Fri Oct 02 2026

Logo

ફુગાવો અને પ્રવાહિતાના જોખમોથી વર્તમાન નાણાકીય વર્ષના બીજા છમાસિકગાળામાં દેશની વૃદ્ધિ ધીમી પડશેઃ ડીબીએસ

2026-09-22 19:53:19
Author: Ramesh Gohil
ફુગાવો અને પ્રવાહિતાના જોખમોથી વર્તમાન નાણાકીય વર્ષના બીજા છમાસિકગાળામાં દેશની વૃદ્ધિ ધીમી પડશેઃ ડીબીએસ

નવી દિલ્હીઃ વર્તમાન નાણાકીય વર્ષના બીજા છમાસિકગાળામાં ખાસ કરીને તંગ રાજકોષીય સ્થિતિ, ક્રૂડતેલ-એનર્જીના ભાવમાં વધારા અને પ્રતિકૂળ બેઝ ઈફેક્ટ અર્થાત્‌‍ તુલનાત્મક આધારની માઠી અસર આર્થિક પ્રવૃત્તિઓ પર પડતાં દેશનો આર્થિક વૃદ્ધિદર મંદ પડે તેવી શક્યતા હોવાથી નાણાનીતિ પર બજારની નજર મંડાયેલી રહેશે, એમ ડીબીએસ બૅન્કનાં અર્થશાસ્ત્રી રાધીકા રાવે જણાવ્યું હતું.

વર્તમાન નાણાકીય વર્ષ 2026-27 (એપ્રિલ 2026થી માર્ચ 2027નો આરંભ મજબૂત અન્ડરટોનથી થયો હતો અને પહેલા ત્રિમાસિકગાળામાં મજબૂત સ્થાનિક માગ, વપરાશ વૃદ્ધિ, જાહેર મૂડીગત્‌‍ ખર્ચ અને ઉત્પાદનને ટેકે આર્થિક વૃદ્ધિ દર 7.8 ટકાના સ્તરે રહ્યો હોવાનું ડીબીએસ બૅન્કનાં વરિષ્ઠ અર્થશાસ્ત્રી અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાવે તેના મેક્રો ઈકોનોમિક આઉટલૂકની આકારણીમાં જણાવ્યું હતું. ડીબીએસએ વર્તમાન નાણાકીય વર્ષ 2027 માટેના આર્થિક વૃદ્ધિ દરનો અંદાજ વર્ષ 2026ના સુધારિત 7.8 ટકા સામે 7.3 ટકાનો મૂક્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું. 

જીએસટી વસૂલી, ઈ-વૅ બિલ્સ, ઈલેક્ટ્રિસિટીની માગ અને ડિજિટલ પેમેન્ટ્સ જેવાં પરિબળો સ્થિતિસ્થાપક રહ્યા છે જે દર્શાવે છે કે સ્થાનિક પ્રવૃત્તિઓ હજુ ગતિમાન છે, પરંતુ તંગ નાણા સ્થિતિ, ઊંચો ઊર્જા ખર્ચ અને ગત સાલના સમાનગાળાના ઊંચા બેઝની અસરો નાણાકીય વર્ષના અંતમાં જોવા મળી શકે છે. 

એકંદરે ફુગાવો મુખ્ય જોખમી પરિબળ છે. ગત ઑગસ્ટ મહિનામાં ખાંડ સહિતની ખાદ્ય ચીજોના ભાવમાં વધારો, પ્રોટીનયુક્ત ખાદ્ય ચીજો તથા ખાદ્યતેલના ભાવ વધી આવવાની સાથે ક્રૂડતેલના ભાવ વધી આવતાં ગ્રાહક ભાવાંક આધારિત ફુગાવો વધીને 4.8 ટકાની સપાટીએ પહોંચ્યો હતો. વધુમાં અલ નિનોના જોખમો વધતાં વરસાદ સાધારણ કરતાં ઓછો થતાં કૃષિ પાકનાં ઉત્પાદનમાં ઘટાડો થવાનું જોખમ વધ્યું હોવાથી ડીબીએસએ વર્તમાન નાણાકીય વર્ષના બીજા છમાસિકગાળામાં ફુગાવો પાંચ ટકાની ઉપર રહેવાનો અંદાજ મૂક્યો છે. 

વધુમાં રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાના સ્પેશ્યલ સ્વેપ વિન્ડો મારફતે 133 અબજ ડૉલરના એફસીએનઆર (બી) ડિપોઝીટ સહિત કુલ 143 અબજ ડૉલરનો વિદેશી ચલણી પ્રવાહ મળવાની સાથે વિદેશી ચલણી અસ્ક્યામતો 780 અબજ ડૉલરની વિક્રમ સપાટીએ પહોંચી હોવા છતાં ડીબીએસએ પ્રવાહિતાનો વહીવટ અથવા તો લિક્વિડીટી મેનેજમેન્ટ પણ દબાણ હેઠળ રહે તેવી શક્યતા વ્યક્ત કરતાં અહેવાલમાં જણાવતા ઉમેર્યું હતું કે આ આંતરપ્રવાહને કારણે દેશના બાહ્ય બફરમાં વધારો થયો છે, પરંતુ સાથે સાથે બૅન્કિંગ યંત્રણામાં પણ અતિરિક્ત પ્રવાહિતા થઈ છે. રિઝર્વ બૅન્કે અતિરિક્ત પ્રવાહિતાને મેનેજ કરવા અને બૉન્ડની ઊપજ પર અસર પાડવા વેરિયેબલ રેટ રિવર્સ રિપો અને ઓપન માર્કેટ ઓપરેશન જેવાં સાધનોનો ઉપયોગ કરવો પડશે.