ પર શંકા ગઈ હતી. ઊંડાણપૂર્વક લેવાયેલી તલાશીમાં તેના અંડરગારમેન્ટ્સમાંથી ભૂરા અને સફેદ રંગના 3 કેપ્સૂલ મળી આવ્યા હતા. આ કેપ્સૂલમાં રસાયણ મિશ્રિત પેસ્ટના સ્વરૂપમાં સોનું છુપાવવામાં આવ્યું હતું. પેકિંગ સાથે આ કેપ્સૂલ્સનું કુલ વજન 1,596 ગ્રામ નોંધાયું હતું. જેની અંદાજે 1.88 કરોડ થતી હોવાનું જાણવા મળ્યું છે.
પૂછપરછ દરમિયાન આરોપીએ તસ્કરીની વાત સ્વીકારી
કાયદાકીય કાર્યવાહીની વાત કરવામાં આવે તો, આમુસાફરને ટર્મિનલ-3ના કસ્ટમ્સ ઓફિસ ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં રાસાયણિક પ્રક્રિયા દ્વારા પેસ્ટમાંથી શુદ્ધ સોનું અલગ કરવામાં આવ્યું હતું. પ્રક્રિયા બાદ 1,346 ગ્રામ વજન ધરાવતી સોનાની બે આયતાકાર છડ (બાર) રિકવર થઈ હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ સ્વીકાર્યું હતું કે તે સાઉદી અરેબિયાના જેદ્દાહથી આ સોનું લાવ્યો હતો અને આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝિટ એરિયામાં અન્ય એક વ્યક્તિને હેન્ડઓવર કરવાનો હતો. કસ્ટમ્સ વિભાગે સોનું જપ્ત કરી આરોપીની ધરપકડ કરી છે અને આગળની તપાસ ચાલુ રાખી છે.
કસ્ટમ્સ એક્ટ 1962ની કલમ 110 અને 104 હેઠળ કાર્યવાહી
આ સમગ્ર કેસમાં કસ્ટમ્સ એક્ટ 1962ની કલમ 110 અને 104 હેઠળ કાર્યવાહી કરતા મુસાફરની ધરપકડ કરી લેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં અમદાવાદ એરપોર્ટ પર પણ કસ્ટમ્સ વિભાગે વિવિધ કેસોમાં 4 મુસાફરો પાસેથી રૂપિયા 49.23 લાખની કિંમતનું 299.490 ગ્રામ સોનાનું દાગીના જપ્ત કરી તેમની અટકાયત કરી હતી. કસ્ટમ્સ વિભાગ દ્વારા આવી રીતે સોનાની તસ્કરી કરતા મુસફારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે.