રક્ષા મંત્રાલયના વર્ષ 2025-26ના વાર્ષિક અહેવાલ મુજબ, વર્ષ 2025માં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના જવાનોની સંખ્યામાં ઘટાડો થયો છે, જ્યારે ભારતીય સેનાએ કોઈપણ પડકાર કે આકસ્મિક સ્થિતિનો અસરકારક રીતે સામનો કરવા માટે તમામ ક્ષેત્રોમાં પોતાની પકડ મજબૂત રીતે જાળવી રાખી છે.
ઉત્તરી સરહદ પર PLAની સંખ્યામાં ઘટાડો
અહેવાલ મુજબ, વર્ષ 2025 દરમિયાન ઉત્તરી સરહદોની સામે પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ચીનની સેનાની આશરે 10 કમ્બાઇન્ડ આર્મ્સ બ્રિગેડના કદની ટુકડીઓ વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) સાથે જોડાયેલા વિસ્તારો અને તેમના પરંપરાગત તાલીમ ક્ષેત્રોમાં ડેપ્લોય (તેનાત) રહી હતી. એટલે કે ચીને સરહદ પર પોતાની લશ્કરી ઉપસ્થિતિને અગાઉની સરખામણીમાં મર્યાદિત કરી છે, પરંતુ તેની લશ્કરી પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે બંધ નથી થઇ.
LAC પર ભારતીય સેના સંપૂર્ણપણે સજ્જ
રક્ષા મંત્રાલયે જણાવ્યું છે કે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ના તમામ ક્ષેત્રોમાં ભારતીય સેનાની સંખ્યા મજબૂત, સંતુલિત અને સંપૂર્ણપણે તૈયાર છે. સેનાએ તમામ વિસ્તારોમાં પોતાની સ્થિતિ એવી રીતે જાળવી રાખી છે કે જેથી કોઈપણ સંભવિત કટોકટી કે નવા પડકારોનો સામનો અસરકારક રીતે કરી શકાય.
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિ નિયંત્રણમાં
અહેવાલમાં જમ્મુ-કાશ્મીરની સ્થિતિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ, ભારતીય સેનાના સતત પ્રયાસોને કારણે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિ મજબૂતીથી નિયંત્રણમાં છે.
હિંસામાં ઘટાડો, વિરોધ પ્રદર્શનો પણ થયા મર્યાદિત
રક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીરમાં હિંસાની ઘટનાઓમાં ઘટાડો થયો છે. આ સાથે જ વિરોધ પ્રદર્શનોનું પ્રમાણ પણ ઘટ્યું છે. અહેવાલમાં ખાસ કરીને જણાવવામાં આવ્યું છે કે પથ્થરમારાની ઘટનાઓ હવે શૂન્ય થઈ ગઈ છે.
ઓપરેશન સિંદૂર દરમિયાન પરિસ્થિતિ બદલાઇ
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન જમ્મુ-કાશ્મીરની અંદર અને નિયંત્રણ રેખા (LoC) આસપાસની સ્થિતિમાં નોંધપાત્ર ફેરફાર આવ્યો.
સ્પેશ્યલ રિપ્રેઝેન્ટેટિવ સ્તરની વાતચીત ફરી શરુ થઇ
ભારત અને ચીન વચ્ચેના સીમા વિવાદને લગતા મુદ્દાઓ પર સ્પેશિયલ રિપ્રેઝન્ટેટિવ એટલે કે SR સ્તરની વાતચીત પણ ફરી શરૂ થઈ છે. ડિસેમ્બર 2024 અને ઓગસ્ટ 2025માં તેના બે તબક્કા યોજાયા હતા. આ વાતચીત સીમા સાથે જોડાયેલા લાંબા સમયથી ચાલતા પ્રશ્નોને રાજકીય અને કૂટનીતિક સ્તરે ઉકેલવાના પ્રયાસનો એક ભાગ છે. ઓગસ્ટ 2025માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીન યાત્રા દરમિયાન પણ બંને દેશોના સંબંધોમાં સકારાત્મક વાતાવરણ ઊભુ કરવાનો પ્રયાસ થયો હતો. વડાપ્રધાન ચીનના તિયાનજિનમાં યોજાયેલ શાંઘાઈ સહયોગ સંગઠન એટલે કે SCO સંમેલનમાં સામેલ થવા પહોંચ્યા હતા. આ દરમિયાન ભારત અને ચીનના સંબંધોમાં મજબૂતી વધારવા સાથે જોડાયેલા અનેક પાસાઓ પર ચર્ચા થઈ હતી.